વડોદરા: શહેરમાં ગેરકાયદે દબાણો ઉભા કરી વેપાર ધંધો કરનારાઓનો રાફડો ચારે તરફ ફાટી નીકળ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે એક્શનમાં આવેલી પાલિકાની દબાણ શાખા દ્ધારા સતત ત્રીજા દિવસે મોડી રાત સુધી શહેરના ચારેય ઝોનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાના મ્યુ. કમિ. તથા અન્ય અધિકારીઓ સહિત 35-40 માણસોના કાફલા દ્ધારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એક સોસાયટીની લાઈન દોરીમાં આવતા સાઈન બોર્ડને પણ કાઢી લેવાતા ભારે હોબાળો મચ્યો હતો.
વડોદરા પાલિકાની દબાણ શાખા દ્ધારા સતત ત્રીજા દિવસે દબાણ હટાવવા નાઈટ ડ્રાઇવ હાથ ધરી શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય ઝોનમાંથી લારી ગલ્લા સહિતના ગેરકાયદેસર દબાણો, શેડ, ખાણીપીણી ના વેપારીઓ દ્ધારા રોડ પર ગોઠવાયેલા ટેબલ ખુરશીઓ સહિત પાંચ ટ્રક, બે ટ્રેક્ટરની ટ્રોલી ચાર નાના ટેમ્પા ભરીને માલ સામાન કબ્જે કર્યો હતો. જ્યારે ખોડિયારનગર વિસ્તારમાં આવેલ પૂજા પાર્ક સોસાયટી ખાતે લાઈન દોરીમાં આવતા સાઈન બોર્ડ પણ પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્ધારા કાઢી લેવાતા રહીશોએ ભારે હોબાળો મચ્યો હતો. અને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર દોડી આવવા ની ફરજ પડી હતી. જોકે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.