સુરત (Surat) : ભટારના એક યુવકનું છાતીમાં દુ:ખાવા (Chest Pain) બાદ અચાનક મોત (Death) નિપજવાની ચોંકાવનારી ઘટના બની છે. નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) સારવાર માટે પહોંચેલો યુવક જમીન પર ઢળી પડયા બાદ મોતને ભેટતા છે. યુવકનું હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયું હોવાની આશંકા તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બર્થ-ડે ના બીજા જ દિવસે છાતીમાં સામાન્ય દુ:ખાવા બાદ મોતને ભેટેલા યુવકને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
- કિરણ ઈનકમ ટેક્સ વિભાગમાં કોન્ટ્રાકટ ઉપર કાર ડ્રાઇવિંગનું કરતો હતો : ગુરુવારે બર્થ-ડે ઉજવ્યો આજે માતમ
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક 36 વર્ષીય યુવક કાર ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મૂળ ભરૂચનો અને ભટાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો કિરણ રાજેશભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. કિરણના લગ્નને 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે. કિરણ કોન્ટ્રાકટ હેઠળ ઈનકમ ટેક્સ વિભાગમાં કાર ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, આજે સવારે કિરણ પીપલોદમાં અધિકારીને લેવા ગયો હતો. દરમિયાન છાતીમાં દુ:ખાવો થતા અધિકારીએ ઘરે જતા રહેવાની સલાહ આપી હતી. ત્યારબાદ કિરણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો હતો. દરમિયાન ટ્રોમા સેન્ટરની બહાર જ ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે મોત ને ભેટેલા કિરણભાઈનું બર્થ-ડેના બીજા દિવસે જ એટલે કે આજે શુક્રવારે મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ટ્રોમાં સેન્ટરમાં તબીબોએ કિરણને તાત્કાલિક દાખલ કરી સારવાર આપવાની કોશિશ પણ કરી હતી. જોકે તેને બચાવી શક્યા ન હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરણનું છાતીમાં દુઃખાવા બાદ મોત નિપજ્યું હતું. હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. કિરણના જન્મ દિવસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.