સાંપ્રત યુગમાં સારો, સાચો માણસ શોધ્યો જડતો નથી ત્યાં માનવતાની વાતો કરવી મુશ્કેલ છે. આજે માણસાઈનો દુકાળ પ્રવર્તે છે. માણસને એકમેક પ્રતિ સહાનુભૂતિની લાગણી હોવી જોઈએ. માણસાઈ દરજ્જે દયા પણ જરૂરી. વ્યક્તિમાં મનુષ્યત્વ તેની સારી રહેણીકરણીના આધારે સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. ‘આજે માનવતા મરી પરવારી છે’-વાક્યપ્રયોગ છાસવારે થતો જોવા મળે ત્યારે માનવતા માટે પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, સારી રીતભાત અને ભલમનસાઈ જાણે અદૃશ્ય થઈ છે.
સૌ પોતાના સ્વાર્થમાં રત છે. બીજાનું જે થવાનું હોય તે થાય આપણે યેનકેન પ્રકારે પૈસાદાર થવું જોઈએ-આવી વિચારસરણીને કારણે માનવતા મરી પરવારે છે. આજે નકલીની બોલબાલા છે. બધું જ નકલી પણ ખાવાના પદાર્થ પણ અખાદ્ય! જયાં જુવો ત્યાં ભેળસેળ. રાહત માટેના પૈસામાં પણ ગોબાચારી! દવાઓ પણ નકલી હોવાને કારણે માનવીઓના અકાળે મોતના બનાવો સામે આવતાં હોય છે. સારવાર પણ આર્થિક સ્થિતિને જોઈને કરવામાં આવતી હોય છે. જેવો દર્દી તેવી સારવાર! કહેવાતી સસ્તી હોસ્પિટલમાં ગંદકી જોઈને ત્યાં તો માનવતાનું મોત થતું દેખાય છે.
એવા વ્યક્તિઓ અને સંસ્થાઓમાં છે, કે જ્યાં માનવતાનું તો જાણે નામોનિશાન દેખાતું નથી. મનુષ્યમાં પ્રેમનો આત્મભાવ જાગવો જોઈએ. સાચી માનવતા દુષ્કૃત્યોથી દૂર રહેવામાં છે. અહીં રહેણીકરણી પણ સુધારવાની જરૂરી છે. ખરાબ પરિસ્થિતિમાં જે વ્યક્તિ કે સંસ્થા અસરગ્રસ્તને મદદરૂપ બને છે તે જોતાં માનવતા-માણસાઈનાં દર્શન થાય. માનવમાં, માણસાઈ જાગે તેવું વાતાવરણ ઊભું થાય તેમ કરીએ. દયાપ્રેમનો ભાવ જગાવીએ. માણસ બનીએ તો ય ઘણું!
નવસારી -કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નીચલી કોર્ટો કોના ઇશારે ન્યાય તોળે છે?
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ‘મોદી અટક બદનક્ષી’ કેસમાં રાહત આપતા તેમનેથયેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે. સાથે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ માટે જે ટિપ્પણી કરી છે તે ખૂબ જ મહત્વની અને સૂચક છે. રાહુલ ગાંધીને નીચલી કોર્ટો દ્વારા મહત્તમ સજા આપવામાં કેમ આવી? તેવી પૃચ્છા કરી સુપ્રીમ કોટરની બેંચે એવું જણાવ્યું કે રાહુલ ગાંધીનેન નીચલી કોર્ટો દ્વારા 1 વર્ષ અને 11 માસની સજા આપી હોત તો રાહુલ ગાંધી સાંસદ રહી શકયા હોત.
સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાની અસર વ્યાપક છે. આનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેરજીવનમાં ચાલુ રહેવાના અધિકારને જ નહીં બલ્કે તેમને ચૂંટવાના મતદારોના અધિકાર પર પણ અસર પડી છે. મહત્તમ સજા આપવાનું કોઇ કારણ ટ્રાયલ જજે આપ્યું નથી. જેને કારણે અંતિમ ચૂકાદો આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવવાની જરૂર છે. આ મામલો કોઇ એક વ્યકિતનો નથી. પરંતુ સમગ્ર સંસદીય મત વિસ્તારનો છે. મતદારોને તેમના પ્રતિનિધિત્વથી વંચિત કેવી રીતે રાખી શકાય?
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે