રાજકારણમાં ગુલાંટ મારવા માટે વિખ્યાત મરાઠા નેતા શરદ પવારે વધુ એક અફલાતૂન ગુલાંટ મારતાં કહ્યું હતું કે ‘‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ફાટફૂટ નથી અને અજીત પવાર અમારા નેતા છે.’’આ વિધાનનો સ્પષ્ટ અર્થ થાય છે કે અજીત પવારનું જે જૂથ ભાજપ તેમ જ શિવસેનાના એકનાથ શિંદે જૂથ સાથે યુતિ કરીને મહારાષ્ટ્ર સરકારમાં જોડાઈ ગયું તેને શરદ પવારના આશીર્વાદ પણ મળી ગયા છે. તેનો બીજો અર્થ એવો પણ થાય છે કે હવે શરદ પવાર તાજા જન્મેલા વિપક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’નો સાથ છોડીને ‘એનડીએ’નો ભાગ બની ગયા છે, જેવી રીતે તેમના ભત્રીજા અજીત પવારનું જૂથ પણ મહારાષ્ટ્ર સરકારમાં જોડાવા દ્વારા ‘એનડીએ’નો ભાગ બની ગયા છે.
તેનો ત્રીજો અર્થ થાય છે કે જે શરદ પવાર આજ દિન સુધી ભાજપ સાથે કોઈ પણ જાતનું વિધિવત્ ગઠબંધન કરવા તૈયાર નહોતાં થતાં, તેના માટે હવે તેઓ તૈયાર થઈ ગયા છે. જો કે આ માટેનો યશ કે અપયશ પોતાના શિરે લેવાને બદલે તે કામ તેમણે ભત્રીજા અજીત પવારને સોંપી દીધું છે. તેનો ચોથો અર્થ એવો થાય છે કે શરદ પવારનો ટૂંક સમયમાં કેન્દ્રની કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે, જેમાં તેમને સંભવત: કૃષિ મંત્રાલય સોંપવામાં આવશે. શરદ પવાર છેલ્લી ‘યુપીએ’ સરકારમાં કૃષિ મંત્રી હતા.
હવે તેઓ ગુલાંટ મારવાની કળા દ્વારા ‘એનડીએ’ સરકારમાં પણ કૃષિ મંત્રી બની જશે. તેનો પાંચમો અર્થ એવો થાય છે કે શરદ પવારના પરિવારમાં વારસદારનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તે મુજબ શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂલે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંગઠનની સુકાની બનશે. ભત્રીજા અજીત પવાર સરકારમાં નેતા બનશે અને શરદ પવાર વડીલની ભૂમિકા ભજવશે. તેનો છઠ્ઠો અર્થ એવો થાય છે કે શરદ પવારે નવા જન્મેલા ‘ઇન્ડિયા’ ગઠબંધનને ડીંગો બતાડીને આગામી ચૂંટણીઓ દરમિયાન વિપક્ષોનો સાથ છોડી દીધો છે અને મોદીનો સાથ ગ્રહણ કર્યો છે. ક્રિકેટમાં એક જ બોલમાં છ છગ્ગા મારવા જેવું પરાક્રમ કરીને પવારે પાવર પ્લેનો પરચો આપી દીધો છે.
પહેલાં સુપ્રિયા સુલે અને પછી તેમના પિતા શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ તિરાડ હોવાનો ઈનકાર કર્યો છે. શરદ પવારે આ નિવેદન તેમના ગઢ બારામતીમાં આપ્યું છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ ગુરુવારે આવી જ પ્રતિક્રિયા આપી હતી. બંને નિવેદનોની સ્ક્રિપ્ટ અચાનક સમાન બની ગઈ, તે માત્ર સંયોગ નથી. મરાઠા રાજનીતિના ચાણક્યે ૩૧મી ઓગસ્ટ પહેલાં મોટો દાવ રમ્યો છે. શરદ પવાર નિવેદનોના એક કાંકરે અનેક નિશાનો મારવામાં નિષ્ણાત છે. અજિત પવાર માટે જે રીતે પરિવર્તન આવ્યું છે તેની પાછળ તેમની સારી રીતે વિચારેલી રણનીતિ છે.
વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ની બેઠક ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાવાની છે. શરદ પવાર વિપક્ષી ગઠબંધનની બેઠક પહેલાં પોતાની જાતને મજબૂત કરી રહ્યા છે, જેથી સીટની વહેંચણીમાં અને કન્વીનરશિપમાં તેમની મહત્ત્વની ભૂમિકા જળવાઈ રહે. ‘ઇન્ડિયા’માં કોંગ્રેસનો દબદબો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની જોડીએ વિપક્ષી ગઠબંધન બનાવવાની આગેવાની લેનારા નેતાઓને લગભગ દૂર કરી દીધા છે. એનસીપીમાં વિભાજન બાદ શિવસેના અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વિપક્ષની કમાન સંભાળી છે. જો એનસીપી ૨૦૨૪ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાનો ઇચ્છિત હિસ્સો ઇચ્છતો હોય તો શરદ પવારે મજબૂત બનવું પડશે.
