Sports

વર્લ્ડ કપ 2023 પહેલા ઈડન ગાર્ડનના ડ્રેસિંગ રૂમમાં આગ, ખેલાડીઓનો સામાન બળીને ખાખ

કોલકાતા: ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની (World cup) ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં (Eden Garden) યોજાવાની છે. ત્યારે હવે વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર આગ લગભગ બુધવારે 11.50 વાગ્યે લાગી હતી. જે બાદ ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ (Fire) ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન બુધવારે મોડી રાત્રે ઈડન ગાર્ડનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી હતી. ત્યાં કામ કરી રહેલા લોકોએ પહેલા આગ જોઈ હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણકારી મુજબ આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સિલિંગમાં લાગી હતી જ્યાં ક્રિકેટરોનો સમાન રાખવામાં આવ્યા હતો. આ ઘટનામાં કંઈક ખાસ વધારે નુકશાન ન થયું હતું પરંતુ ત્યાં હાજર ખેલાડીઓનો સામાન બળી ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ કપ માત્ર 2 મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપની ઈડન ગાર્ડનમાં 5 મહત્વની મેચો રમાવાની છે, તેથી હવે રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઈડનનું નવીનીકરણ 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરમિયાન ICC પ્રતિનિધિઓએ કામની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ પહેલા આગની ઘટનાએ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)નું ટેન્શન પણ વધારી દીધું છે. વાસ્તવમાં CAB વર્લ્ડ કપ પહેલા મેનેજમેન્ટમાં કોઈ ભૂલ કરવા માંગતું નથી. રાત્રે આગ લાગવાના સમાચાર મળતા જ જોઈન્ટ સેક્રેટરી દેવબ્રત દાસ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે.

આ વર્લ્ડ કપની મેચો ઈડન ગાર્ડન્સમાં યોજાવાની છે

  • નેધરલેન્ડ vs બાંગ્લાદેશ 31 ઓક્ટોબર
  • પાકિસ્તાન vs બાંગ્લાદેશ 5 નવેમ્બર
  • ભારત vs દક્ષિણ આફ્રિકા 11 નવેમ્બર
  • ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન 16 નવેમ્બર
  • સેમિફાઇનલ 2

Most Popular

To Top