Madhya Gujarat

આણંદના શો રૂમમાંથી તસ્કરો રૂ.12.93 લાખ રોકડા ચોરી ગયાં

આણંદ: આણંદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની રંજાડ વધી ગઇ છે. પોલીસની નિષ્ક્રિયતાનો લાભ લેતા તસ્કર ગેંગ એક પછી સ્થળે હાજરી દેખાડી રહ્યા છે. આણંદમાં આવેલા કટારીયા ઓટો મોબાઇલ શો રૂમમાં ત્રાટકેલા તસ્કરો મિનિટોમાં રૂ.12.93 લાખની મત્તા ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા ધવલ અનીલકુમાર સુચક ચિખોદરા ચોકડી તરફ કટારીયા ઓટો મોબાઇલ પ્રા. લી. શો રૂમમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે.

આ શો રૂમના વર્કશોપમાં અઢી સો માણસોનો સ્ટાફ આવેલો છે. આ ઉપરાંત શો રૂમમાં એસ્ટોક એલાઇડ કોર્પ્સ સિક્યુરીટીના બે વોચમેન પણ રાખેલા છે. દરમિયાનમાં 2જી સપ્ટેમ્બર,23ના રોજ રાત્રિના 8-30 વાગ્યાના અરસામાં સૌ પોતાના ઓફિસમાં લોક મારી ઘરે ગયાં હતાં. બાદમાં વ્હેલી સવારે જાણવા મળ્યું હતું કે, શો રૂમમાં કેશીયરની ઓફિસનું લોક તુટેલું છે. તેમાં પૈસા હતા કે કેમ તે અંગે એકાઉન્ટ મેનેજર ફરહાન શેખને પુછતાં તેણે આશરે બાર લાખ જેટલા હશે તેવી વાત કરી હતી. આથી, તુરંત ધવલ સુચક શો રૂમ પર પહોંચ્યાં હતાં.

તેઓએ જોયું તો શો રૂમમાં કેશીયરની ઓફિસનો દરવાજો ખુલ્લો હતો. ટેબલના ડ્રોઅર પણ ખુલ્લા હતા અને સર સામાન વેર વિખેર પડેલોહ તો. જ્યારે કેશીયર અભિષેક ગુહે, મેનેજર ફરહાન શેખ આવતા રોકડ અંગે પુછફરછ કરતાં ગાડીના ડાઉન પેમેન્ટ, બુકીંગ, ઇન્સ્યોરન્સ પેમેન્ટ મળી કુલ રૂ.12.93 લાખ હોવાનું જણાવ્યું હતું. આ અંગે સીસીટીવી કેમેરા ચેક કરતાં રાત્રિના 2 વાગ્યા આસપાસ ચાર અજાણ્યા શખ્સો કંપનીમાં અંદર પ્રવેશ કર્યો હતો. જેઓ કેશીયરના ચેમ્બરનું લોક તોડી અંદર પ્રવેશ કરી ડ્રોઅરનું લોક તોડી રોકડા ચોરી કરી લઇ જતા દેખાય છે. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top