SURAT

VIDEO: રાજ્યની સૌથી ઊંચી મટકી અડાજણના ગ્રુપે ફોડી રેકોર્ડ બનાવ્યો

સુરત (Surat) : જન્માષ્ટમીના (Janmashtami) દિવસે મુંબઈની (Mumbai) જેમ સુરતમાં દહીં હાંડી ફોડવા માટે ગોવિંદા (Govinda) મંડળો વચ્ચે સ્પર્ધાઓ યોજાય હતી. રાજ્યની સૌથી ઊંચી 35 ફૂટ ઊંચાઈ ઉપરની હાંડી ફોડવા 22 મંડળો મેદાનમાં ઉતર્યા હતા. એટલું જ નહીં પણ લોકોના હૃદય ધ્રુજાવી દે એવા કરતબ સાથે આટલી ઉંચી દહીં હાંડી અડાજણ ના સાંઈનાથ સ્પોર્ટ્સ કલબ ગ્રૂપ એ ફોડવામાં આવી હતી. આ સાથે મંડળ રૂપિયા 1.51 લાખનું ઇનામનું હક્કદાર બન્યું હતું. એટલું જ નહીં પણ ગુજરાતની સૌથી ઉંચી દહીં હાંડી ફોડી રેકોર્ડના સહભાગી બન્યા હતા.

જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ અને મટકી ફોડવાની અનોખી પરંપરા. એટલું જ નહીં પણ કૃષ્ણ જન્માષ્ટિ દિવસે મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા દર વર્ષે અનેક મંડળો મેદાનમાં આવતા હોય છે. આ વર્ષે સુરતના લિંબાયત વિસ્તારમાં પણ આવી રોચક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રાજ્યની સૌથી ઊંચી એટલે કે 35 ફૂટની ઊંચાઈ ઉપર આ દહીં હાંડી ફોડવા માટેનું આયોજન કરાયું હતું.

યૂથ ફોર ગુજરાતના પ્રમુખ અને આયોજક એવા જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે આ વખતે જન્માષ્ટમીનો કાર્યક્રમ રોચક અને ઉત્સાહી રહ્યો હતો. આ મટકી ફોડવા માટે કુલ 22 ગ્રુપ આવ્યા હતા, જેમાં 11 ગ્રુપ મટકી ફોડવા માટે હતા અને બીજા 11 ગ્રુપ ના જવાનોએ અજીબો ગરીબ કરતબ અને પિરામિડ બનાવી લોકોના હૃદય જીતી લીધા હતા. સાંજે 6 વાગ્યાથી જ લોકોની ભીડ ભેગી થઈ રહી હતી. સ્પર્ધા માટે રસાકસીનો માહોલ બન્યો હતો.

દરેક ગૃપ ને એક જ મોકો આપવાનો નિયમ હતો. જોકે વારંવારના પ્રયાસ બાદ પણ 35 ફૂટ ઉંચાઈની માટલી કોઈ પણ મંડળ ફોડી ન શકતા ચપળ અને ઉત્સાહી એવા એક મંડળને બીજો પ્રયાસ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પણ આ માટલી નહીં ફૂટતા અડાજણનું સાંઈનાથ સ્પોર્ટ્સ કલબ ગ્રૂપ મેદાનમાં ઉતર્યું હતું. આ મંડળે પ્રથમ પ્રયાસમાં જ 35 ફૂટ ઉંચાઈની માટલી ફોડી રેકોર્ડના સહભાગી બન્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે 11 મંડળ ની નિષ્ફતા જોઈ એકવાર તો હાંડી 30 ફૂટ પર લઈ આવવાનો નિર્ણય કરાયો હતો ત્યારે જ અડાજણ સાંઈનાથ ગ્રૂપના મંડળે 35 ફૂટ ઉપરની હાંડી ને તોડી ને રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા હતા. જેમાં મહિલાઓ સહિત 100 થી વધુ સભ્યો હતા.

મટકી ફોડનાર અડાજણના સાઈનાથ સ્પોર્ટ્સ કલબ ગ્રૂપને 1.51 લાખનું ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આખો વિસ્તાર ભક્તિમય માહોલમાં ફેરવાય ગયો હતો. જય કનૈયા લાલ કી, ની ગુંજો ઉઠી રહી હતી. 2023નો જન્માષ્ટિ ઉત્સવ ખૂબ જ ભક્તિમય રહ્યો હતો અને ગુજરાતની સૌથી ઉંચી માટલી ફોડી વિજય નો રહ્યો હતો.

Most Popular

To Top