Comments

કૂદરતી પ્લાસ્ટિકનો મહિમા વધી રહ્યો છે

આજકાલ સોશિયલ મિડિયા પર એક વિડિયો ચલણમાં છે. ઉત્તર પ્રદેશમાં શેરડીનો કૂચો, રસ કાઢી લીધા પછીનો માવો વગેરેમાંથી બાયોડિગ્રેડેબલ ડિશો, વાટકા વગેરે તૈયાર કરવામાં આવે છે. તે સુંદર, મજબૂત અને પોતાની રીતે ટકાઉ હોય છે. પર્યાવરણની સમતુલાને ટકાવી રાખવામાં મદદરૂપ બને છે. જો કે બગાસમાંથી જીવનોપયોગી ચીજો તૈયાર કરવાની બાબતે આ પાશેરા કપાસની પ્રથમ પૂણી છે. આગાજ સુંદર છે તો અંજામ પણ ખૂબૂસરત આવી રહ્યો છે.

પ્લાન્ટ અર્થાત વનસ્પતિ આધારિત નવા પ્રકારના પ્લાસ્ટિકને સફળતા મળી રહી છે, પણ હાલમાં નવા પ્રકારના પ્લાસ્ટિકનું નિર્માણ એવું મોટું નથી કે જેનો ગૌરવ લઇ શકાય. વર્તમાન કહે છે કે ભવિષ્યનો આધાર વનસ્પતિ-જન્ય પ્લાસ્ટિક બની રહેશે. ઝાડ-છોડ અથવા પ્લાન્ટમાંથી મેળવાતા પ્લાસ્ટિકને બાયોપ્લાસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે જગતમાં જે કૃત્રિમ-રાસાયણિક પ્લાસ્ટિકનું નિર્માણ થાય છે તેનો તમામ પ્રકારના કુલ પ્લાસ્ટિક પ્રોડક્‌શનમાં નવાણુ ટકા જેવડો પ્રચંડ હિસ્સો છે. જયારે બાયો પ્લાસ્ટિકનું પ્રમાણ માત્ર એક જ ટકા જેટલું છે. આ ફીગર કંગાળ ગણી શકાય. વળી છેલ્લા દસ વરસથી આ પ્રમાણ માત્ર અને માત્ર એક ટકા સુધી સીમિત રહ્યું છે.

બાયો પ્લાસ્ટિકને આ રીતે ખાસ મહત્વ નહીં આપવાની વૃત્તિ આજના સમયમાં આવકાર્ય નથી કે સરાહનીય નથી. નોવા ઇન્સ્ટિટયૂટ નામક પ્રતિષ્ઠિત અભ્યાસ અને સર્વે સંસ્થા દ્વારા અભ્યાસ હાથ ધરાયો હતો તેમાં આ નિરૂત્સાહક ફીગર બહાર આવ્યો હતો. સંશોધનમાં જણાવાયું છે કે બાયોપ્લાસ્ટિક અથાવ વનસ્પતિજન્ય પ્લાસ્ટિકનું ઉત્પાદન સરખામણીમાં પચાસથી એંસી ટકા જેટલું મોંઘું પડે છે અને તેથી બાયોપ્લાસ્ટિક ઉદ્યોગ અથવા શાખાનો કોઇ ખાસ વિકાસ થયો નથી. તેલ ઉદ્યોગની બાય પ્રોડકટ તરીકે મળતા પરંપરાગત ફોસીબ ફયુઅલ પ્લાસ્ટિકનું નિર્માણ ખૂબ સસ્તું પડતું હોવાથી આડેધડ, યત્ર, તત્ર, સર્વત્ર તેની હાજરી જોવા મળે છે. છતાન ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે. આજકાલ બાયો પ્લાસ્ટિકની સ્થિતિ સુધરી રહી છે. બાયો પ્લાસ્ટિકનું ઉત્પાદન દર વરસે ચૌદ ટકાના દરથી વિકસી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે આગામી પાંચ વરસમાં બાયો પ્લાસ્ટિકનું મારકેટમાં પ્રમાણ ત્રણ ટકા સુધી પહોંચશે.

