ડાકોર: યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં 20 વર્ષથી બોડાણા સર્કલ સામે આવેલી ધરોડની સફાઈ કરવામાં આવી ન હોવાથી તેમાં ગંદા પાણીનો ભરાવો તેમજ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેની સીધી અસર ધરોડ નજીક આવેલ પોલીસલાઈન સહિત કુલ પાંચ સોસાયટીના 250 પરિવારોમાં જોવા મળે છે. આ તમામ પરિવારોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉભી થઈ છે. ડાકોર નગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ નગરમાં કોઈપણ પ્રકારની પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવી ન હોવાથી બોડાણા સ્ટેચ્યુ સામેની ધરોડમાં ગંદા પાણીનો ભરાવો થઈ ગયો છે તેમજ પુષ્કળ પ્રમાણમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે.
વરસાદના વિરામ બાદ આ ધરોડ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે બોડાણા પાર્ક, ભગતજીન વિસ્તાર, રબારીવાસ, જોષીની કોલોની વિસ્તાર તેમજ પોલીસ લાઈનમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે. જેને પગલે આ વિસ્તારોમાં રહેતાં 250 જેટલાં પરિવારોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે, સ્થાનિકોના આરોગ્યને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સત્વરે ધરોડમાંની ગંદકી અને જંગલી વનસ્પતિની યુધ્ધના ધોરણે સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે. તેમછતાં તંત્ર દ્વારા જો વહેલીતકે ધરોડની સફાઇની કામગીરી કરવામાં નહીં આવે તો, ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી, ડાકોર નગરપાલિકાનો ધેરાવ કરવાની ચીમકી બોડાણા પાર્ક, ભગતજીન વિસ્તાર, રબારીવાસ, જોષીની કોલોની વિસ્તાર તેમજ પોલીસ લાઈનના રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.