સામાન્ય રીતે દેશમાં લોકોના કલ્યાણ માટે યોજનાઓ બનતી હોય છે પરંતુ ભારતમાં એક યોજના એવી પણ છે કે જે રાજકારણીઓ માટે છે. આ યોજનામાં ખૂબ લોકો રાજકારણીઓને જે તે પદ પર બેસાડે છે અને તેના માટે લોકોના જ પરસેવાની કમાણીમાંથી અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવામાં આવતી હતી.
કારણ કે બંનેની મુદતો એકસાથે જ પૂરી થતી હતી. આઝાદી બાદ પહેલી લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણીમાં સને 1952માં થઈ હતી. ત્યારબાદ 1957, 1962, 1967માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ પરંતુ ત્યારબાદ 1968 અને 1969માં વિધાનસભાઓને મુદત પહેલા જ ભંગ કરી દેવામાં આવતા ચૂંટણીઓ અલગ થઈ ગઈ હતી. તેમાં પણ 1970માં લોકસભાનું પણ અકાળે વિસર્જન કરવામાં આવતા એકસાથે ચૂંટણીનું ચક્ર ખોરવાઈ ગયું હતું. પરિણામ તેનું એ આવ્યું કે, આ કારણે દેશમાં ચૂંટણી પાછળ જ અબજો રૂપિયાનો ખર્ચ થવા માંડ્યો અને તેનો બોજો સીધો લોકોની કેડ પર આવવા માંડ્યો.
અલગ અલગ ચૂંટણીઓ કરવાને કારણે એવી સ્થિતિ થતી હતી કે, ચૂંટણી કરાવવા માટેના ખર્ચાઓ વધી જતાં હતા. એટલું જ નહીં ચૂંટણી માટેની વ્યવસ્થા ગોઠવવા માટે મેનપાવરનો મોટાપાયે ઉપયોગ કરવો પડતો હતો. સુરક્ષા દળોને તેના માટે તૈનાત કરવા પડતા હતા. સાથે સાથે રાજકીય પક્ષોએ પણ ચૂંટણી માટે અલગ અલગ નાણાં ખર્ચવા પડતા હતા. દેશમાં અત્યાર સુધીમાં એકપણ રાજકીય પક્ષ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા નહોતા પરંતુ મોદી સરકારે આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. ‘વન નેશન, વન ઈલેકશન’ના નારા સાથે મોદી સરકારે આ માટે આગેકદમ માંડવા માંડ્યા છે. મોદી સરકાર દ્વારા આ નિર્ણય ભલે રાજકીય રીતે લેવામાં આવ્યો હોય કે નહીં, પરંતુ તેનો ફાયદો એ થશે કે દેશના અબજો રૂપિયા ખર્ચાતા બચી જશે. મોદી સરકારે આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટીની રચના પણ કરી નાખી છે અને હવે આ કમિટી દ્વારા ‘વન નેશન, વન ઈલેકશન’ માટે તમામ મુદ્દા પર વિચાર કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે એ નિર્ણય લેવામાં આવશે કે ‘વન નેશન, વન ઈલેકશન’ પ્રમાણે ચૂંટણીઓ યોજવી કે કેમ?
કેન્દ્ર સરકારે હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે ભલે પ્રયાસો શરૂ કર્યા હોય પરંતુ આ સિવાય પંચાયતો, પાલિકા અને મહાપાલિકાની ચૂંટણીઓ પણ લોકસભા અને વિધાનસભા સાથે જ થાય તેવા પ્રયત્નો પણ થવા જોઈએ. મહાપાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણીને કારણે પણ રાજ્યો પર ખર્ચાનો અલગ જ બોજો આવે છે. જો લોકસભાની સાથે સાથે વિધાનસભા, મહાપાલિકા, પાલિકા તેમજ પંચાયતોની પણ ચૂંટણી સાથે થાય તો રાજ્યોનો મોટો ભાર હળવો થઈ જાય તેમ છે. અલગ અલગ ચૂંટણીઓને કારણે જે તે રાજકીય પક્ષો માટે પણ હાડમારી વધી જાય છે. ચૂંટણી ચાહે પંચાયતોની હોય કે પછી વિધાનસભા કે લોકસભા, દરેક વખતે મતદાર તો તેનો તે જ હોય છે. થોડા થોડા સમયે મતદારો પાસે જવું પડે તે રાજકીય પક્ષો માટે મોટી વિડંબણા છે.
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના ખર્ચનો ભાર લોકો પર નાખવામાં આવે છે અને તેને કારણે ભ્રષ્ટાચાર પણ વધે છે. શાસનવ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે. લાખોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીના કાર્યમાં જોડવાને કારણે તેમના મૂળ કામો કરવાનો સમય બગડે છે. ચૂંટણીમાં અપાતી ફરજોની સામે સરકારી કર્મચારીઓના અનેક યુનિયનો દ્વારા અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી જ છે. જો કેન્દ્ર સરકાર ખરેખર ચૂંટણીના ખર્ચથી માંડીને અન્ય સમસ્યાઓને કારણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવા ઈચ્છતી હોય તો તેણે મહાપાલિકાથી માંડીને પંચાયતોની ચૂંટણી પણ સાથે કરાવવા માટે વિચારવું જ જોઈએ. જો દેશમાં તમામ ચૂંટણીઓ સાથે થશે તો લોકોને પણ રાહત થશે તે નક્કી છે.