અમુક કિસ્સાઓમાં બાયો પ્લાસ્ટિકના ધંધાનો વ્યાપ રિસાયકલ્‌ડ પ્લાસ્ટિક કરતા પણ વધી ગયો છે. રિસાયકલ્‌ડ એ કૃત્રિમ અથવા ફોસીલ ફયુએલ પ્લાસ્ટિક છે જે વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. પર્યાવરણને સૌથી વધુ નુકશાન આ ફોસીલ ફયુએલ પ્લાસ્ટિક પહોંચાડે છે. હવે પ્રાકૃતિક અથાવ બાયો પ્લાસ્ટિકની ડિમાન્ડ ક્રમશ: વધી રહી છે. ચીન, જપાન, દ. કોરીઆ વગેરે પ્રકૃતિને મદદરૂપ થાય તેવા પ્લાસ્ટિકનો આગ્રહ રાખતા થયા છે. આજે સામાન્ય કેમિટલ જન્ય પ્લાસ્ટિકના પુન: વપરાશનું પ્રમાણ માત્ર નવ ટકા છે.

91 ટકા જોખમી પ્લાસ્ટિક દેશ વિદેશોમાં ઉડાઉડ થતું જોવા મળે છે. તે પર્યાવરણને બગાડે છે. ખુદ એક અનિચ્છનીય તત્વ તરીકે પીવાના પાણીમાં ભળી જાય છે. રિસાયકલ્ડ પ્લાસ્ટિક પણ આખરે તો પર્યાવરણને જોખમાવવાનું જ કામ કરે છે. શરૂઆત થોડી મોડી કરે એટલો જ ફરક. પુન: ઉપયોગ માટે લાયક બનતું હોવાથી લોકો કૃત્રિમ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા કે રોકવા માગતા નથી. પરંતુ જપાન અને કોરિયામાં આજકાલ પ્રાકૃતિક અથવા બાયોપ્લાસ્ટિનું મહત્વ વધ્યું છે. રિસાયકલ્ડ પ્લાસ્ટિકની તુલનામાં બાયોપ્લાસ્ટિક જલ્દીથી નાશ પામે છે.

આ કારણથી ચીન, જપાન, દ.કોરીઆ, ઇન્ડોનેશિયા, વિયેતનામ વગેરે બાયોપ્લાસ્ટિકની વધુ તરફેણ કરી રહ્યા છે અને તે જરૂરી પણ છે. કૃત્રિમ પ્લાસ્ટિકનું રિસાયકલનું પ્રમાણ નવ ટકા છે જે ફરીથી ફૂલીફાલીને સિત્તેર ટકા પર લઇ જવાની ઝુંબેશ શરૂ થઇ છે. બાયોફયુએલને વધુ આવકાર્ય બનાવે એવી અન્ય એક ટેકનોલોજી પણ જગતમાં કામ કરતી થઇ છે. જે પ્લાસ્ટિકની ભયાવહનાને ઓછી કરવામાં મદદરૂપ બની રહી છે.પ્રદૂષણમાં પણ મુખ્યત્વે કાર્બન વાયુનું પ્રદૂષણે માનવીના જીવનને અને પર્યવરણને અસ્તવ્યસ્ત કરી મૂકયાં છે.

પૃથ્વી પર ન થવાનું થઇ રહ્યું છે. એ પ્રકારનાં ભયંકર પરિણામો આવવાની શરૂઆત થઇ ચૂકી છે જે પરિણામો આજે નહીં પણ ભવિષ્યમાં આવવાની ધારણા હતી. પર્યાવરણ પરના આ નવા નવા મારને કાબુમાં રાખવા વિજ્ઞાનીઓ એક એવી યંત્રણા લઇ આવ્યા છે જેમાં હવામાં બેફામ ફરતા કાર્બન વાયુને ખૂદને પકડી લઇને તેની શિખાઓને એવી જગ્યાએ ગોઠવી દેવાય છે કે તે કાર્બન પર્યાવરણને નુકશાન કરતો અટકી જાય છે.

આ યંત્રણા હવે નાના પ્રમાણમાં કામ કરતી થઇ છે અને ભવિષ્યમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવામાં તેનું પણ મોટું યોગદાન હશે. સાથે પ્રાકૃતિક પ્લાસ્ટિકના નિર્માણ અને વપરાશને ઉત્તેજન અપાશે જે આખરે ગ્રીન પ્લાસ્ટિકના રૂપમાં માનવીને મળતા થશે. આજે શહેરોમાં કે ગામડામાં કાદવ-કીચડ, અમ્બિકા નદીના પટના ઝાંખરામાં ઓઇલ-કાર્બનજન્ય પ્લાસ્ટિકની થેલીઓ વરવા દ્રશ્યો ઉભા કરે છે તેમાંથી નૈસર્ગિક પ્લાસ્ટિકની થેલીઓના વાસણોના આગમન બાદ નિજાત મળશે.

