Editorial

એલિયનોના નામે અનેક ગતકડાઓ કરી શકાય છે

હાલ થોડા દિવસ પહેલા મધ્ય અમેરિકન દેશ મેક્સિકોની સંસદમાં પોતાને એક સંશોધક અને યુફોલોજિસ્ટ ગણાવતા એક સ્થાનિક પત્રકારે બે પેટીઓમાં બે મૃતદેહો પ્રદર્શિત કરીને ભારે કૌતુક સર્જ્યુ઼. આ પત્રકાર મહાશયે દાવો  કર્યો કે આ મૃતદેહો માણસના નથી પણ કોઇ બાહ્ય ગ્રહ પરથી આવેલા લોકોના છે. આ મૃતદેહો તેમના સાથીદારોએ દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક સ્થળેથી ખોદી કાઢ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો. તેમના આ પ્રદર્શન અને દાવાએ આખી દુનિયામાં ચર્ચાઓ જગાડી. જો કે ઘણાને સ્વાભાવિક રીતે જ આ દાવા અંગે શંકા ગઇ અને કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ દાવો છેતરપિંડીયુક્ત દાવો જણાઇ આવે છે. અનેક વૈજ્ઞાનિકોએ શંકા વ્યકત કરી છે અને છેતરપિંડીયુક્ત રીતે આ કથિત મૃતદેહોને એલિયનના મૃતદેહો હોવાનું સાબિત કરવાની કોશીશ કરાઇ હોવાનું જણાવ્યું છે.

સંસદમાં ખાસ બેઠક યોજાવીને કરવામાં આવેલા આ દાવા અંગે મેક્સિકોની નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર વિભાગના સંશોધન જુલીએટા ફિએરોએ શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે આ કથિત મૃતદેહો અંગે ઘણી બાબતો એવી છે કે જે માનવા લાયક જણાતી નથી. ફિએરો કહે છે કે  પહેલા તો આ સંશોધકોએ જે દાવો કર્યો છે કે તેમની શોધને નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીએ માન્ય રાખી છે તે દાવો જ ખોટો છે, અમારી યુનિવર્સિટીએ આ કથિત શોધને કોઇ માન્યતા આપી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેક્સિકન પત્રકાર જોઝ જેઇમ મૌસેને બે પેટીઓમાં કથિત મમીફાઇડ  કરાયેલા બે મૃતદેહો મેક્સિકોની સંસદમાં રજૂ કર્યા હતા જેના અંગે તેમણે અને તેમના સાથીદારોએ દાવો કર્યો હતો કે આ મૃતદેહો માણસના નથી, અને તેઓ આપણી પૃથ્વી પર થયેલી ઉત્ક્રાંતિનો ભાગ રહ્યા નથી અને બાહ્ય ગ્રહ  પરથી આવેલા જીવોના મૃતદેહો છે. એવા પણ અહેવાલ આવ્યા છે કે ૨૦૧૭માં પણ મૌસુને પેરૂમાં આવો જ દાવો કર્યો હતો ત્યારે તે દેશના પ્રોસિકયુટરની કચેરીએ  અહેવાલ આપ્યો હતો કે તે કથિત  મૃતદેહો તાજેતરમાં જ બનાવવામાં આવેલ ઢીંગલીઓ હતો જેમના પર મરી જેવા મસાલાનું મિશ્રણ અને સિન્થેટિક ગુંદર નાખવામાં આવ્યા હતા જેનાથી તે સાચા મૃતદેહ જેવું દેખાય! જો કે તે દાવો સંસદ જેવા મહત્વના સ્થળે કરવામાં આવ્યો ન હતો કદાચ તેથી જ તેની બહુ નોંધ નહીં લેવાઇ પરંતુ એલિયન કે પરગ્રહવાસીઓ અને ઉડતી  રકાબીઓ જેવી બાબતો એક કૌતુક અને ઉત્કંઠાનો વિષય રહ્યા છે અને તેનો લાભ લઇને કેવા ગતકડાઓ કરવામાં આવી શકે છે તેનું આ ઉદાહરણ છે. ભૂતકાળમાં પણ અનેક લોકોએ પોતે ઉડતી રકાબીઓ જોઇ હોવાના કે એલિયનો જોયા હોવાના દાવા કર્યા છે પણ કોઇ તે માટેના નક્કર પુરાવા હજી રજૂ કરી શક્યું નથી.

જો કે પરગ્રહવાસીઓ કે એલિયન્સનું અસ્તિત્વ જ નથી એમ પણ ચોક્કસ કહી શકાય તેમ નથી. એલિયનોનું અસ્તિત્વ છે કે નહીં તે જાણવા માટે યોગ્ય અને વ્યવસ્થિત અભ્યાસની જરૂર છે અને તે પછી પણ સફળતા મળે તો મળે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ પણ હાલમાં જણાવ્યું છે કે બાહ્ય ગ્રહોમાંથી આવતા હોવાનું મનાતા યુફોના અભ્યાસ માટે નવી વૈજ્ઞાનિક ટેકનીકોની જરૂર પડશે જેમાં અત્યાધુનિક સેટેલાઇટોનો પણ સમાવેશ થઇ શકે છે અને  સાથો સાથ અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબજેક્ટ્સ(યુફો)ને સમજવા માટેનો દષ્ટિકોણ પણ બદલવાની જરૂર પડશે.  અહેવાલમાં જો કે એમ પણ  જણાવાયું છે કે આ તબકકે એવા તારણ પર પહોંચવા માટેનું કોઇ કારણ નથી કે આ જે વણસમજાતી ઘટનાઓ બને છે તે માટે કોઇ બાહ્ય ગ્રહના સ્ત્રોતો જવાબદાર છે. વાત બરાબર છે, યોગ્ય વૈજ્ઞાનિક અભ્યાસ જ એલિયનોનું રહસ્ય ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે.

Most Popular

To Top