નવી દિલ્હી: નોવાક જોકોવિચે (Novak Djokovic) લગભગ અઢી કલાક ચાલેલી યુએસ ઓપનની ફાઇનલમાં (US Open final) ડેનિલ મેદવેદવને (Daniil Medvedev) હરાવીને 24મો સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 24 ગ્રાન્ડ સ્લેમ (Grand Slams) ટાઈટલ મેળવનાર તે પહેલો ખેલાડી બન્યો છે.
યુએસ ઓપનની ફાઈનલ મેચમાં નોવાક જોકોવિચે 6-3,7-6, 6-3થી જીત મેળવી હતી. જીત બાદ તેણે કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અહીં ઊભો રહીને 24માં ગ્રાન્ડ સ્લેમ વિશે વાત કરીશ. સર્બિયન ખેલાડીએ કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં મને લાગવા લાગ્યું હતું કે કદાચ હું આ કરી શકું. કદાચ હું ઇતિહાસ રચી શકું છું.’
તેણે સેરેના વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો. સેરેના પાસે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તે ઓપન યુગમાં 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. જો કે માર્ગારેટ કોર્ટ પાસે તેટલા જ ટાઈટલ છે, પરંતુ તેમાંથી 13 પ્રોફેશનલ્સને સ્લેમ ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યા તે પહેલા હતા.
હાર્યા બાદ મેદવેદેવે કહ્યું, ‘આખરે તે નોવાક છે. તે આ જીત માટે હક્કદાર હતો. આ રશિયન ખેલાડીની આ પાંચમી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી અને હવે તેનો રેકોર્ડ 1-4 છે. છેલ્લી વખત તેણે 2021 માં જોકોવિચને હરાવ્યો હતો. નોંધનીય છે કે, કોરોનાની રસી ન મળવાને કારણે જોકોવિચ એક વર્ષ પહેલા ટૂર્નામેન્ટનો ભાગ બની શક્યો ન હતો.
જોકાવિચે 10 ઓસ્ટ્રેલિયન ઓપન, 7 વિમ્બલ્ડન અને ત્રણ ફ્રેન્ચ ઓપન પણ જીત્યા છે. સ્પેનના રાફેલ નડાલ પાસે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અને રોજર ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા બાદ નિવૃત્તિ લીધી છે. જોકોવિચ હવે એટીપી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવશે.
જોકોવિચ અને મેદવેદેવ વચ્ચેની ફાઇનલ મેચ કુલ ત્રણ કલાક અને 17 મિનિટ સુધી ચાલી હતી. જોકોવિચે પહેલો સેટ આસાનીથી જીતી લીધો હતો, પરંતુ બીજા સેટમાં તેને મેદવેદેવે જોરદાર ટક્કર આપી હતી. 1 કલાક 44 મિનિટ સુધી ચાલનારા બીજા સેટમાં એવી ક્ષણો આવી હતી જ્યારે જોકોવિચ થાકેલો દેખાતો હતો. પરંતુ આ સર્બિયન ખેલાડીએ હિંમત હારી નહીં અને ટાઈબ્રેકરમાં બીજો સેટ જીતી લીધો. બીજો સેટ ગુમાવ્યા બાદ મેદવેદેવ ત્રીજા સેટમાં પણ વાપસી કરી શક્યો નહોતો. જોકોવિચનું આ ચોથું યુએસ ઓપન ટાઈટલ હતું.