પ્રાકૃતિક અથવા બાયોપ્લાસ્ટિક એક એવી ચીજ છે જે સ્ટાર્સ, સાકર કે માવો ધરાવતી ખેતીવાડી ઉત્પાદનની ચીજમાંથી મળે છે. જેમકે ઘઉં, મકાઇ, શેરડી, લાકડું, કપાસ અને કપાસના છોડ વગેરેમાંથી મળે છે. તેલ ગેસની સાથે સાથે ફોસીલ ફયુએલ પ્લાસ્ટિક બાય પ્રોડકટ તરીકે મળતું હોય છે તેથી તે ખૂબ સસ્તું  પડે છે. તેની સામે કૃષિ ઝાડ-છોડને વાવવા, ઊગાડવા માટે રાસાયણિક ખાતરો, ઝેરી દવાઓ, પાણી વગેરેની વિપુલ માત્રામાં જરૂર પડે છે. આથી કૃત્રિમની સરખામણીમાન કૂદરતી પ્લાસ્ટિક મેળવવું મોંઘુ પડે છે. પરંતુ કૃષિ જ પ્લાસ્ટિકની પર્યાવરણ પર જે સવળી અને આવકાર્ય અસર પડે છે તેના કારણે જગતના ઉદ્યોગ-ધંધાઓ અને પ્રવૃત્તિઓમાં હવે કૂદરતી પ્લાસ્ટિક પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. તેના ઉત્પાદનમાં અને વપરાશમાં જગતની એરસોથી વધુ નામી કંપનીઓએ ઝંપલાવ્યું છે.

વનસ્પતિ અર્થાત છોડ-ઝાડનો એ ગુણ છે કે તે હવામાંથી કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આજે જગતમાં તેલજન્ય પ્લાસ્ટિકનું જે ઉત્પાદન થાય છે તેના અરધા ભાગનું પણ ઝાડ-છોડનાં સ્ત્રોતમાંથી કૂદરતી પ્લાસ્ટિક પ્રાપ્ત કરાય તો પણ પૃથ્વી પરનું પ્રદૂષણ દૂર કરી શકાય, પર્યાવરણની સમતુલા બરાબર ગોઠવી શકાય. વળી કૃત્રિમ પ્લાસ્ટિક ધીમે ધીમે અત્યંત મંદ ગતિએ ડિજનરેટ થાય, તેનો નાશ થાય ત્યારે પણ ખૂબ વધુ માત્રામાં પ્રદૂષણ ભેળવે છે. બાયો પ્લાસ્ટિક ડિજનરેટ થાય ત્યારે પ્રમાણમાં ઓછી માત્રામાં ઝેરી વાયુ ભેળવે છે.

એ રીતે પણ કૃષિજન્ય પ્લાસ્ટિક આવકાર્ય બને છે. મોટી મોટી રીતે બે પ્રકારના બાયોપ્લાસ્ટિક હોય છે. એક એવો પ્રકાર જેમાં પ્લાસ્ટિક કૃત્રિમ, પ્લાસ્ટિક જેવું જ કામ આપે છે. તેના વડે ચશ્મા, કપડા વગેરેનું નિર્માણ થઇ શકે છે. તેમાં પાયાના ઘટક તરીકે પલ્પમાંથી મળતો સેલ્યુલોઝ એસિટેટ હોય છે. બાયોપ્લાસ્ટિકમાંનું અરધોઅરધ બાયો ડિગ્રેડેબલ હોય છે. જલ્દીથી કૂદરતી રીતે તેનો નાશથાય છે. ફોસીલ જન્ય પ્લાસ્ટિક પાંચસોથી હજાર વરસ સુધી ડિગ્રેડ થતું નથી.

અમુક બાયો પ્લાસ્ટિક ડિજનરેટ થાય તે માટે અમુક ઔદ્યોગિક અથવા માળખાકીય યંત્રણાની જરૂર પડે છે. લુલુ લેમન નામક એક ફેશન વસ્ત્રોનું નિર્માણ કરતી કંપનીએ ઇરાદો જાહેર કર્યો છે કે તે પોતાની પ્રોડકટમાં પોલીઅસ્ટર જેવા પેટ્રોલજન્ય કાપડને બદલે બાયો પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરશે. અન્ય કંપનીઓએ અન્ય પ્રોડકટસમાં બાયો પ્લાસ્ટિકની પ્રાધાન્ય આપવાની જાહેરાતો કરી છે. અમેરિકાની સરકાર બાયોપ્લાસ્ટિક તરફ મહત્વનું ધ્યાન આપી રહી છે. આ પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદન વિકાસ માટે અમેરિકી સરકારે 120 કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top