વર્ષો જૂની માંગણીઓ, પડતર પ્રશ્નો સંદર્ભે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો શાંત આંદોલન કરી રહ્યા છે. આંદોલનના છ તબક્કાઓ પૂર્ણ થયા પછી પણ સરકારનું મૌન તૂટતું નથી. સમાજને પણ જાણે આવા પ્રશ્નો સાથે કશી નિસબત નથી એવું સ્પષ્ટ દેખાય છે. હકીકત એ છે કે દર વર્ષે ગ્રાન્ટેડ શાળાઓમાંથી ઘણી બધી શાળાઓ બંધ થઈ રહી છે. નોન ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા વધી રહી છે. જેને કારણે ફીનું ભારણ વાલીઓ પર જ આવી રહ્યું છે.
શિક્ષક, કર્મચારી કે સંચાલકોની ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વને ટકાવવાની આ લડાઈમાં વાજબી માંગણીઓ બાબતે સરકારે તરત જ ધ્યાન આપવું જોઈએ. શાંત આંદોલન બોર્ડની પરીક્ષાના બહિષ્કારની જાહેરાત સુધી પહોંચે ત્યારે સરકાર જાગે એવું ભૂતકાળમાં અનેકવાર બન્યુ છે. વાજબી માંગણીઓ, ગૂંચવાયેલા પ્રશ્નો બાબતે સરકારે તાત્કાલિક હકારાત્મક વલણ દાખવીને આંદોલનને વકરતું અટકાવવું જોઈએ. નહીંતર શિક્ષણને લગતા પ્રશ્નો પરત્વે સરકારનું વલણ ઉદાસીન છે એવું સ્પષ્ટ થશે.
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.