અજિત પવાર અને અન્ય ધારાસભ્યો એનડીએમાં જોડાયા વિના તે શક્ય જણાતું નથી. શરદ પવારનું હૃદય પરિવર્તન એવા સમયે આવ્યું છે, જ્યારે અજિત પવાર પાર્ટીના અન્ય નેતાઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય તેમણે ચૂંટણી ચિહ્ન પર પણ દાવો કર્યો છે. તાજેતરમાં જ અજિત પવારે તેમના સમર્થકોને પાર્ટીના કાર્યક્રમોમાં શરદ પવારના ફોટાનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. અજિત પવારે આ બધા નિર્ણયો અચાનક નથી લીધા. અત્યાર સુધી અજિત પવાર ખુલ્લેઆમ શરદ પવારને પાંચ-છ વખત મળ્યા છે.
સૂત્રો જણાવે છે કે આ બેઠકોમાં તેમણે શરદ પવારને ‘એનડીએ’માં જોડાવાની ઓફર કરી હતી, જેને શરદ પવારે ઠુકરાવી દીધી હતી. અજિત પવારે પણ ‘એનડીએ’માં પોતાની હિસ્સેદારી માટે તાકાત બતાવવી પડશે. અજિત પવાર પણ શરદ પવારના આશીર્વાદ વિના શક્તિશાળી નથી. શરદ પવારે હવે અજિતને પાર્ટીના વરિષ્ઠ નેતા ગણાવીને ‘એનડીએ’માં ભત્રીજાની સ્થિતિ મજબૂત કરી છે. શરદ પવાર ક્યાં છે? ‘એનડીએ’માં કે ‘ઇન્ડિયા’માં ? તેનો ઘટસ્ફોટ ટૂંક સમયમાં થશે. ‘ઇન્ડિયા’ની ત્રીજી બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરબદલ થવા જઈ રહ્યો છે, જેના માસ્ટરમાઇન્ડ શરદ પવાર હશે.
ગયા જુલાઈમાં અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપીમાં મોટો બળવો થયો હતો, જ્યારે પાર્ટીનો એક વર્ગ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયો હતો. અજિત પવાર સહિત પાર્ટીના ૯ ધારાસભ્યો શિંદે કેબિનેટનો ભાગ બન્યા હતા. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. અજિત પવારની સાથે સરકારમાં સામેલ થનારાઓમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સંજય બંસોડ, અદિતિ તટકરે અને હસન મુશરફનો સમાવેશ થાય છે. તેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, હસન મુશરફ જેવા લોકો શરદ પવારના ખૂબ નજીકના ગણાતા હતા. આ સાથે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારના જૂથ સાથે ગયા હતા.
પ્રફુલ્લ પટેલને જૂનમાં જ પાર્ટીના સ્થાપના દિવસે સુપ્રિયા સુલે સાથે શરદ પવારે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. વાસ્તવમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બળવા પછી પણ અજિત પવાર કાકા શરદને ઘણી વખત મળ્યા છે, જે બાદ અનેક અટકળો ચાલી રહી છે. એક અખબારે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણને ટાંકીને દાવો કર્યો છે કે ભાજપે અજીત પવારના માધ્યમથી શરદ પવારને કેન્દ્રીય કૃષિ મંત્રી અથવા નીતિ આયોગના અધ્યક્ષપદની ઓફર કરી છે. આ સિવાય સાંસદ સુપ્રિયા સુલે અને જયંત પાટીલને પણ મંત્રીપદની ઓફર કરવામાં આવી છે.
અજિત પવાર અને શરદ પવારની વારંવારની મુલાકાત બાદ અટકળો લગાવવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શરદ પવાર ‘એનડીએ’માં જોડાઈ શકે છે. શિવસેનાથી અલગ થયેલા ધારાસભ્ય એકનાથ શિંદેએ ભાજપની મદદથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી ત્યારે તેઓ મંત્રી તરીકે શપથ લેનારા એકમાત્ર વ્યક્તિ હતા. તેનાથી વિપરીત જ્યારે અજિત પવાર સરકારમાં જોડાયા ત્યારે એનસીપીના અન્ય નવ નેતાઓએ મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે એકનાથ શિંદે સાથેના ધારાસભ્યો મંત્રીપદ માટે ઝંખતા હતા, ત્યારે અજિત પવારને સૌથી મહત્ત્વપૂર્ણ પોર્ટફોલિયો મળ્યો હતો, જેને કારણે શિવસેનામાં ગણગણાટ પેદા થયો હતો.
એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ઉપરાંત અજિત પવારના તેમની સરકારમાં પ્રવેશથી ભાજપના કાર્યકરોમાં પણ નારાજગીના અહેવાલો છે. એનસીપીને મોટા ભાગે મરાઠા જાતિનું વર્ચસ્વ ધરાવતી પાર્ટી તરીકે જોવામાં આવે છે. ભાજપના એક વર્ગમાં એવો ડર છે કે અજિત પવારને તેમના જૂથમાં લાવીને ભાજપ રાજ્યમાં ઓબીસીના મતો પરની તેની પકડ ગુમાવી શકે છે. હવે શરદ પવાર ‘એનડીએ’ના સહયોગી બનવા જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉથલપાથલ થશે.