Comments

સાચું નિરભિમાન

એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે?’ ગુરુજીના સૌથી હોંશિયાર ગણાતાં શિષ્યે વિનયથી ઊભા થઈ તરત જ જવાબ આપ્યો, ‘ગુરુજી, આપણો સૌથી મોટો દુશ્મન ‘આપણો અહંકાર’છે. જવાબ એકદમ સાચો હતો એટલે ગુરુજી શિષ્ય પર ખુશ થયા અને તેને પોતાની પાસે બોલાવી શાબાશી આપતાં કહ્યું, ‘વાહ વત્સ, તારો જવાબ એકદમ સાચો છે. આજે હવે તું આ તારા ગુરુ ભાઈઓને સમજાવ કે કઈ રીતે અહંકાર આપણો દુશ્મન છે.’

શિષ્ય ખુશ થઇ ગયો. તેણે ગુરુજીને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા લઈને બોલવાનું શરૂ કર્યું. શિષ્યે અહંકાર વિષે કંસ ,રાવણ વગેરેના અનેક દાખલા આપ્યા.પછી જણાવ્યું કે તમારા જ્ઞાનનું કે રૂપનું અભિમાન ક્યારેય ન કરવું.તમારા પૈસા કે આવડતનું ઘમંડ ન કરવું.આ ઘમંડ તમને ઉદ્ધત બનાવે છે. તમે પોતાને અન્ય કરતાં સવિશેષ માનો છો અને એટલે નમ્રતા ગુમાવી સતત બીજાનું અપમાન કરી બેસો છો.માટે ક્યારેય અભિમાન કરવું નહિ.અભિમાનીનું પતન વહેલું મોડું નિશ્ચિત જ છે માટે તમારી પાસે રૂપ હોય, શક્તિ હોય ,ભક્તિ હોય, પૈસા હોય ,જ્ઞાન હોય ,આવડત હોય,પદ હોય, પણ તેનું અભિમાન ન કરતાં  હંમેશા નિરભિમાની બનીને રહેવું.’

બધા શિષ્યને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે શિષ્યે આગળ કહ્યું, ‘હું ગુરુજીનો પ્રિય શિષ્ય છું.બધું જ ધ્યાનથી શીખું છું અને જીવનમાં ઉતારું છું. હમણાં જ ગુરુજીએ મને શાબાશી આપી.મને બધા પથ એક વારમાં યાદ રહી જાય છે.છતાં હું કયારેય આ કોઈ બાબતનું અભિમાન કરતો નથી.હું સતત ધ્યાન રાખું છું કે મારી નમ્રતા મારો સાથ છોડે નહિ.હું કોઈ બાબતનું મને અભિમાન ન થાય તે માટે સતત યાદ રાખું છું કે મારે નિરભિમાની રહેવાનું છે અને હું હંમેશા નિરભિમાની જ રહું છું.’ ગુરુજી આ સાંભળી ઊભા થયા અને ઈશારાથી શિષ્યને પોતાની વાત અટકાવવા જણાવ્યું અને બોલ્યા, ‘વત્સ, તારે પણ આ દુશ્મનથી બચવાની જરૂર છે. તું પણ અભિમાની છે.’ શિષ્ય ચુપચાપ નીચું જોઇને પોતાના સ્થાને બેસી ગયો.

ગુરુજી બોલ્યા, ‘અભિમાન દૂર કરી નિરભિમાની બનવું જરૂરી છે પણ હું નિરભિમાની છું.મારા જીવનમાં ઘણી બાબતો છે, જેનું અભિમાન કરી શકાય, પણ હું અભિમાન કરતો નથી. હું નિરભિમાની છું.આ નિરભિમાની હોવાનું પણ એક અભિમાન છે, જે આ શિષ્યની જેમ ઘણાને સતાવે છે.સાચો નિરભિમાની તો એ છે જેને કોઈ વાતનું ભાન જ નથી કે મારી પાસે શું છે અને હું શું કરું છું કે હું શું કરી શકું છું.જે પોતાના સત્ત્વને ભૂલીને પરમ તત્ત્વને ભજે તે સાચો નિરભિમાની છે.બાકી મને અભિમાન નથી કહેનારા બધા પણ અભિમાની ન હોવાનો અહંકાર ધરાવે છે.’ગુરુજીએ સૂક્ષ્મ સત્ય સમજાવ્યું.

Most Popular

To Top