SURAT

પીએલસીયુ કોઇનના નામે સુરતના લોકોના એક હજાર કરોડ રૂપિયા લૂંટાયા

સુરત (Surat) : શહેરમાં ક્રિપ્ટો કરન્સીના (Crypto Currency) નામે કરોડો રૂપિયાનો ધંધો બેરોકટોક થઇ રહ્યો છે. તેમાં ગત વર્ષે પાંચ હજાર રૂપિયાના પીએલસીયુ કોઇન (PLCU Coin) કાઢવામાં આવ્યા હતા. અને મહિનાના દસ ટકા આપવાની વાત કરવામાં આવી હતી. આ એક પ્રકારનો ટોકન કોઇન હતો. જે યુએસડીટી (USDT) એટલેકે ક્રિપ્ટો કરન્સીમાં આવતા યુએસ ડોલરથી (US Dollar) ખરીદવામાં આવે છે. આમ સુરતમાં જ એક હજાર કરોડ રૂપિયાના પીએલસીયુ કોઇનમાં ખરીદવામાં આવ્યા છે.

તેમાં અમર વાધવ (Amar Vadhav) નામના ઇસમ દ્વારા સુરતમાં આ આખું ભોપાળુ (Scam) કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે, આ કોઈન યુરોપથી (Europe) ચાલતો હોવાનું જણાવીને સુરતમાં હજારો મધ્યમવર્ગીય પરિવારોના કરોડો રૂપિયા આમાં સલવાયા છે. આ મામલે હાલમાં તો 60 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. પરંતુ વાસ્તવમાં આ આંકડો એક હજાર કરોડની આસપાસ છે. તેમાં કાપડ બજારમાં લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું કહેવાય છે.

પાંચ હજાર રૂપિયાનો કોઇન 3 મહિનામાં સવા લાખ થઇ જતા શહેરમાં તેની ખરીદી માટે પડાપડી થઇ હતી. ત્યારબાદ આ કોઇનનો ભાવ તૂટીને હાલમાં બે હજાર રૂપિયા ચાલી રહ્યો છે. આમ લોકોને છેતરપિંડીના ચકડોળમાં બેસાડીને પ્રિ- પ્લાન આખુ માર્કેટિંગ ઠગટોળકી પાસે કરાવીને આ ટોકનમાં હજારો પરિવારોને બરબાદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે.

એક વર્ષ પછી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
આમતો આ મામલો એક વર્ષ જૂનો છે. પરંતુ લોકો યુએસડીટી વાપરતા હોવાને કારણે તથા આમાં મોટા ભાગે કાળુ નાણું હોવાને કારણે લોકો ફરિયાદ કરતા ડરે છે. અલબત આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારોમાં અમર વાધવા ,વિનોદ નિશાદ, સુનીલ મોર્યા તથા પંપાદાસ નામના ઇસમોએ પૂર્વ આોયોજિત કાવતરૂ કર્યું હતું.

આ લોકોએ દેશની ફાઇવ સ્ટાર હોટલમાં લોકોને બોલાવ્યા હતા. તેમાં પાંચ હજાર રૂપિયાનો ટોકન કોઇન ભવિષ્યમાં લાખ્ખો રૂપિયા આપશે તથા મહિને પાંચ થી પંદર ટકા મળશે તેમ કહીને લોકોને છેતર્યા હતા. પ્રિ-પ્લાન આ ટોળકીએ સુરતમાંથી એક હજાર કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હોવાની વાત છે. આ ઉપરાંત અખાતી દેશો અને યુરોપમાં પોતાની એપ્લીકેશન બનાવી અને લોકો પાસે યુએસડીટી ક્રિપ્ટો કરન્સીનું ઓન લાઇન રોકાણ કરાવીને આ છેતરપિંડી કરી છે.

દરમિયાન પોલીસ કોન્સ્ટેબલો થી લઇને ફાયર બ્રિગેડના 60 જેટલા લોકોના આ કોઇનમાં 59 લાખ રૂપિયા ડૂબ્યા હોવાની વિગત જાણવા મળી છે. અલબત આ આંકડો ખૂબ નાનો છે પરંતુ શહેરના રીયલ એસ્ટેટ અને કાપડ બજારમાંથી કરોડો રૂપિયા ઠગોએ ગજવે ઘાલી દીધા હોવાની વિગત જાણવા મળી છે.

પીએલસુયી અલ્ટીમા કોઇનને પીએલસુયી કલાસીકમાં તબદીલ કરીને ભાવ તળિયે લાવી દીધો
3 મહિનામાં નાણા ડબલ તથા એક વર્ષમાં ચાર ગણા નાણા કરવાની લાલચ આ ચીટર ટોળકી દ્વારા આપવામાં આવી હતી. દરમિયાન બાદમાં પીએલસીયુ કોઇનને પીએલસીયુ કલાસીકમાં તબદીલ કરવામાં આવ્યો હતો, તેમાં સવા લાખની કિંમત સુધી કોઇનની કિંમત ઓન લાઇન મેન્યુપ્લેટ કરીને હજારો લોકોને રડતા કરી દીધા હતા.

પડદા પાછળ સમાધાન થયું અને નાણાં નહીં આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો
આ કાંડમાં લોકોના કરોડો રૂપિયા ફસાયા છે ત્યારે કેટલાક લોકોને નાણાં આપવાની વાત કરી હતી ત્યારબાદ નાણા નહીં આપતા આ ટોળકી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં પોલીસે (1) વિનોદ હરીલાલ નીશાદ ઉ. વર્ષ 36 , ધંધો વેપાર , રહે., પાલનપુર પાટિયા, ગુજરાત હાઉસીંગ બોર્ડ (2) મહેન્દ્ર સિંહ સીસોદીયા ઉ. વર્ષ 34 રહે., વેસુ ફાયર સ્ટેશન પાસે સ્ટાફ કવાર્ટસ (3) પંપા બહૂન દાસ ઉ. વર્ષ 34 , રહે.,ઇચ્છાપોર રૂચી ટાઉનશીપની બાજુમાં , કવાસની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમર હાલમાં વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top