ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા સહિત કુલ 5 લોકોના મોત (Death) નિપજ્યા હતા. આ ઘટના બનતાં જ એમ્બ્યુલન્સ વાન આવે એ પહેલા પોલીસ વિભાગની ગાડી સારવાર માટે દોડતી થઇ હતી.
- અકસ્માતમાં ભરૂચના વેપારીના મોટા ભાઈ-ભાભી અને બે ભત્રીજીના મૃત્યુ, એક બાળક સહિત 3 લોકોનો આબાદ બચાવ
- 2013ની હ્યુન્ડાઈ વરના કારનો કુચડો બોલાઈ ગયો
અકસ્માતમાં બે વર્ષનો ફુલ જેવો માસુમ બાળક પણ ઇજાગ્રસ્ત થયું હતું. જેને કણસતો જોઇને લોકો રડી પડ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. અન્ય લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે મૃત્યુઆંક વધી શકે તેમ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઇ વેન્યુ GJ-16-DG-8381 હતી. જ્યારે બીજી કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇકરામભાઈની માલિકીની હ્યુન્ડાઈ વરના નં.GJ-06-FC-7311 હતી. વરનામાં ઇકરામના મોટા ભાઈ ઈમ્તિયાઝ, તેમની પત્ની, દીકરી અને ઇકરામભાઈની પત્ની અને તેમની બે દીકરી હતા.
આ બન્ને કાર વળાંક પર સામ-સામે ધડાકાભેર અથડાતાં 2022ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતાં અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013નું મોડલ હોવાથી તેનો આગળના અડધા ભાગનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પોંહચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં વરના કારમાં નાના બાળકનો બચાવ થયો છે. તો વેન્યુ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયાની માહિતી હાલ સુધી સાપડી રહી છે.
અલવા ગામના અકસ્માતની જાણ થતાંની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલા એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજ્યું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલવા ગામ પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાઇ છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી
- ઈમ્તિયાઝ અહેમદ પટેલ (ઉ.વ. 62), મુસ્લિમ સોસાયટી, ભરૂચ
- અલ્મા ઈમ્તિયાઝ પટેલ (ઉ.વ. 55), (પત્ની)
- મારીયા દિલાવર પટેલ (ઉ.વ. 28) , જંબુસર (દીકરી)
- આફીકા સફવાન અફીની, (ઉ.વ. 28), રહે સાઉદી અરબ, હાલ ભરૂચ (દીકરી)
- જમીલા ઇકરામ પટેલ (ઉ.વ.48), સોહેલ પાર્ક ( નાના ભાઈની પત્ની)
અકસ્માત ઇજાગ્રસ્ત થયેલ બાળક
- બાળક -યુસૂફ ફેઝલ પટેલ (ઉ.વ.2)