SURAT

પૂણાના યુવાન વેપારીઓની મોપેડ રોકી ફટકારવાના કેસમાં પીએસઆઇ સસ્પેન્ડ

સુરત(Surat): શહેરના પુણા (Poona) પોલીસની (Police) હદમાં બે દિવસ પહેલા ખાખી માટે લાંછનરૂપ ઘટના બની હતી. બે નિર્દોષ મોપેડ ચાલક યુવા વેપારીઓને વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઢોર માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનામાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ગુરુવારે પુણા પોલીસના પી.એસ.આઇ. એકે પટેલને સસ્પેન્ડ (PSI Suspend) કરી દેવામાં આવ્યા છે. જ્યારે ફરિયાદીને બોલાવી તેનું નિવેદન લેવામાં આવ્યું છે.

  • છેવટે ત્રણ દિવસ બાદ એકશન લેવાયા, ફરિયાદીને બોલાવી તેનું નિવેદન લેવાયું અને આ કેસની તપાસ પુણા પીઆઈ પાસેથી તપાસ લઈ સારોલી પીઆઈને સોંપાઈ
  • આઠ પોલીસ જવાનોને બચાવવા માટે બે નગરબાવાઓ મેદાનમાં પડયા, નિર્દોષ યુવાનોને ફટકારનારામાં પોલીસના પાળેલા રિક્સાચાલકો હોવાની વાત

હદ તો એ હતી આ કાંડ કરનાર પૂણા પોલીસની તપાસ પાછી પૂણા પોલીસને જ સોંપવામાં આવી હતી. જે અંગે ગુજરાતમિત્ર અખબારમાં પ્રકાશ પાડવામાં આવતા અને સ્થાનિક પૂણા પોલીસ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવતા કમિ. અજય તોમરે જાતે ઇન્કવાયરી પોતાના હાથમાં લીધી છે. જેના પગલે ફરિયાદીનું નિવેદન લેવાયું છે. જ્યારે પૂણા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તો આ સમગ્ર ઘટનામાં એક પણ પોલીસના નિવેદન લેવાની તસદી પણ લીધી ન હતી.

સમગ્ર ઘટના બાદ આખા રાજપૂરોહિત મારવાડી સમાજે એક થઈને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ સમાજના એક નગરસેવક પોલીસને બચાવવા મેદાનમાં પડયા છે. આ કાંડમાં ઘટના સ્થળ પર અને બાદમાં પોલીસ ચોકીમાં નિર્દોષ લોકોને ફટકારનારા જે તત્વો છે તેની સામે તો હજુ સુધી કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવતા પોલીસની કામગીરી પર આંગળી ચિંધાઈ રહી છે.

મારવાડી યુવાનોને ફટકારવામાં પોલીસના પાળેલા રિક્ષાચાલકો હોવાની વાત
પુણા પોલીસની હદમાં બે દિવસ પહેલા રાત્રે વાહન ચેકિંગ દરમિયાન મોપેડ ઉપર જઈ રહેલા બે ભાઈઓને પોલીસે ઢોર માર્યો હતો. અને આ દ્રશ્યો ને મોબાઇલમાં ઉતારનાર તેના મિત્રને પણ પોલીસે ફટકાર્યો હતો. ત્રણેયને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાની સમાજના લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી વળતા પોલીસે ૮ પોલીસકર્મી સામે ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પણ સોંપવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન ડી-સ્ટાફના પાળેલા માથાભારે રિક્ષાચાલકો પણ આ કાંડમાં સામેલ હોવાની વાત હાલમાં ચાલી રહી છે. આ મામલે કમિ અજય તોમર તપાસ કરાવે તે જરૂરી છે.

કમિશનર અજય તોમરે કહ્યું છે કે, કોઇને નહીં છોડવામાં આવે
કમિશનર અજય તોમરે આ મામલે કોઇને નહીં છોડવા માટે જણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ નિષ્ક્રિય રહેશે તો તેઓ આ મામલાને ગંભીરતાથી લેશે. આ મામલો હાલમાં તેઓની વોચમાં છે. તેથી પીએસઆઈની પ્રાથમિક જવાબદારી જણાતા હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top