સુરત : આંતરિક જુથબંધીમાં ભાજપમાં ચાલી રહેલા પત્રિકાકાંડનો વિવાદ ધીરેધીરે ઉગ્ર બની રહ્યો છે. આ પત્રિકાકાંડમાં ભાજપના જ પાંચ પૂર્વ મંત્રીઓની સામેલગીરીની વાતો બહાર આવ્યા બાદ ગુરુવારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા સહકારી ક્ષેત્રમાં (CoOperative Sactor) મોટું માથું મનાતા ભાજપના આગેવાન અને સુમુલ ડેરીના (Sumul Dairy) વાઈસ ચેરમેન રાજુ પાઠકની (Raju Pathak) સઘન પુછપરછ કરવામાં આવી હતી.
- ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓની બેઠકમાં પણ રાજુ પાઠક હાજર રહ્યા હોવાની રાકેશ સોલંકીએ કબૂલાત કરી હતી
- ગણપત વસાવા, રાકેશ સોલંકી એક જ તાલુકાના હોવાથી વાતો કર્યાનો રાજુ પાઠકનો ખુલાસો, બેઠકમાં હાજર રહ્યાનો ઈન્કાર
રાજુ પાઠક દ્વારા આ કાંડમાં પકડાયેલા રાકેશ સોલંકી (Rakesh Solanki) અને તેમના ગોડફાધર પૂર્વ મંત્રી ગણપત વસાવાની (Ganpat Vasava) સાથે કલાકો સુધી વાતો કરી હોવાની કોલ ડિટેઈલ્સ ક્રાઈમ બ્રાંચને મળ્યા હતા. ક્રાઈમ બ્રાંચે કલાકો સુધી રાજુ પાઠકની પુછપરછ કર્યા બાદ તેમને જવા દીધા હતા પરંતુ રાજુ પાઠકની કરાયેલી પુછપરછનો મામલો રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CRPatil) અને મંત્રીઓ તેમજ ધારાસભ્યો (MLA) પર ભ્રષ્ટાચારના (Corruption) આક્ષેપો કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરતી પત્રિકા તેમજ પેનડ્રાઈવ ભાજપના જ આગેવાનોને મોકલવાના પત્રિકાકાંડનો વિવાદ આગળ જ વધી રહ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાંચે (SuratCrimeBranch) કરેલી પુછપરછમાં પત્રિકાકાંડમાં (PatrikaScam) પકડાયેલા રાકેશ સોલંકીએ એવી વિગતો આપી હતી કે ગાંધીનગરમાં એમએલએ ક્વાટર્સમાં પૂર્વ મંત્રીઓની બેઠકમાં સુમુલ ડેરીના (SumulDairy) વાઈસ ચેરમેન અને ભાજપના (BJP) આગેવાનો રાજુ પાઠક પણ હાજર હતા.
આ ઉપરાંત રાકેશ સોલંકી તેમજ પૂર્વ મંત્રી ગણપત વસાવાની કોલ ડિટેઈલ્સમાં પણ રાજુ પાઠકે તેમની સાથે કલાકો સુધી વાતો કરી હોવાના પુરાવા ક્રાઈમ બ્રાંચને મળ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુરુવારે વેસુ ખાતેના નિવાસસ્થાનેથી રાજુ પાઠકને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
રાજુ પાઠકે પોલીસને એવો ખુલાસો કર્યો હતો કે, ગણપત વસાવા, રાકેશ સોલંકી અને પોતે એક જ તાલુકાના છે. એકબીજા સાથે સારો ઘરોબો પણ છે. જેથી અનેક મુદ્દે તેમની ગણપત વસાવા અને રાકેશ સોલંકી સાથે લાંબી વાતો થતી રહે છે. જ્યારે ગાંધીનગરમાં એમએલએ ક્વાટર્સમાં થયેલી બેઠક અંગે રાજુ પાઠકે કહ્યું હતું કે, પોતે આ બેઠકમાં હાજર નહોતા. રાજુ પાઠકે પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, મારા અંગત સંબંધો હોવાથી તેમની સાથે થયેલી વાત અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા પુછવામાં આવ્યું હતું.
