ખેડા: ખેડામાં આવેલ મનકામેશ્વર મહાદેવમાં શ્રી રામનાથ બાપુ આદેશની પ્રેરણાથી શિવપુજા અને રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શિવ પૂજા અને રુદ્રાભિષેકમાં સર્વસધી,નદૂધ,નમધ,નઘી, સાકાર, દહીં, કાળાતલ, ચોખા, ચંદન, ભસ્મ, ગંગાજળ અને બીજી પવિત્ર નદીઓના જળથી ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. તે પહેલા ભગવાન શિવને સુકામેવાના શણગાર સાથે સુંદર રંગોળી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં મનકામેશ્વર મહાદેવ મંદિરમાં આદેશ બાપુની પ્રેરણાથી અધિક શ્રાવણ માસ અને નિજ શ્વાવણ માસ દરમિયાન 10 વધુ હવન થઈ ચૂકયાં છે. આદેશ બાપુના જણાવ્યા અનુસાર આત્મ કલ્યાણ અર્થે અને દેવ સ્થાન જાગૃત થાય તે માટે આ તમામ યજ્ઞનાં આયોજન કરવામાં આવ્યાં હતાં.
આગામી શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી મનકામેશ્વર મહાદેવમાં રૂદ્રાભિષેકનું આયોજન શ્રી રામનાથ બાપુ આદેશની પ્રેરણાથી અને શિવભક્તોના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે શિવ પૂજા શરૂ થશે. જે બાદ 11 વાગ્યાથી નર્મદા-ભરૂચના વિદ્વાન આચાર્ય-બ્રાહ્મણો દ્વારા રૂદ્રાભિષેક શરૂ કરવામાં આવશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ભગવાનને શૃંગાર કરવામાં આવશે. આ શૃંગાર દર્શનનો લાભ ખુબ મોટી સંખ્યામાં ભક્તો લેશે. સાંજે 6 થી 6.40 સુધી શિવજીને ભોગ ધરાવાશે. અંતે 6.45 વાગે સંધ્યા આરતી કરવામાં આવશે. સમગ્ર આયોજન શ્રી રામનાથ બાપુ આદેશની પ્રેરણાથી મનકામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. હાલ, રૂદ્રાભિષેકની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.