National

PM મોદીએ દિલ્હીની મેટ્રોમાં બાળકો સાથે મનાવ્યો જન્મદિવસ

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન મોદીની (PM Modi) સ્ટાઈલ ઘણી ખાસ છે કદાચ આ જ તેમની લોકપ્રિયતાનું કારણ પણ છે. બાળકોના પણ તેઓ પ્રિય બનતા જાય છે આ જ કારણ છે કે પીએમ મોદીએ આજે દિલ્હી મેટ્રોમાં બાળકો સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન ‘યશોભૂમિ દ્વારકા સેક્ટર 25’ સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા તેમણે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરી કરી રહેલા બાળકો સાથે વાત કરી હતી. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

આ પછી પીએમ મોદીએ પણ સામાન્ય નાગરિકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. વડાપ્રધાન મોદી પણ મેટ્રોમાં બાળકો સાથે હસતા અને બાળકોને રમાડતા જોવા મળ્યા હતા. પીએમને તેમની વચ્ચે જોઈને બાળકો પણ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન તેમણે લોકો સાથે વાત કરવાની સાથે નાના બાળકને પણ લાડ કરી અને તેઓને ચોકલેટ આપી હતી. એટલું જ નહીં બાળકોએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી.

પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર વિશ્વકર્મા યોજના શરૂ કરી
પીએમ મોદીએ સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા’ લોન્ચ કરી હતી. આ યોજનાથી 18 વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન મળશે. બીજા તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે. ઉપરાંત તેઓએ દ્વારકામાં ‘યશોભૂમિ’ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના વિસ્તૃત વિભાગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

મોદીના જન્મદિવસે ડેમ છલકાતાં CM ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના જળના વધામણાં સાથે પૂજા કરી
ભરૂચ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાની પાવન જળરાશિના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. જોગાનુજોગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ પણ હતો. આ અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી.

Most Popular

To Top