નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે ટીમની જાહેરાત કરી છે. આ 16 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના (Rohit Sharma) હાથમાં રહેશે. ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પરત ફર્યા છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં
એશિયા કપની વાત કરીએ તો તેમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં જશે. ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકામાં યોજાવાની છે. પીસીબી ટૂર્નામેન્ટનું આયોજક છે, પરંતુ બીસીસીઆઈએ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કારણોસર, ટુર્નામેન્ટની મેચો બે દેશોમાં યોજવામાં આવી રહી છે.
એશિયા કપ માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ઘ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ પ્લેયર).
એશિયા કપ શેડ્યૂલ:
30 ઓગસ્ટ: પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
4 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ અફઘાનિસ્તાન – લાહોર
6 સપ્ટેમ્બર: A1 Vs B2 – લાહોર
9 સપ્ટેમ્બર: B1 vs B2 – કોલંબો (શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ હોઈ શકે છે)
10 સપ્ટેમ્બર: A1 vs A2 – કોલંબો (ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોઈ શકે છે)
12 સપ્ટેમ્બર: A2 vs B1 – કોલંબો
14 સપ્ટેમ્બર: A1 vs B1 – કોલંબો
15 સપ્ટેમ્બર: A2 vs B2 – કોલંબો
17 સપ્ટેમ્બર: ફાઈનલ – કોલંબો