સાયણ, ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) પોલીસ સ્ટેશનના (Police Station) પીઆઇ (PI) વી.કે.પટેલ તથા અ.હે.કો. અશોકભાઈ ગણપતભાઈને સંયુક્ત બાતમી મળી કે, ભગવા ગામે પ્રાથમિક શાળાની બાજુમાંથી જિંગા તળાવ તરફ જવાના રોડ ઉપર ખુલ્લી જગ્યામાં મોર ગામના ભૂત ફળિયામાં રહેતા પીયૂષ ઉર્ફે વાંકી હસમુખ પટેલ તથા સુરત રહેતા જિગર બારોટ તેના માણસો સાથે મળી વિદેશી દારૂ (Alcohol) ઉતાર્યો છે અને ટાટા કંપનીના ટેમ્પોમાં તથા ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે.
- ભગવામાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતાં 4 બુટલેગર ઝડપાયા
- ઓલપાડ પોલીસે 5,19,200નો મુદ્દામાલ કબજે કર્યો, 2 વોન્ટેડ
બાતમીવાળી જગ્યાએ પી.આઈ. વી.કે.પટેલે પોલીસ ટીમ સાથે રેઈડ કરતાં રૂ.1,54,200 તથા ટાટા કંપનીનો ટેમ્પો, ફોરવ્હીલ ગાડી, ત્રણ મોબાઇલ કિંમત રૂ.3,65,000 મળી કુલ₹ રૂ.5,19,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી વિદેશી દારૂ સગેવગે કરતો મોર ગામના ભૂત ફળિયામાં રહેતો પીયૂષ ઉર્ફે વાંકી હસમુખભાઈ પટેલ, અડાજણના સુમનઘટા એપાર્ટમેન્ટ એ-807માં રહેતા જિગર રાજુ બારોટ, જહાંગીરપુરાના મેઘાવિલાપ રો-હાઉસ ઘર નં.72માં રહેતા કાર્તિક મનહર પટેલ અને અનાવલના મસ્જિદ ફળિયામાં રહેતો સાદિક સમસુદિન શેખને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર દમણના પુનીત ટંડેલ તથા હર્ષ ટંડેલને વોન્ટેડ જાહેર કરી તમામ બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ઓલપાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સાંધીએરની મહિલાને ઇન્ડિયન આર્મીની ઓળખ આપી ચીટરે રૂ.૧.૫૧ લાખ ઉપાડી લીધા
સાયણ: દેલાડ ચાર રસ્તા ઉપર નાસ્તાની લારી ચલાવતી સાંધીએર ગામની મહિલાને એક ચીતરે ઇન્ડિયન આર્મીની ઓળખ આપી ઓનલાઇન ફ્રોડથી રૂ.૧,૫૧,૯૮૩ ઉપાડી લેતાં ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
સાંધીએર ગામે મલકેશ્વર મહાદેવ મંદિરના મકાન નં.૧૩૩ માં રહેતી મહિલા ત્રિશાલાબેન પ્રિતમગીરી રાજગીરી ગોસાઇ (ઉં.વ.૨૯) હાલ દેલાડ ચાર રસ્તા ખાતે નાસ્તાની લારી ચલાવે છે. ગત તા.૨૫/૦૭/૨૦૨૩ના રોજ તે નાસ્તાની લારી ઉપર હાજર હતી. ત્યારે સાંજે ૪ કલાકે સંદીપ રાવત નામના ઈસમે તેની ઓળખ ઇન્ડિયન આર્મી તરીકે આપી તેના મોબાઈલ નં.૭૦૦૨૭ ૩૯૮૦૨ ઉપરથી ત્રિશાલાબેન ગોસાઈના મોબાઈલ નં.૯૦૯૯૯૨૨૫૩૧ ઉપર નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો.
બાદ ગત તા.૨૫/૦૭/૨૦૨૩થી તા.૨૬/૦૭/૨૦૨૩ના રોજ બપોરે ૧૨ કલાકે ત્રિશાલાબેનના એચ.ડી.એફ.સી. એકાઉન્ટમાંથી ઓનલાઇન દ્વારા રૂ.૨,૦૦૦ના છ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.૧૨,૦૦૦ ઉપાડી લીધા હતા અને આ રકમ મિસિસ નાઝિરાબાનુ નામની મહિલા ચીટરના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. એ બાદ તેમના આ બેંક ખાતામાંથી કુલ પાંચ ટ્રાન્ઝેક્શનથી રૂ.૯૦,૬૧૩ રકમ તથા તેણીના એસ.બી.આઇ. બેંક ખાતામાંથી અવારનવાર ટ્રાન્ઝેક્શન કરી રૂ.૪૭,૩૭૦ ઉપાડી લીધા હતા. આ રકમ અભય રાસ્તોગી ચીટરના નામે ટ્રાન્સફર થઈ હતી. જેથી ફરિયાદીની જાણ બહાર કુલ રૂપિયા ૧,૫૧,૯૮૩ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થતાં ત્રિશાલાબેને આ બાબતે આરોપીઓ વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપીઓએ ઓનલાઇન રૂપિયા ઉપાડી છેતરપિંડી, વિશ્વાસઘાત કરતાં ગુનો નોંધ્યો છે. આ ગુનાની વધુ તપાસ ઓલપાડ પીઆઇ વી.કે.પટેલ કરી રહ્યા છે.