અંકલેશ્વર: (Ankleshwar) ફ્રાન્સથી (France) ભારતદર્શન માટે આવ્યા બાદ ગંગા (Ganga) કિનારે સાધુ-સંતો સાથે મુલાકાત બાદ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઇ ગયેલા જયરામદાજી ભરૂચના નિકોરા ગામે શ્રી માતા નિલાયમ આશ્રમમાં સ્થાયી થયા છે. નિકોરા ખાતે આવેલા શ્રી માતા નિલાયમ આશ્રમના સાધુ (Saint) જયરામદાસ ગત મે મહિનામાં ઋષિકેશ દર્શનાર્થે જવાના હોવાથી તેમણે અંકલેશ્વરના હેનિલ મડગુરી નામના શખ્સને ડ્રાઇવર તરીકે લઇ ગયા હતા.
- ફ્રાન્સના સાધુ સાથે ઉત્તરાખંડ ગયેલા અંકલેશ્વરના ડ્રાઇવરે ફોનમાંથી રૂ.60 હજાર ટ્રાન્સફર કરી લીધા
- અંકલેશ્વરના હેનિલ મડગુરી સામે ઋષિકેશ પોલીસમથકે ત્રણ માસથી ફરિયાદ નોંધાવવા છતાં કાર્યવાહી નહીં
ઉત્તરાખંડ ખાતે પહોંચ્યા બાદ તેમના ડ્રાઇવર હેનીલે રાત્રિના સમયે કોઇ રીતે તેમનો મોબાઇલ ચોરી કરી તેમાંથી કુલ 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઇ કરી ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે તેમણે ઋષિકેશ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ત્રણેક મહિનાથી ફરિયાદ કરી હોવા છતાં ઋષિકેશ પોલીસ દ્વારા હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
જેના પગલે સ્વામી જયરામદાસજીએ ઉત્તરાખંડ સીએમને પત્ર લખી ફરિયાદના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેની ફરિયાદ કરી છે. આ ઉપરાંત આ મામલામાં ભરૂચ પોલીસ દ્વારા પણ કોઇ મદદ મળે તેવા આશયથી ડીએસપીને પણ લેખિતમાં આવેદન આપવામાં આવ્યું છે. તમામ પુરાવા આપ્યા છે. છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી.
મંદિરની ચોરીનો ભેદ ઉકેલવામાં એસઓજી પોલીસને સફળતા
ભરૂચ: ભરૂચ પંથકમાં મંદિરમાં થતી ચોરીના અનડીટેકટ ગુના શોધવા SOG પોલીસ કામે વળગી હતી ત્યારે તાજેતરમાં ભરૂચની મંગલદીપ સોસાયટીમાં થયેલ મંદિરની અંદરની ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં SOG પોલીસને સફળતા મળી છે.
એકાદ અઠવાડિયા પહેલાં ભરૂચ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતા મંગલદીપ સોસાયટીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે ભરૂચ SOG પોલીસ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસના પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ તપાસ કરી રહી હતી તેવામાં મળેલ બાતમી મુજબ તપાસ કરતા આ ચોરીમાં સામેલ એવા આરોપી રાકેશ બચુભાઈ મેરા, મુળ.રહે.દાહોદ, હાલ રહે.શકિતનાથ, ગરનાળા પાસેથી અટક કરવામાં આવી હતી. આ આરોપી આ અગાઉ પણ એ.ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું જણાયુ છે. મંદિરમાંથી ગયેલ મુદ્દામાલની રીકવરી અંગે પણ પોલીસે કાર્યવાહી આરંભી છે.