Columns

બ્રિક્સમાં છ નવા દેશો ઉમેરીને પશ્ચિમના દેશો સામે મોરચો માંડવામાં આવ્યો છે

વિશ્વની ટોચની ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સ સમૂહે તેની પહોંચ અને પ્રભાવને વિસ્તારવા માટે એક મોટું પગલું ભર્યું છે અને છ વધુ રાષ્ટ્રોને નવા સભ્યો તરીકે જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને આવતા વર્ષે ૧ જાન્યુઆરીથી પૂર્ણ સભ્યો તરીકે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હકીકતમાં દુનિયામાં યુરોપ અને અમેરિકાના દેશોની દાદાગીરીને તોડવા માટે ભારત, રશિયા અને ચીનના નેતૃત્વ હેઠળ જે ગ્લોબલ સાઉથ નામની વૈકલ્પિક ધરી તૈયાર કરવામાં આવી છે તેની ધાર આ છ દેશોના સમાવેશ દ્વારા મજબૂત કરવામાં આવી છે.

હવે જે મુકાબલો થશે તે વેસ્ટ અને ગ્લોબલ સાઉથ વચ્ચે થવાનો છે. બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન સાથે ૨૦૦૯માં બનેલા આ જૂથે સૌ પ્રથમ ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકાને સ્વીકારવા માટે વિસ્તરણ કર્યું હતું. આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં તેની વાર્ષિક સમિટની શરૂઆત પહેલાં, ૪૦ થી વધુ દેશોએ બ્રિક્સમાં જોડાવા માટે રસ દર્શાવ્યો હતો અને ૨૩ એ ઔપચારિક રીતે જોડાવા માટે અરજી કરી હતી. પ્રિટોરિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ સ્કોલરશિપના પ્રોફેસર ડેની બ્રેડલોએ જણાવ્યું હતું કે બ્રિક્સમાં જોડાવા માટે આમંત્રિત કરાયેલા છ દેશોમાં સમાનતા શોધવી મુશ્કેલ છે.

તે સિવાય તેઓ તેમના ક્ષેત્રમાં દરેક મહત્ત્વપૂર્ણ રાજ્યો છે. નવા ઉમેરાયેલા દેશો કેટલાક બ્રિક્સ દેશોને તેમની મધ્ય પૂર્વ વિશેની નીતિઓ વિશે વધુ વિચારવા દબાણ કરશે. તેને કારણે બ્રિક્સમાં હાલમાં ભારતનો અને ચીનનો જે પ્રભાવ છે, તેમાં પણ પરિવર્તન આવી શકે છે. કોરોના અને યુક્રેન યુદ્ધને પરિણામે દુનિયામાં સત્તાનાં સમીકરણોમાં જે રીતે ફેરફાર થઈ રહ્યો છે તે મુજબ સાઉદી અરેબિયા અને આરબ અમીરાત જેવા દેશો અમેરિકાના પ્રભાવ હેઠળથી બહાર આવી ગયા છે.

ચીને તાજેતરમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધોની પુનઃસ્થાપના માટે દલાલી કરી હતી, જે ભૂમિકા પરંપરાગત રીતે અમેરિકા જેવા દેશો દ્વારા નિભાવવામાં આવતી હતી. ભારતે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત સાથે અમેરિકન ડોલરને બદલે ભારતીય રૂપિયા અને અમીરાતી દિરહામમાં વેપાર કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મધ્ય પૂર્વના ખનિજ તેલ ઉત્પાદક દેશોનો બ્રિક્સમાં સમાવેશ કરવામાં આવ્યો તે પછી એક વિશ્લેષકે સૂચન કર્યું હતું કે આ દેશોના સમૂહને હવે બ્રિક્સ વત્તા ઓપેક તરીકે ઓળખવો જોઈએ. \

બ્રિક્સમાં અત્યાર સુધી જે છ દેશો હતા, તેમાં રશિયાને બાદ કરતાં ભાગ્યે જ કોઈ દેશ ખનિજ તેલની નિકાસ કરી શકાય તેટલું ઉત્પાદન કરે છે. હવે તેમાં ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ કરવામાં આવતાં બ્રિક્સની ખનિજ તેલ ઉત્પાદક ક્ષમતા વધી ગઈ છે. આ દેશો હવે અંદરોઅંદર ખનિજ તેલનો વેપાર ડોલરને બદલે સ્થાનિક ચલણમાં કરશે ત્યારે ડોલરની દાદાગીરી તૂટી જશે. અમેરિકાએ યુક્રેન યુદ્ધ દરમિયાન ડોલરનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો તેને કારણે છંછેડાયેલા રશિયા દ્વારા આ રીતે અમેરિકા પર બદલો લેવામાં આવ્યો છે. હવે જો ખનિજ તેલનો વેપાર ડોલરને બદલે બીજાં ચલણોમાં થશે તો ડોલર તૂટશે અને તે સાથે અમેરિકાનું સામ્રાજ્ય પણ તૂટશે.

વિશ્લેષકો કહે છે કે ડોલર સિવાય વેપાર કરવાને કારણે જે દેશને સૌથી વધુ ફાયદો થશે તે ઇરાન હશે. ઇરાન પોતાના અણુકાર્યક્રમમાં આગળ વધવા મક્કમ હતું તેથી અમેરિકાએ ઇરાન પર જાતજાતના આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા, જેને કારણે તે બાકીની દુનિયાથી અલગ પડી ગયું હતું. બ્રિક્સના દેશોમાં ઇરાનનો સમાવેશ કરવાથી હવે તેને નવા સાથીદારો મળશે. બ્રિક્સમાં આર્જેન્ટિનાનો સમાવેશ કરવા માટે બ્રાઝિલ ઉપરાંત ભારત અને ચીન દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના સમાવેશ સાથે લેટિન અમેરિકાનો મોટો દેશ બ્રિક્સમાં જોડાયો છે.

