Gujarat

ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ જિલ્લામાં રોગચાળે અટકાવવા દોડધામ

ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) ભારે વરસાદને (Heavy Rain) કારણે છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના મુખ્ય ચાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં તા. 18 થી 21 દરમિયાન ચાર જિલ્લાના 121 ગામોના 4,00,430 વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું. જેમાં 82,620 ક્લોરીન ટેબ્લેટ અને 56,400 ઓ.આર.એસ.નું વિતરણ કરાયું છે. આવતીકાલ તા. 22 થી 28 સપ્ટેમ્બર સાત દિવસ દરમિયાન ચારેય અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરોગ્યકર્મીઓની 435 ટીમ દ્વારા સર્વેલન્સની સધન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ કહયું હતું કે અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 3 જિલ્લા હોસ્પિટલ, 4 પેટા જિલ્લા હોસ્પિટલ, 37 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 174 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1055 જેટલા સબ સેન્ટર આમ કુલ 1273 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 20 મોબાઇલ હેલ્થ યુનિટ દર્દીઓની સેવા-સુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. હાલ આ જિલ્લાઓમાં કુલ 70 સરકારી એમ્બ્યુલન્સ અને 73 જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ માટે દોડી રહી છે. જીલ્લા અને કોર્પોરેશનમાં તૈયાર કરેલ શેલ્ટર હોમમાં મેડિકલ ટીમની પ્રતિનિયુક્તિ કરાઇ છે જેમાં શેલ્ટર હોમમાં રહેલ તમામ વ્યક્તિઓની દૈનિક આરોગ્ય તપાસ કરાય છે અને જરૂરિયાત મુજબ લોજીસ્ટિક, દવાઓ અને અન્ય સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ચારેય જિલ્લાઓની તમામ હોસ્પિટલમાં, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સાત દિવસની સધન ઝુંબેશમાં કમળો, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલ્ટી, મરડો જેવા પાણીજન્ય રોગો તથા મેલેરિયા ડેગ્યું તેમજ ચિકનગુનિયા જેવા વાહક્જન્ય રોગોને પ્રસરતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા અને આશા વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને પાણીના પાત્રોની તપાસ કરીને મચ્છરના બ્રિડીંગ વાળા પોઝીટીવ પાત્રોના નિકાલ કરાશે તેમજ ઝાડા, ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં ઓ.આર.એસ.પેકેટનો અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામા આવશે.

વરસાદી/કાયમી પાણીના સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલી મુકીને નિકાલ વ્યવસ્થા હાથ ધરાશે. જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીને દરેક 10 ગામો દીઠ નોડલ અધિકારી તરીકે નિમવામાં આવશે. રાજ્યકક્ષાએથી મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર સ્થિતીનું રીયલ ટાઇમ સુપરવિઝન કરાશે.આ જીલ્લા કક્ષાએ એક તથા તાલુકા કક્ષાએ બે રેપીડ રિસ્પોન્સ ટીમનું સંકલન કરવામાં આવેલ છે.આ ટીમ દ્વારા રોગચાળાનું પ્રાથમિક નિદાન કરીને ડિટેલમાં આઉટબ્રેક ઇન્વેસ્ટીગેશન કરવામાં આવે છે. તથા જરૂરી પગલા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

  • લેવામાં આવી રહેલા પગલાં
    મધ્યગુજરાતના મુખ્ય ચાર અસરગ્રસ્ત મુખ્ય જિલ્લાઓ ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં વધારાની આરોગ્ય ટીમનું અન્ય તાલુકામાંથી ડેપ્યુટેશન કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં ૯૭ મેડિકલ ટીમ, ૧૩ RBSK ટીમ અને ત્રણ ધનવંતરી આરોગ્ય રથ ડેપ્યુટેશન કરવામાં આવેલ છે
  • વડોદરા જિલ્લામાં ૩૧ પેરા મેડિકલ ટીમ અને ચાર આરબીએસકે ટીમ એમ્બ્યુલન્સ સાથે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં ૧૧ RBSK ટીમ એમ્બ્યુલન્સ સાથે ડેપ્યુટેશન કરવામાં આવેલ છે.જરૂર જણાય અન્ય તાલુકા અને જિલ્લામાંથી પણ આરોગ્ય ની ટીમ ડેપ્યુટેશન કરવામાં આવશે.
  • ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૪ મેડિકલ અને પેરામેડિકલ ટીમ દ્વારા ચાર તાલુકાના 47 અસરગ્રસ્ત ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. ૧૧૧૭૮૮ લોકોનું સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં ટી.સી.એલ. પાવડરની કુલ 341 બેગ જથ્થો, ટેબલેટ ક્લોરિનનો કુલ 80,000 નો જથ્થો અને ઓ.આર.એસ.ના કુલ 25,000 પેકેટ્સનું વિતરણ માટે ઉપલબ્ધ કરાયું છે.

Most Popular

To Top