સીઆર પાટીલ વિરોધી જુથના આગેવાનો દ્વારા દિલ્હી પહોંચી હાઈકમાન્ડને આક્ષેપોની પણ તપાસ કરાવવા રજૂઆત કરાયાની ચર્ચા
સુરત: સીઆર પાટીલ સહિતના આગેવાનોને બદનામ કરવાના પ્રયાસમાં વહેતી કરવામાં આવેલી પત્રિકાકાંડમાં નવી દિલ્હીમાં ભાજપના પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા કેટલાક સાંસદો પણ પીએમ નરેન્દ્ર મોદીને (PMModi) મળ્યા હતા. કહે છે કે કેટલાક આગેવાનો દ્વારા પુરાવા સાથે મોદીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ભાજપના ટોચના નેતાઓ દ્વારા ખરીદવામાં આવેલી જમીનોની સાથે ગેરરિતીના આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવે. પીએમ મોદીએ ગુજરાતની રાજકીય સ્થિતિની માહિતી મેળવી હતી.
પીએમ મોદીએ આ મામલે સાંસદોને કેટલીક સૂચનાઓ પણ આપી હોવાનું મનાય છે. જયારે અમિત શાહ અમદાવાદ તથા કચ્છની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે સરકાર તથા સંગઠનના સિનિયર અગ્રણીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. તે પછી સંબંધિતોને માપમાં રહેવાની સૂચના આપી દે તેવી પણ સંભાવના રહેલી છે. હજુયે પત્રિકા કાંડમાં મોટા માથાઓની વિકેટ પડી જાય તેવી સંભાવના છે.
પાર્ટીની થઈ રહેલી બદનામીથી હાઈકમાન્ડ નારાજ, અમિત શાહ શનિવારથી ડેમેજ કંટ્રોલ કરે તેવી સંભાવના
ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ હવે શનિવારથી બે દિવસ માટે અમદાવાદ આવી રહ્યાં છે , જેના પગલે પત્રિકા કાંડમાં રાજકીય ધ્રુજારો આવી શકે છે. શાહ ભાજપના સિનિયર કારભારીઓને ઠપકો આપે તેવી સંભાવના છે. પાટીલ સામે પત્રિકા કાંડ તથા તેના પછી ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે, તેના પડઘા પણ હજુએ પડી રહ્યાં છે. મીડિયામાં જે રીતે પાર્ટીની બદનામી થઈ રહી છે તેનાથી પણ ભાજપ હાઈકમાન્ડ નારાજ હોવાનું મનાય છે. એટલે હાલ પુરતું વધુ બદનામી ના થાય તે પ્રકારે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવશે.
હાઇકમાન્ડને પેનડ્રાઇવ પહોંચાડનારને જેલમાં પૂરવાને બદલે તેમાં કરાયેલા આક્ષેપોની તપાસ થવી જોઇએ : કોંગ્રેસના મોઢવડિયા
અમદાવાદ : અર્જુન મોઢવાડિયાએ ગુરુવારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના આગેવાનોના ભ્રષ્ટાચાર અંગે પત્રિકાકાંડ- પેન ડ્રાઈવ હાઇકમાન્ડને પહોંચાડનાર સામે ગુનો નોંધી જેલમાં પૂરવાને બદલે પત્રિકામાં કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
ભાજપના મોટા આગેવાનો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી પત્રિકાની ઘટનામાં તો પત્રિકા કોને છાપી? તેની પાછળ ભાજપના કયા નેતાનો હાથ છે? સહિતની તપાસમાં સીધા જ ત્રાસવાદ અને સંગઠીત અને ગંભીર ગુનાની તપાસ માટે જ કામગીરી કરતી ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ મેદાનમાં આવી ગયા છે.
ગુજરાત પોલીસના અધિકારીઓ સહિતના પગાર જનતાના ટેક્સમાંથી ચૂકવાય છે અને આ અધિકારીઓ ભાજપ કે તેના આગેવાનોની સૂચના પ્રમાણે નહીં પરંતુ ભારતના બંધારણ અને કાયદા મુજબ કામગીરી કરવાની છે. પરંતુ છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારની સૂચનાથી વિરોધીઓને, વેપારીઓને, જમીનના વ્યવસાય સાથે સંકળાયેલાને કે પછી વિશેષ રીતે હેરાન કરવા માટે પોલીસ પંકાયેલી હતી પણ હવે તો ભાજપનો ભ્રષ્ટાચાર, જુથબંધી, ભાગબટાઈમાં એટલા બધા કામો અને નામો વધી ગયા કે ભાજપના જ નેતાઓ તેમના જ પક્ષના લોકો માટે હિસાબ ચુકતો કરવા અને મોં બંધ કરાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીધી સુચના આપે છે. જેની પોલીસ પણ અમલવારી કરી રહી છે. જેનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ આવવુ જરૂરી છે. હકીકતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોય તો ઉચ્ચ કક્ષાએ થી તરફથી તપાસ કરાવીને ભાજપનો ભ્રષ્ટાચાર બહાર લાવવો જોઈએ.