Comments

તમારાં સંતાનોને તમે કેવા પાઠ ભણાવો છો?

અપેક્ષાનું ભારણ
તાજેતરમાં આપણા ચિત્તમાં ખળભળાટ મચાવતી ઘટનાઓ આપણા સમાજમાં ઘણા સમયથી આકાર લઈ રહી છે. ખાસ કરીને જાન્યુઆરીથી મે આ ઘટનાઓ આકાર લે છે. આપણે આ ઘટનાઓની નોંધ બહુ ઓછી લઈએ છીએ. વર્તમાનપત્રોમાં ફકત વાંચીને આગળ વધી જઈએ છીએ. બીજા ન્યુઝ તરફ આપણી નજર જતી રહે છે. પણ આપણા મગજમાં અનેક પ્રશ્નોની હારમાળાઓ તો ચોક્કસપણે સર્જાઈ જાય છે. આ ઘટનાઓ બીજી કોઈ નહીં પરંતુ વિદ્યાર્થીઓની “આત્મહત્યા”. વિદ્યાર્થીઓની આત્મહત્યા એ ખરેખર આપણા સમાજ માટે રેડ સિગ્નલ છે.

આ સદીનું “ PERFORM or PERISH” એ સૂત્ર જાણ્યે અજાણ્યે મુખ્ય સૂત્ર બની ગયું હોય તેમ લાગે છે. આ દોડમાં સૌને ઈચ્છા –અનિચ્છાએ, વહેલાં – મોડા જોડાઈ જાય છે. બજાર સંચાલિત આજના ઉપભોગતાવાદના યુગમાં કોઈ પણ ભોગે આગળ રહેવાની હોડમાં મનુષ્ય નૈતિકતા, મૂલ્યો, લાગણીઓ, સંવેદનાઓ, કુટુંબ, સમાજ સહુને પાછળ હડસેલીને બસ આગળ ને આગળ દોડતો રહે છે.

આજના વર્તમાન સમયમાં માનવી માત્ર હરીફાઈના રંગે રંગાઈ ગયો છે. વર્તમાન સમયમાં બાળકના જન્મની સાથે જ માતા –પિતા એના ભાવિ શિક્ષણનો નકશો તૈયાર કરી દેતા હોય છે ! કદાચ જન્મની સાથે જ અથવા જન્મ થયા પહેલાં જ માતા –પિતા બાળક કઈ શાળામાં, ક્યા પ્રવાહમાં અભ્યાસ કરી કેટલા માર્કસ લાવશે, ડૉકટર – એન્જિનિયર કે એવી ઉજ્જવળ કારકિર્દી અપનાવશે એ મનમાં નક્કી કરી રાખતા હોય છે. આ શાળામાં જ એડમિશન મેળવવું – કોઈ પણ રીતે, ત્યાંથી જ હરીફાઈની શરૂઆત થઈ જાય છે.“ મારા બાળકને બધું જ આવડવું જ જોઈએ અને પ્રથમ જ રહેવું જોઈએ” . માતા –પિતાની અપેક્ષાઓ નાનપણથી બાળકને ઘેરી વળે છે. સહજ સાવ નિર્દોષ ભાવે થવો જોઈએ એવો ઉછેર બાળકનો થતો જ નથી. એની જ ઉંમરનાં બીજાં બાળકોથી પોતાના બાળકને કંઇક વિશિષ્ટ, હોશિયાર શ્રેષ્ઠ સાબિત કરવા અને એનું ગૌરવ અનુભવવા માંગતાં માતા-પિતા બાળક પાસેથી એનું બાળપણ પણ છીનવી લેતાં હોય છે.

 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમાં પણ શિક્ષણના બોજની સાથે બાળકે માતા પિતાની અપેક્ષાઓનો બોજ પણ સાથે હોય છે. હંમેશા વર્ગમાં પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થવાનું ! વર્ગનાં બધાં બાળકો કઈ રીતે પ્રથમ આવે ભલા! સાથે ઇત્તર પ્રવૃત્તિઓનો ઢગલો ! નૃત્ય, સંગીત, ડાન્સ, ચિત્રકળા,ક્રિકેટ, કરાટે, વગેરે ક્લાસિસ ચાલુ થઈ જાય છે. જે કદાચ બાળકનાં રસ – રુચિ બાજુ પર રહી જાય છે. બસ માતા–પિતાના આયોજન આદેશ મુજબ બાળકે શીખવું પડે છે, સાથે ટ્યુશન તો હોય જ. આમ વિદ્યાર્થીના બાલ્યકાળથી જ હરીફાઈનાં બી રોપવામાં આવે છે, જેનાં મૂળિયાં ઉંમર વધવાની સાથે વધુ મજબૂત થતાં જાય છે.

– મા – બાપ પોતે જ પોતાના અંશના મનોજગત, મનોસંઘર્ષ, મનોવ્યથાથી સાવ અલિપ્ત હોય છે. મોટે ભાગે દરેક મા –બાપ પોતાનાં અધૂરાં અરમાનોનું પ્રત્યારોપણ પોતાનાં બાળકોમાં કરે છે. બાળકોમાં કઈ અભિયોગ્યતા છે તેનું મા બાપને મન કોઈ મહત્ત્વ હોતું નથી. તેથી જ રોપ કે છોડ ગમે તે હોય, પરંતુ તેને ફળ પોતાનું મનવાંછિત જ આવવા જોઈએ તેવી મૂર્ખ – અભિલાષાની પ્રબળતાને કારણવશ માતા –પિતા બાળકો ઉપર અત્યાચાર કર્યે જ જાય છે. કુદરતે પ્રાણી – પક્ષી કે મનુષ્યજગતમાં ખૂબ જ સચોટ ગોઠવણી કરેલી છે અને તેથી જ એક વૈજ્ઞાનિકની સામે કલાકાર પણ જન્મ લે છે, સંતુલન માટે આ જરૂરી છે. નાટકમાં બધા મુખ્ય પાત્ર કે રાજા ન બની શકે, સહ – અદાકાર કે અનુચરો પણ જોઈએ ને સાજીંદાઓ પણ જોઈએ. તેમ દુનિયામાં દરેક વ્યક્તિનું મહત્ત્વ જૂદું છે. દુનિયામાં બધાની જરૂર છે. જો દુનિયામાં બધા ડૉક્ટરો ને એન્જિનિયર જ હોત તો? દુનિયા કેટલી શુષ્ક લાગત? ગાયકો, અદાકારો, નર્તકો,ચિત્રકારના રંગ વગરની દુનિયા કેટલી ફિક્કી લાગે?

