ભારત પાસે ભૂતકાળનો ભવ્ય વારસો પડ્યો છે, પણ ભારતની પ્રજા અને ખાસ કરીને સરકાર પ્રાચીન વારસાની જાળવણી બાબતમાં ઉદાસીન છે. પુરાતત્ત્વ ખાતાના સંરક્ષણ હેઠળની ઘણી જગ્યાઓ લુપ્ત થવાના આરે છે. આવો કિસ્સો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની નજીક આવેલાં સૌથી મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીય સ્થળોમાંના એક શિશુપાલગઢનો છે. ઇસવી સન પૂર્વે ત્રીજા સૈકામાં થઈ ગયેલા કલિંગ સમ્રાટ ખારવેલના કાળમાં આ નગરી જીવંત હતી. તક્ષશિલા, નાલંદા અને વિક્રમશીલાની બરાબરી કરે તેવી આ ૨,૫૦૦ વર્ષ પુરાણી નગરીની આજુબાજુ ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તેને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે, પણ તેના યોગ્ય સીમાંકનના અભાવે લેન્ડ માફિયાઓની પ્રવૃત્તિઓએ સ્થળની અખંડિતતાને નુકસાન પહોંચાડ્યું છે.
ઘણાં લોકો માને છે કે શિશુપાલગઢનું નામ કેસરી વંશના રાજા શિશુપાલના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે મહાભારતમાં કૃષ્ણ મહારાજા દ્વારા માર્યા ગયા હતા; પરંતુ આ દાવાને કોઈ આધાર નથી કારણ કે ખોદકામ દરમિયાન મહાભારત અથવા કેસરી વંશ સાથે સંબંધિત કોઈ પણ અવશેષો મળ્યા નથી. જો કે આ સ્થળથી આશરે ૮ કિલોમીટર દૂર ઉદયગિરિ અને ખંડગિરિ ખાતેના જૈન સમ્રાટ ખારવેલના પ્રસિદ્ધ હાથીગુફા શિલાલેખમાં કલિંગનગરી શહેરનો ઉલ્લેખ છે, જેનું પ્રાચીન નામ શિશુપાલગઢ હોઈ શકે છે. ઘણા વિદ્વાનો મગધના રાજા અશોકના ધૌલી અને જૂનાગઢ શિલાલેખોમાં ઉલ્લેખિત તોસાલી નગરી સાથે પણ આ શહેરની સરખામણી કરે છે.
ચોરસ આકારની દિવાલવાળા શહેરના અવશેષો ભુવનેશ્વરથી પાંચ કિલોમીટર દૂર શિશુપાલ નામના ગામમાં સ્થિત છે. આ પ્રાચીન શહેરમાં આઠ પ્રવેશદ્વારો હતાં, જેમાં પ્રત્યેક દિશામાં બે પ્રવેશદ્વારો હતાં અને મુખ્ય દિશાઓ સાથે સીધી લીટીમાં હતાં. આ નગરની આજુબાજુનો કિલ્લો દરેક બાજુએ ૧.૧ કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જે પાયામાં ૩૩ મીટર પહોળો છે અને ૯ મીટરની ઊંચાઈ ધરાવે છે.
શિશુપાલગઢની પ્રાચીનતા શોધી કાઢવા અને તેની ઓળખના પુરાવા શોધવા માટે આ સ્થળનું પ્રથમ વખત ૧૯૪૮માં વરિષ્ઠ પુરાતત્ત્વવિદ્ બી.બી. લાલ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ આઝાદી પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલું પ્રથમ મહત્ત્વનું પુરાતત્ત્વીય કાર્ય હતું. તે સમયે ખોદકામનો ઉદ્દેશ ઇસવી સન પૂર્વેની ત્રીજી સહસ્રાબ્દી વખતની હડપ્પન સંસ્કૃતિ અને ઇસવી સન પૂર્વેની છઠ્ઠી સદીના પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા વચ્ચેનો શૂન્યાવકાશ દૂર કરવાનો હતો. આ ખોદકામથી સ્થળની વિશાળતા અને પ્રાચીનતાને સમજવામાં મદદ મળી હતી. બી.બી. લાલે સૂચવ્યું હતું કે ઇસવી સન પૂર્વેની ત્રીજી સદીમાં બંધાયેલા શહેરનું નિર્માણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ કરવામાં આવ્યું હતું. આ ધારણા આધુનિક ટેક્નોલોજીની મદદથી બી.બી. લાલના ખોદકામના દાયકાઓ પછી સાચી સાબિત થઈ હતી.
