SURAT

યંગસ્ટર્સના શ્રાવણના ઉપવાસમાં હશે ફરાળી ફેન્સી ફૂડ, મહેંદીથી રિઝવશે ભોળેનાથને

ગઈકાલથી જ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. હવે તો શ્રાવણમાં શિવજીની ભક્તિમાં એક અલગ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. તે છે ૐ અને મહાદેવ તથા શિવભક્તિ દર્શાવતી અલગ-અપલગ ડિઝાઈનની મહેંદી કરવી. યંગસ્ટર્સ તો ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ, ફ્યુઝન ફૂડના આદિ બની ગયા છે એવામાં એમને ઉપવાસમાં મોરિયાની કે સાબુદાણાની ખીચડી ખાવી થોડી મુશ્કેલ લાગે છે. એટલે યંગ સ્ટર્સને ઇટાલિયન, ચાઈનીઝ ફૂડનો સ્વાદ ફરાળમાં મળી જાય તો તેમની ખુશીનો કોઈ પાર નહીં રહે. ચાલો આપણે આ વખતે શ્રાવણમાં યંગસ્ટર્સ માટે ચાઈનિઝ ફરાળી ફૂડમાં શું નવું દેખાય છે? તે જાણીએ અને પહેલા ટેટુનો ટ્રેન્ડ વધારે હતો તો હવે મહેંદીનો શું નવો ટ્રેન્ડ આવ્યો છે તે જાણીએ.

શ્રાવણના ઉપવાસમાં ફરાળી ઇન્ટરનેશનલ ક્યુઝીનની બોલબાલા
હવે તો યંગસ્ટર્સ શિવજી પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરવા આખા શ્રાવણનો આખો મહિનો ઉપવાસ કરે છે. પણ તેમને ફરાળી વાનગીઓ આરોગવી થોડીક મુશ્કેલ લાગે છે. આવા યંગસ્ટર્સ માટે ઇન્ટરનેશનલ ફૂડને પણ ફરાળી સ્વરૂપ અપાઇ રહ્યું છે. ફરાળી મન્ચુરિયન, પાસ્તા, મોમોઝ, નુડલ્સ પણ ફરાળી બનાવાયા છે. ફરાળી મન્ચુરિયનમાં દૂધી, સુરણ, રાજગરા, શિંગોડા, આરાનો લોટના બને છે. મોમોઝ આમ તો ચાઈનીઝ શબ્દ છે. પણ તે તિબ્બત અને નેપાળની ખૂબ જ મશહૂર વાનગી છે.

સુરતી યંગસ્ટર્સને પણ તેનો ટેસ્ટ ભાવે છે. એટલે શ્રાવણમાં પણ તે ઉપવાસમાં ફરાળ તરીકે ખાઈ શકાય એટલા માટે તેમાં મેંદાની જગ્યાએ ફરાળી લોટ, બાફેલા બટેકા તથા શેકેલા સીંગદાણા હોય છે. ફરાળી નૂડલ્સમાં ટામેટા, સાબુદાણાની ચકરી હોય છે. નૂડલ્સમાં આમ તો નૂડલ્સ ઘઉં,ચોખા, બાજરી અને અન્ય પ્રકારના લોટમાંથી બને છે પણ તે ઉપવાસમાં ના ખાઈ શકાય એટલે ફરાળી નુડલ્સ, સાબુદાણાથી બને છે. ફરાળી નૂડલ્સને મસાલા નાખી મજેદાર બનાવાય છે. ફરાળી પાસ્તા પણ યંગસ્ટર્સ ઉપવાસમાં ખાઈ રહ્યા છે. પાસ્તા સમગ્ર વિશ્વમાં ફેમસ ફાસ્ટ ફૂડ છે.તેના ફરાળી વર્ઝનમાં બટેટા અને સાબુદાણાની ડ્રાય વેફર સળી હોય છે.

શ્રાવણમાં યંગસ્ટર્સ આખો મહિનો ચમ્પલ નથી પહેરતા
હવેના યંગસ્ટર્સ આખો મહિનો એકટાણું કરી ઉપવાસ કરે છે. વળી, તેઓ દર સોમવારે મહાદેવના મંદિરે જઇ પૂજા-અર્ચના કલાકો કરી ભોળેનાથને રિઝવે છે. કેટલાક યંગસ્ટર્સ તો આખો શ્રાવણ મહિનો ચમ્પલ નથી પહેરતા. ખુલ્લા પગે જ ઓફિસ અને અન્ય કામો માટે બહાર જતા હોય છે. રાજેશ સ્વામીએ જાણાવ્યું કે હું આખો મહિનો શિવજી પ્રત્યે આસ્થા દર્શાવવા દર સોમવારે મંદિરે જાઉં છું અને આખો મહિનો ચંપલ નથી પહેરતો.

શ્રાવણમાં રુદ્રાક્ષની સોનાની માળા, બ્રેસલેટની ડીમાંડ હવે થવા લાગી
સોનુ અને ચાંદી શુદ્ધ ધાતુ ગણાય છે. તેમાં પણ સુવર્ણ ધાતુ પહેરવાનું મહત્વ હોય છે. છેલ્લાં કેટલાંક સમયથી શ્રાવણમાં સોના-ચાંદીના રુદ્રાક્ષની માળા, બ્રેસલેટ, એક મુખી રુદ્રાક્ષનું પેન્ડન્ટ બનાવવાનું ચલણ વધ્યું છે. લોકો પોતાના ભક્તિભાવ અને યથાશક્તિ એક મુખીથી લઈને 14 મુખી સુધીના સોનાની રુદ્રાક્ષની માળા, પેન્ડન્ટ, બ્રેસલેટ બનાવે છે.

શિવ પ્રત્યે આસ્થા દર્શાવતી મહેંદી મુકાવાનો ટ્રેન્ડ
શહેરના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે જણાવ્યું કે, લોકો વાર-તહેવારે કે લગ્ન પ્રસંગ વખતે હાથ, પગ પર મહેંદી મુકાવતા હોય છે. પણ હવે દેવોના દેવ મહાદેવ પ્રત્યેની આસ્થા મહેંદી મુકાવીને વ્યક્ત કરવા લાગ્યા છે. આખી પીઠ પર મહેંદી કરાવી શિવજી પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરે છે. ૐ સર્વસ્વ છે એટલે ઓમના મંડાલાની યુનિક મહેંદી ઉપરાંત શિવજીના બાળ સ્વારૂપની, ડમરુ, ત્રિશૂળની મહેંદી પણ મુકાવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સોશ્યલ મીડિયાને કારણે આ ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. આવી મહેંદી એક અઠવાડીયાથી લઈને 15 દિવસ રહે છે.

Most Popular

To Top