જેટલું મહત્ત્વ ડૉકટર કે એન્જિનિયર છે તેટલું જ મહત્ત્વ અભિનેતા કે ચિત્રકારના પણ છે. પરંતુ આજના આધુનિક યુગમાં પણ મા –બાપને બાળકનું લક્ષ્ય ડૉકટર કે એન્જિનિયરનું જ ખપે એમાં પણ હવે સિવિલ સર્વિસિસનું ભૂત ભળ્યું છે. બાળક કળામાં વધારે રુચિ લે તો તે મા –બાપને રુચતું નથી કારણ એવો ભ્રામક ખ્યાલ પ્રવર્તે છે કે કલા ક્ષેત્ર સાવ નક્કામું છે તેમાં કોઈ ઉધ્ધાર થતો નથી.આજે મા બાપ બાળકોને આપે છે મહત્ત્વાકાંક્ષા, જે અગાઉ આપોઆપ ખિલતી તે આજે ઉપરથી નાખવામાં આવે છે. બાળકના મનમાં સર્જાતો ગૂંચવાડો, અકળામણ, કંટાળો ,હિંસામાં પરિવર્તિત થાય છે. ન જાણે કેટલાંય બાળકો વ્યથાનો બારુદ ભંડારી બેઠા હશે ?

સુખ
આજના સ્પર્ધાત્મક યુગમાં બૌધ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ, સગવડોમાં વધારો વગેરે મેળવી શકાય છે પરંતુ નૈતિક વિકાસ અને મૂલ્યો જીવન સંચાલનમાં પાછલી સીટ પર ગોઠવાય છે. આપણી પાસે માહિતીનો અઢળક ભંડાર વધે છે, પરંતુ સમજણ અને ડહાપણનું ખાનું લગભગ ખાલી જ રહે છે. ફકત માહિતીના આધારે જીવન ચાલી શકતું નથી. તે માટે તો સમજણ અને ડહાપણ જ કામમાં આવે છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કે અન્ય પરીક્ષાઓમાં સફળતાના ડરે થતી આત્મહત્યાઓ, ઘરેથી ભાગી જવાના કિસ્સાઓમાં થતો વધારો તથા વિદ્યાર્થીઓ અને માતા – પિતાઓમાં વધતો જતો તણાવ એ હતાશા અને નિરાશાનું પ્રમાણ છે.

સહુને સફળતા જ ખપે છે. હાર ખમી ખાવી, ધીરજ, સહનશીલતા, તનતોડ મહેનત, જીવનને સમગ્રપણે જોવાનો દૃષ્ટિકોણ જેવા ગુણો કેળવવાની વૃત્તિ મંદ પડતી જાય છે. પોતાનાં સંતાનોને પ્રથમ નંબર ન લાવવા બદલ તેના માથે પસ્તાળ પાડતાં સતત બાળકને/સંતાનને પ્રથમ ક્રમ લાવવા ટોર્ચર કરતાં રહેતાં મા – બાપને અને બાળકોને 25- 50 વખત લખવા આપવાની કે કલાસની બહાર ધકેલી દેવાની પલાયાનવૃત્તિ ધરાવનાર કે સોટીના સહારે પોતાનું જ્ઞાન છુપાવતા બહાદુર સાબિત થવા મથનારાં તમામ શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ, બાળકો તમારી સંપત્તિ નથી કે તમારાં ગુલામ નથી. શિક્ષક એટલે માસ્તર કે જે આપણાં સંતાનોને માના સ્તર જેવો પ્રેમ આપીને કેળવે અને માની જેમ શિક્ષણ આપે.

આસમાનના તારારૂપી ઝળહળતાં બાળકોને ઇશ્વરે જ્યારે આપણને આપ્યાં ત્યારે મા – બાપ તરીકે તેને સમજી તેમની ખૂબીઓને કેળવીએ અને તે જે શિક્ષકોના હાથમાં સોંપીએ તેમને ય ઓળખીએ કે તેઓ ખરા અર્થમાં શિક્ષક છે. અબ્રાહમ લિંકને પોતાના સંતાન માટે શિક્ષકને પત્ર લખેલો જે આજની તારીખે પણ એટલો જ સુસંગત છે. આપણે જો બાળકોને બાળપણથી જ જીવનને ખોટી મહત્ત્વાકાંક્ષા થોપવાની સુખ સગવડોના માપદંડથી માપવાને બદલે સફળતા, વિકાસ માટે સમગ્ર જીવનને અખંડરૂપે જોવાની દૃષ્ટિ કેળવવાની ટેવ પાડીશું તો આપણે આપણાં ચિત્તને ક્ષુબ્ધ કરી દેતા બનાવો ઓછા થશે તથા આપણો સમાજ મૂલ્યનિષ્ઠ, તંદુરસ્ત બનવા તરફ આગળ વધશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top