૨,૦૦૦ના દાયકાની શરૂઆતમાં પુરાતત્ત્વવિદો મોનિકા એલ. સ્મિથ અને પુણેની ડેક્કન કોલેજના રવીન્દ્ર કે. મોહંતી દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ ત્રણ વર્ષ માટે તેઓએ વ્યવસ્થિત સર્વે હાથ ધર્યો હતો. તેમના વૈજ્ઞાનિક સર્વેમાં શિશુપાલગઢની અંદર ગ્રીડ પેટર્ન બનાવતા આઠ પ્રવેશદ્વારોમાંથી આવતી લાંબી શેરીઓની હાજરી જોવામાં આવી હતી. આ શોધ ઉપર જણાવેલા બી.બી. લાલના દાવાને સમર્થન આપે છે. એક વ્યાપક સર્વેક્ષણ બાદ થયેલા ખોદકામમાં ૫ થી ૬.૫ મીટર જાડા ઇંટના થરો ઇસુ પૂર્વેની પહેલી સહસ્રાબ્દીથી ઇસુની ચોથી કે પાંચમી સદી સુધી બનાવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે શહેરને ઘેરી લેતો કિલ્લો ઇસુ પૂર્વેની પાંચમી સદીની શરૂઆતમાં બાંધવામાં આવ્યો હતો. મૂળ કિલ્લો સમયાંતરે એ જ રહ્યો, પરંતુ તેના પ્રવેશદ્વારો વારંવાર ફરીથી બનાવવામાં આવ્યા હતા. એવું સૂચવવામાં આવ્યું હતું કે કિલ્લાની નજીકથી વહેતી નદી પાણીનો મુખ્ય સ્રોત હતો અને તે શહેરને ઘેરીને વહેતી હતી ત્યારે શહેરની અંદર જળાશયો અને કૂવાઓ પણ બનાવવામાં આવ્યા હતા. ખોદકામોએ સૂચવ્યું હતું કે શહેર માત્ર ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા ઉમરાવો અને શ્રીમંતો માટે જ નહોતું, પરંતુ તે ૨૫,૦૦૦ થી વધુ લોકોનું ઘર હતું. તેમાં બજારો, જળાશયો વગેરે બધું જ હતું. સરેરાશ ઘર ૭.૫x૧૦ મીટરનું હતું અને તેમાં ટાઇલ્સવાળી છત હતી. ખોદકામ દરમિયાન સ્થળ પર મોટી માત્રામાં કચરાપેટીઓ મળી આવી હતી, જે સૂચવતી હતી કે ત્યાં કચરાના નિકાલની પણ વ્યવસ્થા હતી. એવા પુરાવા છે કે આજુબાજુના વિસ્તારોમાં ઉત્પાદન થયું હતું, જે કાચા માલનો સ્રોત હતા.
