સુરત: (Surat) પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવાના પ્રયાસરૂપે સુરતમાં ગ્રો નેટીવ ગ્રીન ફોરમ દ્વારા રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પહેલાં વૃક્ષાબંધનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (University) સાથે મળીને શહેરમાં યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી.
છેલ્લા આઠ વર્ષથી સુરતના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરતી સંસ્થા ગ્રો નેટીવ ગ્રીન ફોરમ દ્વારા પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને વૃક્ષ બચાવોના ઉદ્દેશ્ય સાથે વૃક્ષાબંધનનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ અનોખા કાર્યક્રમમાં વૃક્ષોને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એટલું જ નહીં વૃક્ષને આલિંગન કરીને વૃક્ષની પરમચેતનાનો અહેસાસ કરાવતી ધ્યાનની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. સુરત મનપાના મેયર હેમાલીબેન બોઘાવાલાએ પણ ઝાડને રાખડી બાંધી આલિંગન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરની જુદી જુદી શાળાના ભુલકાઓએ ઝાડ, ફૂલ, ફળ બનીને વેશભૂષા રજૂ કરી હતી. સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ શહેરીજનોને પર્યાવરણ જાગૃતિ બાબતે સંદેશ આપ્યો હતો. એટલું જ નહીં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.