Dakshin Gujarat

પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે સુરત કોર્પોરેશનની ટીમે અંકલેશ્વરમાં સફાઈ કરી

સુરત(Surat) : નર્મદા (Narmada) નદીમાં ઘોડાપુર આવતા ભરૂચ (Bharuch) જિલ્લામાં તબાહી સર્જાય છે. 100થી વધુ સોસાયટીમાં પૂરના (Flood) પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું હતું. પાણી ઓસર્યા બાદ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઠેરઠેર ગંદકી છે. લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની (SMC) ટીમ ભરૂચ જિલ્લાની મદદે દોડી ગઈ છે. સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા અંકલેશ્વરમાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

સુરત મનપાની આરોગ્યની ટીમ ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે 160 કર્મચારીઓની ટીમ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહી છે, તેમ પ્રચાર પ્રસારની ગાડીની મદદથી લોકોને જનજાગૃતિનો મેસેજ આપી રહી છે.

અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસરી ગયા બાદ રોગચાળો ફેલાય તેવો ડર ઉભો થયો હતો. લોકોના આરોગ્યને જોખમ ઉભું નહીં થાય અને ઝડપથી સાફ સફાઈ થઈ જાય તે માટે સુરત કોર્પોરેશન તરફથી સાફ સફાઈની 160 કર્મચારીઓની ટીમને અંકલેશ્વર રવાના કરાઈ હતી. જેમાં બે ચીફ એસઆઈ પણ સામેલ છે. હાંસોટ રોડ પર આવેલી સોસાયટીમાં સફાઈ કરવામાં આવી રહી છે.

વધુમાં જાણવા મળ્યા અનુસાર સુરત કોર્પોરેશનના 8 ઝોનની ટીમ બે બસ ભરીને અંકલેશ્વર ખાતે ગઈ તા. 19મીએ જ રવાના થઈ ગઈ હતી. આજે કામગીરીનો ત્રીજો દિવસ છે.

નોંધનીય છે કે, ગત સોમવારે અંકલેશ્વર, ભરૂચમાં પૂર આવ્યા હતા. સરદાર સરોવર ડેમમાં પાણી છોડવામાં આવતા નર્મદા કિનારેના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂર આવી ગયું હતું. હજારો લાખો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે તબાહી સર્જાઈ હતી.

Most Popular

To Top