આફ્રિકાના દેશો પૈકી આજની તારીખમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ નાઈજીરિયા છે. અલ્જીરિયા ખનિજ તેલના ભંડારો પણ ધરાવે છે. આ બે દેશો અમેરિકાની નજીક હોવાને કારણે તેમને બ્રિક્સમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. જો કે હવે તેના લોકોને લાગે છે કે આફ્રિકાના જે દેશો અમેરિકાની તરફદારી કરી રહ્યા છે તેમને અમેરિકા પ્રત્યે વફાદારી રાખવાનો કોઈ ફાયદો થયો નથી. ઇથોપિયા આફ્રિકન સંઘનું વડું મથક ધરાવે છે. તે આફ્રિકાનો સૌથી વધુ ઝડપે વિકસતો દેશ પણ છે. આજની તારીખમાં કેનિયા અને નાઈજીરિયાના અપવાદ સિવાય બાકીના બધા આફ્રિકન દેશોની નજર પૂર્વ તરફ છે.

ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત ભારત અને અમુક અંશે દક્ષિણ આફ્રિકા જેવા જ દેશો છે, જેમનો એક પગ બ્રિક્સમાં છે અને બીજો પગ પશ્ચિમમાં છે. આ પાંચેય દેશો આજની તારીખમાં દહીંમાં અને દૂધમાં બંને બાજુ પગ રાખીને બેઠા છે, પરંતુ સાઉદી અરેબિયા પોતાને એવી રીતે સ્થિતિમાં મૂકી રહ્યું છે જે દર્શાવે છે કે તે માત્ર અમેરિકન છાવણીમાં નથી. તેમની પાસે હવે અન્ય વિકલ્પો છે અને તેઓ આ વિકલ્પોનો લાભ લેવા જઈ રહ્યા છે. જેમ કે ઈરાન સાથેના સાઉદી અરેબિયાના સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે ચીને દલાલી કરી હતી. સાઉદી અરેબિયા હજુ અમેરિકાની છાવણીમાંથી બહાર નીકળી નથી ગયું, પણ તે અમેરિકા સામે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે બ્રિક્સનો ઉપયોગ કરી રહ્યું છે. જો અમેરિકા સાઉદી અરેબિયાને અને સંયુક્ત આરબ અમીરાતને જેટલું જોઈએ છે તેટલું મહત્ત્વ નહીં આપે તો તે અમેરિકાની છાવણી છોડી પણ શકે છે.

આ જૂથ હવે વિશ્વની વસતિ અને અર્થતંત્રના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આનો અર્થ એ છે કે આ જૂથ વૈશ્વિક શાસન માટેની વ્યવસ્થાઓમાં સુધારા માટે સંભવિતપણે એક શક્તિશાળી અભિનેતા છે. બ્રિક્સમાં ઈરાનને રાખવાથી જી-૭, ગ્લોબલ નોર્થ, વોશિંગ્ટનને એક શક્તિશાળી સંદેશો મોકલવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા, જે અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ સંબંધો ધરાવે છે, તેણે હવે અમેરિકા સાથે પરિણામલક્ષી વ્યવહાર કરવો પડશે અને કેટલાક તણાવનો મુકાબલો કરવો પડશે.

આજની તારીખમાં બ્રિક્સ માત્ર ૧૧ સભ્યોની ક્લબ છે. તે હજુ ગ્લોબલ સાઉથનો પર્યાય બની શકે તેમ નથી. હજુ સુધી બ્રિક્સ રાજકીય મંચ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ ભવિષ્યમાં તે બદલાઈ શકે છે. બ્રિક્સમાં પ્રવેશ માટે પસંદ કરવામાં આવેલા છ દેશો કરતાં પશ્ચિમ માટે વધુ ડરામણી વાત એ છે કે કુલ ૪૦ દેશોએ તેમાં જોડાવામાં રસ દર્શાવ્યો છે. બ્રિક્સનો મંચ સતત વિસ્તરણમાં સામેલ છે; તો ૩૦ વર્ષમાં તે ક્યાં જશે? તેનો વિચાર કરવાની જરૂર છે.

હકીકત એ છે કે થોડાં વર્ષોમાં વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી બે (રશિયા અને ચીન) અમેરિકન ડોલર વિના બ્રિક્સમાં એકબીજા સાથે વેપાર કરી શકે છે, તે અમેરિકા માટે મોટી ચિંતાનું કારણ છે.જો બ્રિક્સના બાકીના દેશો પણ દુનિયાના તમામ દેશો સાથે ડોલર સિવાય વેપાર કરવાનો સંકલ્પ કરે તો દુનિયા ડોલરની દાદાગીરીથી મુક્ત થઈ શકે છે. જો કે તે દિશામાં હજુ ઘણી મજલ કાપવાની બાકી છે. આજની તારીખમાં તો ડોલરને તેની મોનોપોલી સામે કોઈ પડકાર દેખાતો નથી. આવતી કાલે જો બ્રિક્સના દેશો ગ્લોબલ સાઉથ બની જાય તો પરિસ્થિતિમાં ફરક પડી જાય તેમ છે.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top