શિશુપાલગઢની સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાપત્ય વિશેષતા એ કેન્દ્રીય જગ્યા છે, જેમાં ૧૬ ઊભા પથ્થરના સ્થંભો છે, જેને સ્થાનિક પ્રજા સોલકુંબા તરીકે ઓળખે છે. ઉત્ખનકોના મતે આ સ્થંભોનો ઉપયોગ કરીને જાહેર મેળાવડા માટેના મોટા સભાગૃહોનું નિર્માણ કરવામાં આવ્યું હશે. જે સ્થપતિઓ દ્વારા કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમના જ દ્વારા આ સ્થંભોનું પણ નિર્માણ કરવામાં આવ્યું હશે તેમ સમજાય છે. ૧૯૪૦ના દાયકામાં આ ૧૬માંથી ફક્ત ૧૪ સ્થંભો જ દેખાતા હતા. પૂર્વ બાજુએ એક ચોરસ રચનામાં ચાર થાંભલાઓના ઝૂમખા સાથે દસ થાંભલાઓની સીધી લીટીમાં ગોઠવણી કરવામાં આવી હતી અને તેને અડીને આવેલા ટેકરા પર ચાર વધારાના થાંભલા ગોઠવાયેલા હતા.
૨૦૦૮-૦૯માં થાંભલાના વિસ્તારના ખોદકામથી જાણવા મળ્યું હતું કે સોલકુંબા વિસ્તારના ૧૦૦ મીટરના ટેકરામાં અસંખ્ય અન્ય તૂટેલા થાંભલાઓ હતા, જ્યાં એક સફેદ રેતીના પથ્થરની ચંદ્રશિલા પણ મળી આવી હતી. થાંભલાના ટેકરા પરના ખોદકામથી ઘણી રચનાઓ મળી આવી હતી. થાંભલાને અડીને એક લંબચોરસ માળખું તરત જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં નિયમિત રીતે કાપવામાં આવેલા લેટેરાઇટ બ્લોક્સના સાત સ્તરો હતા. તે સંન્યાસીઓના રહેવા માટેનો આશ્રમ હોય તે પણ શક્ય છે. સોલકુંબા વિસ્તારમાં એકમાત્ર રેડિયોકાર્બન પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં ઇસુની પૂર્વેની બીજી સદીની રચનાઓ જોવા મળી હતી.
કોઈ પણ નિષ્ણાત આ ખોદકામના સ્તરની કલ્પના કરી શકે છે, જેણે ઘરથી લઈને બજાર, ઉત્પાદન કેન્દ્રો અને ધાર્મિક વિધિઓ અને જાહેર મેળાવડા માટેનાં સ્થળો સુધી જીવનનાં દરેક પાસાંને ઉજાગર કર્યું છે. મગધમાં પાટલિપુત્ર, વ્રજમાં મથુરા અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં તક્ષશિલા જેવાં મુખ્ય શહેરી કેન્દ્રોના ઉદય સાથે ભારતના પૂર્વ કિનારે આવેલું શિશુપાલગઢ એક મુખ્ય રાજકીય અને આર્થિક કેન્દ્ર હતું.
આજે પાટલિપુત્ર જેવાં શહેરોના પુરાવાઓ ફક્ત પ્રાચીન કાળમાં ભારતની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓના રેકોર્ડમાં જ જોવા મળે છે; કારણ કે મોટા ભાગના પુરાતત્ત્વીય અવશેષો કાં તો પુનઃ જમીનમાં દટાઈ ગયા છે અથવા તો પાતળી હવામાં અદ્રશ્ય થઈ ગયા છે. આવી જ સ્થિતિ અન્ય ઘણાં પુરાતત્ત્વીય સ્થળોની છે. પુરાતત્ત્વ સંરક્ષણ ધારો, ૨૦૧૦ પુરાતત્ત્વીય અવશેષોને સુરક્ષિત રાખવા માટેનાં સાધનો પૂરાં પાડે છે. આ કાયદો આપણા પ્રાચીન વારસાનું જતન કરવામાં નિષ્ફળ ગયો છે. શિશુપાલગઢની સુરક્ષા માટે આજથી ૧૪ વર્ષ પહેલાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી; તેમ છતાં ભારત સરકારનું પુરાતત્ત્વ ખાતું તેની જાળવણી કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે.