ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ પાટોત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઠાકોરજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં. જેને પગલે નગર આખું રણછોડમય બન્યું હતું. દિવસ દરમિયાન અંદાજે બે લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં અધિક માસ દરમિયાન સમગ્ર વર્ષમાં આવતાં તમામ ઉત્સવોનો મનોરથ ઉજવવાની પરંપરા છે. જે મુજબ હાલ, અધિક શ્રાવણ મહિના દરમિયાન મંદિરમાં દરરોજ અલગ-અલગ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે, રવિવારે અધિક શ્રાવણ વદ પાંચમના દિવસે મંદિરમાં પાટોત્સવ મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં નિત્યક્રમાનુસાર વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ હતી. તે વખતે મંદિરમાં શ્રધ્ધાળુઓના ભારે ઘસારો જોવા મળ્યો હતો. જાણે કે પુનમ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મંગળા આરતી બાદ પંચામૃત કેસર સ્નાન કરી ઠાકોરજીને શંખ, ચક્ર, પદ્મ, ગદા સહિત ચતુર્ભુજ સ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવ મનોરથ નિમિત્તે ઠાકોરજીને વિશેષ મહાભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. સાંજના સમયે મંદિરમાં રોશની મનોરથની પણ ઉજવણી કરવામાં આવી હતી. બંને દીપમાળ સહિત મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીથી લઈ સાંજે મંદિર બંધ થતાં સુધી શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો.