આજના યુવા વર્ગને શેનું ઘેલું લાગ્યું છે કે તેઓ ભારતીય પરંપરા મુજબના રીત રિવાજોને ન અપનાવતાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. આપણા સમાજમાં રહેતાં અમુક લોકો પોતે આધુનિક વિચારસરણી ધરાવતાં થઇ ગયાં છે અને એટલે જ આપણે ત્યાં છેલ્લા થોડાક સમયથી લિવ ઇન રીલેશનશિપનો પ્રસાર વ્યાપક અંશે વધી ગયો છે. પોતે લગ્નના બંધનમાં બંધાવા માંગતા ન હોવાથી તેઓ પ્રેમ એ બંધન નથી, મુકિત છે એવું માને છે. આવાં લોકો પાસે ઘણી જ ધારદાર દલીલો હોય છે. જેમકે અમારો પ્રેમ જ અમને એક બીજા સાથે બાંધી રાખે છે. અમારા પ્રેમને લગ્નરૂપી ટેકાની બિલકુલ જરૂર નથી. તેઓ એક ઘરમાં એકબીજા સાથે રહેવાનું શરૂ તો કરે છે પણ ધીમે ધીમે એમની સ્વતંત્રતા છીનવાતી હોય એમ લાગવા માંડે છે. લિવ ઇન લગ્ન કરતાં પણ ભયંકર છે. લિવ ઇન એક પ્રકારની સ્વતંત્રતા ભલે લાગતી હોય, પણ ડીગ્નીટી વિનાની સ્વતંત્રતા નકામી છે. લિવ-ઇન રીલેશનશિપ એક પ્રકારનું આધુનિક સમાજનું આધુનિક દૂષણ છે. વર્ષોથી ચાલતી આવેલી લગ્નની પરંપરા શું યોગ્ય નથી? કે આ રીત આપણે અપનાવવી પડે? આપણા ભારતીય સંસ્કારો, આપણી રૂઢિગત રીત રિવાજ છે તેને જ આપણે અપનાવીને એ પ્રમાણે જ જીવન જીવાવું જોઇએ અને એમાં જ આપણા ભારતીય હિંદુત્વના સંસ્કારો રહેલા છે.
સુરત – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જય જવાન જય કિસાન
સ્વાતંત્ર્ય પર્વ નજીક આવી રહ્યું છે. જે માટે આપણે વીર જવાનોને તો સલામી આપીએ જ છીએ. પણ અહીં કિસાનોને પણ યાદ કરવા ઘટે. ભારત ખેતીપ્રધાન દેશ છે. એ તો જગ જાહેર વાત છે. પણ આપણે દેશના થોડા ભૂતકાળમાં જઈશું તો તે સમયે એટલે કે દેશ આઝાદ થયો તે પહેલાં ભારત સ્વનિર્ભર ન હતું. અંગ્રેજોએ જે રીતે દેશની પાયમાલી કરી હતી તેના છાંટા રૂપે દેશને વરસો સુધી હાલાકી ભોગવવી પડી હતી, જેમાં એક ભાગરૂપે પ્રથમ તો અનાજની અછત ઊભી થઈ હતી. તે સમયમાં ચોખા તો લગભગ અદૃશ્ય જ થઈ ગયા હતા.
માંગલિક પ્રસંગોમાં પણ ચોખાની અવેજીમાં ‘કોદરી’ નામના ધાનનો ઉપયોગ થતો હતો. રેશનીંગની લાઈનમાં પણ ગણતરીના માપ પ્રમાણે અનાજ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. તે સમયમાં તત્કાલિન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આ મુદ્દાની ગંભીરતા લઈ પ્રથમ તેમણે ‘જય જવાન- જય કિસાન’નો ક્રાન્તિકારી નારો આપી ખેડૂતો તથા જવાનોને પ્રોત્સાહિત કર્યા. દર સોમવારે એક જ સમયે ભોજન લેવું મતલબ એક ટાણાનો ઉપવાસ કરવો એવો સંકલ્પ આપ્યો તથા આ સંદેશનું પાલન શાસ્ત્રીજી તથા તેમનાં ધર્મપત્ની ચુસ્તપણે પાળતા. તેમનું જોઈ દેશવાસીઓ પણ તેમનું અનુકરણ કરતા. આ રીતે ઘણું અનાજની બચત કરતા. કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા વડવાઓએ આ રીતે કણ કણની બચત કરી દેશને સધ્ધર બનાવ્યો, જેના પરથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ કે બુફે જેવી નવી પ્રણાલીઓ દ્વારા અન્નનો બગાડ તો ન જ થવો જોઈએ.
સુરત – રેખા પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.