નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી (Rajyasabha) સસ્પેંડ (Suspend) કરવામાં આવ્યું છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે સંજય સિંહની પણ મુશકેલીઓ વધી છે. સંજય સિંહના સસ્પેન્શનને વધારવામાં આવ્યું છે. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિની રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ AAPના બંને નેતા સાંસદની કાર્યવાહીમાં સામેલ થઇ શકતા નથી. જો કે રાઘવ પર રાજ્યસભામાં દુર્વ્યવહારનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ટિપ્પણી કરી હતી. તેમજ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાઘવ ચઢ્ઢા પર દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં બનાવટી હસ્તાક્ષર કરવાનો આરોપ છે. તેમણે આ પ્રસ્તાવમાં સસ્મિત પાત્રા, નરહરિ અમીન, થમ્બીદુરાઈ, સુધાંશુ ત્રિવેદી અને નાગાલેન્ડના રાજ્યસભા સાંસદ ફાંગનોન કોન્યાકના નામ સામેલ કર્યા હતા, જ્યારે તેમણે આમાંથી કેટલાક સાંસદોની સંમતિ લીધી ન હતી. ભાજપના કેટલાક સાંસદોએ કહ્યું કે રાઘવ ચઢ્ઢાએ તેમની સંમતિ કે સહી લીધા વિના આ પ્રસ્તાવ મોકલ્યો છે.
તેમજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે તેઓ વિશેષાધિકાર સમિતિ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ ભાજપની રણનીતિનો પર્દાફાશ કરશે, જે સંસદ સભ્ય તરીકે તેમની છબીને નુકસાન પહોંચાડી રહી છે. આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા સામેની કાર્યવાહીને કાવતરું ગણાવ્યું છે. AAPનું કહેવું છે કે ભાજપ યુવા અને અસરકારક સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ષડયંત્રના ભાગરૂપે આ ઝુંબેશ ચલાવી રહી છે, આ એક ઉભરતા યુવાન, નીડર અને ગતિશીલ સંસદસભ્ય સામેના પાયાવિહોણા આરોપો છે અને તેની પ્રતિષ્ઠાને બગાડવાનો સુનિયોજિત પ્રચાર છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધીર રંજનને જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ તેમની વિરુદ્ધ પોતાનો રિપોર્ટ રજૂ ન કરે ત્યાં સુધી તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાંથી સસ્પેન્ડ થયા બાદ અધીર રંજને એ જ ટીપ્પણીનું પુનરાવર્તન કર્યું જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે મારો ઈરાદો પીએમનો અનાદર કરવાનો નહોતો. મેં ધૃતરાષ્ટ્ર-દ્રૌપદીનું ઉદાહરણ આપ્યું હતું.