નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 પહેલા ઈંગ્લેન્ડના (England) સ્ટાર, વર્લ્ડ ચેમ્પિયન સૌથી મોટા મેચ વિનર બેન સ્ટોક્સે (Ben Stokes) નિવૃત્તિ (Retirement) પાછી લઈ લીધી છે. 18 જુલાઈ 2022ના રોજ સ્ટોક્સે ODI ક્રિકેટ છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ લગભગ 13 મહિના બાદ ફરી એકવાર તે વનડે ક્રિકેટમાં પરત ફર્યો છે. આ ત્યારે થયું છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર ODI વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. વર્ષ 2019માં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં બેન સ્ટોક્સનો મોટો ફાળો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં મેચ વિનિંગ 84 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ ક્રિકેટે બુધવારે બપોરે ન્યુઝીલેન્ડ સામેની આગામી ODI અને T20 શ્રેણી માટે ટીમ જાહેર કરી હતી. વનડે ટીમમાં એક નામ ચોંકાવનારું બેન સ્ટોક્સનું હતું. તેણે નિવૃત્તિ બાદ પુનરાગમન કર્યું છે. તાજેતરમાં એશિઝ પહેલા મોઈન અલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી પરંતુ એશિઝ બાદ તેણે ફરીથી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. બેન સ્ટોક્સે આ પહેલા ઈંગ્લેન્ડ માટે 105 વનડે રમી હતી જેમાં તેણે 2924 રન બનાવ્યા હતા અને 74 વિકેટ લીધી હતી. હવે ફરી એકવાર સ્ટોક્સ આગામી વર્લ્ડ કપમાં પોતાનો જાદુ બતાવી શકે છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટે 15-15 પ્લેયરોની બે ટીમો બનાવી છે. ઘણાં અનકેપ્ડ ખેલાડીઓ પણ તેમાં પ્રવેશ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ન્યૂઝીલેન્ડ સામે ચાર ટી-20 મેચોની શ્રેણી રમશે. ત્યાર બાદ ચાર વનડે મેચોની શ્રેણી પણ રમાશે. બેન સ્ટોક્સ ઉપરાંત સરેના ઝડપી બોલર અને અનકેપ્ડ પ્લેયર ગુસ એટકિન્સનને પણ ઈંગ્લેન્ડની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે એટકિન્સન, જોશ ટોંગ અને જોન ટર્નરને ટી20 શ્રેણીમાં તક આપવામાં આવી છે. સ્ટોક્સની પસંદગી અંગે નેશનલ ચીફ સિલેક્ટર લ્યુક રાઈટે કહ્યું કે મને ખાતરી છે કે સ્ટોક્સની વાપસીથી તમામ ક્રિકેટ ચાહકો ખુશ થશે. તેમના આગમનથી અમારી ટીમને નેતૃત્વમાં પણ મજબૂતી મળશે.
સંપૂર્ણ ઇંગ્લેન્ડની ટીમ
ODI: જોસ બટલર, મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.
T20: જોસ બટલર, મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહેમદ, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જોશ ટોંગ, જોન ટર્નર, હેરી બ્રુક, બેન ડકેટ, લ્યુક વુડ, વિલ જેક્સ.