કેનેડામાં ખાલિસ્તાન તરફી બે ગેંગસ્ટરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને હવે બંને દેશ વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે. આમ તો કેનેડા દેશ વિસ્તારમાં ખૂબ મોટો છે પરંતુ વસતીના મામલે નાનો છે. કેનેડાની વસતી આશરે 5.50 કરોડની હોવાનું અનુમાન છે અને તેમાં પણ કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યા 14 લાખની હોવાનું અનુમાન છે અને તેમાં ગુજરાતીઓની સંખ્યા આશરે પાંચેક લાખ જેટલી છે.
કેનેડામાં હાલમાં વિઝા ઝડપથી મળી જતાં હોવાથી કેનેડા ભણવા જવા માટે ભારતીય વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો છે. કેનેડામાં વસતા ભારતીયોને સમજવામાં આવે તો જાણી શકાય કે કેનેડામાં ભારતીયોમાં સૌથી વધુ પંજાબી છે અને બીજા ક્રમે હવે ગુજરાતી છે. 2022માં 1.18 લાખ ભારતીયો કેનેડાના નાગરિક બની ગયા છે. અગાઉ 2013માં કેનેડાની નાગરિકતા મેળવનાર ભારતીયોની સંખ્યા માત્ર 32 હજાર જેટલી જ હતી પરંતુ કેનેડાએ વિઝા પોલિસી બદલીને દરવાજા ખોલી નાખતાં કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થઈ ગયો. ભારતમાંથી માત્ર એન્જિનિયરિંગ ભણવા માટે કેનેડા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે.
કેનેડાની કુલ વસતીમાં ભારતીયોની વસતી 3 ટકા છે. જે નોંધપાત્ર છે. કેનેડા અને ભારત વચ્ચે વેપારના પણ સંબંધો સારા છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2023માં ભારતે કેનેડામાં 4.11 અબજ ડોલર એટલે કે લગભગ 34 હજાર કરોડના માલસામાનની નિકાસ કરી હતી, જ્યારે ભારતે કેનેડાથી લગભગ 4.17 અબજ ડોલર, એટલે કે 35 હજાર કરોડ રૂપિયાના માલ-સામાનની આયાત કરી હતી. 23 વર્ષમાં કેનેડા ભારતમાં 3,306 મિલિયન ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે.
કેનેડા ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોની યાદીમાં 18મા નંબર પર છે તેમજ 1000થી વધુ કેનેડિયન કંપનીઓ ભારતમાં વેપાર કરી રહી છે, જ્યારે કેનેડાની 600થી વધારે કંપનીઓ ભારતમાં પ્લાન્ટ કે ઓફિસ ધરાવે છે. આટલું જ નહીં આંકડા પ્રમાણે કેનેડાના પેન્શન ફંડમાં ભારત દ્વારા 55 અબજ ડોલરનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવેઝ, મહિન્દ્રા સસ્ટેન, સહ્યાદ્રિ હોસ્પિટલ સહિતની મોટી કંપનીઓ દ્વારા કેનેડામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ ન્યાયે કેનેડાની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન છે. કેનેડામાં સૌથી વધુ ભારતીયો જ નોકરી કરે છે અને હાલમાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જઈ રહ્યા છે. કેનેડામાં ભણવા જનાર ભારતીય વિદ્યાર્થી બાદમાં કેનેડામાં જ સેટલ થતો હોવાથી તેના દ્વારા કરનો સીધો ફાયદો કેનેડાને જ થાય છે.
આટલી સત્ય હકીકત હોવા છતાં પણ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી નાખી. જસ્ટીન ટ્રુડો દ્વારા ખાલિસ્તાન તરફી ગેંગસ્ટરની હત્યા માટે ભારત પર દોષારોપણ કરવામાં આવ્યું અને ભારતે તેનો વળતો જવાબ પણ આપી દીધો. બંને દેશ વચ્ચે સંબંધોની મિઠાશ દૂર થવા છતાં પણ ભારત સરકારે કેનેડાની સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ખાલિસ્તાની તરફીઓને જો કેનેડા સાચવશે તો ભારત સ્હેજેય સાંખી લેશે નહીં. ભારતે આ સાચું પગલું લીધું છે અને તેને કારણે હવે કેનેડાએ બેકફુટ પર આવવું પડી રહ્યું છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતને એવી અપીલ કરવી પડી છે કે હું ઉશ્કેરાટ ફેલાવવા માંગતો નથી. ભારત સાથે મળીને સત્ય બહાર લાવવા માગું છું. કેનેડાની આ સ્થિતિએ બતાવી આપ્યું છે કે જો કોઈપણ દેશને નમાવવું હોય તો તે દેશની આર્થિક તાકાતમાં પોતાનો હિસ્સો વધારી દેવો. કેનેડામાં પણ ભારતીયોનો જે રીતે ત્યાંની અર્થવ્યવસ્થામાં સહયોગ છે તેણે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને વિચારતા કરી મૂક્યા છે. કેનેડાની સરકારે ત્યાંના ભારતીયોને એવી ધરપત આપવી પડી છે કે કેનેડિયન સરકાર તેમને કશું થવા દેશે નહીં.
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ એ સમજવું પડશે કે, તેની ધરતી પર જો ખાલિસ્તાની તરફીઓ મજબૂત થતાં જશે તો તેનો ભોગ ખૂદ કેનેડા પણ બનશે. કારણ કે આતંકવાદ ક્યારેય કોઈનો સગો હોતો નથી. ભૂતકાળમાં પણ ખાલિસ્તાની તરફીએ 1985માં વિમાની ઉડાડી દીધું હતું અને તેમાં આશરે 300થી પણ વધુ કેનેડિયન નાગરિક માર્યા ગયા હતા. ખાલિસ્તાનીઓ માટે ભારતમાં કોઈને પ્રેમ નથી. ખુદ શીખ સમુદાય પણ તેને મહત્વ આપતું નથી. આ સંજોગોમાં જસ્ટીન ટ્રુડોની ખાલિસ્તાનવાદીઓની તરફેણ કેનેડાની પણ ઘોર ખોદી નાખશે. ભૂતકાળમાં પાકિસ્તાની આતંકવાદ ચલાવ્યો અને હવે પાકિસ્તાનની હાલત ખસ્તાં થઈ ગઈ છે. જો જસ્ટીન ટ્રુડો આ સત્ય ઝડપથી સમજીને ભારત સાથે સંબંધો સુધારી લેશે તો તે કેનેડાના હિતમાં હશે તે નક્કી છે.