તીસ્તા સેતલવડની ધરપકડ અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલ આદેશને અવગણીને સુપ્રીમના ન્યાયાધીશ ચંદ્રચૂડ અને અન્યોએ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોતાં અટકાવીને બે ન્યાયાધીશની બેંચની રચના કરી, તેમના બંનેના મતો અલગ પડતા. મુખ્ય ન્યાયાધીશે તરત જ બીજા ત્રણ ન્યાયાધીશોની બેંચ બનાવી. રાત્રે નવ વાગ્યે સુનાવણી કરી તીસ્તા સેતલવડને વચગાળાના જામીન આપ્યાનો આખો ઘટનાક્રમ અસ્વસ્થ કરે તેવો છે. તીસ્તા જામીનને પાત્ર છે કે કેમ તે અદાલતે નક્કી કરવાનું છે. પ્રશ્ન સુપ્રીમ કોર્ટના અભિગમનો છે.
હત્યા, બળાત્કાર અને આતંકવાદના હજારો કેસો નાની મોટી અદાલતોમાં વર્ષો સુધી અટવાયા કરે છે ત્યારે એક નામચીન આરોપીને જામીન અપાવવા મોટી સુપ્રીમ કોર્ટ આટલી હદે જાય તે આશ્ચર્યની અને દુ:ખની વાત છે. તીસ્તાને કંઇ ફાંસી નહોતી આપવાની. તેની જામીન અરજીની સુનાવણી અન્ય કેસોની જેમ રાબેતા મુજબ કરાઇ હોત તો કયું આભ તૂટી પડવાનું હતું? જસ્ટીસ બોપન્નાએ સવાલ કર્યો કે તીસ્તાને શરણે લાવવાની ગુજરાત હાઇકોર્ટને આટલી ઉતાવળ કેમ હતી? આવો જ પ્રશ્ન સુપ્રીમ કોર્ટને પણ કરી શકાય એમ છે.
જો આ જ ત્રણ ન્યાયાધીશોની બેંચ જામીન અરજીનો આખરી ચુકાદો આપવાની હોય તો ચુકાદા વિષે કોઇ સાચું ખોટું અનુમાન કરવાની જરૂર નથી. તીસ્તા સેતલવડ પાછળ જે સંસ્થાઓ, સંગઠનો અને ઇકો સીસ્ટમ છે તેમની પહોંચ કયાં સુધી છે તે આપણે આ કેસ પરથી જોઇ શકીએ છીએ. તીસ્તા પર આરોપ છે કે ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીનાં તોફાનોમાં મુખ્યમંત્રી મોદી અને અન્ય નિર્દોષ વ્યકિતઓને સંડોવી દેવા અને રાજયની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે તેણે ખોટા પુરાવાઓ ઊભા કર્યા હતા.
બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા, સાક્ષીઓને ભણાવ્યા હતા અને ગુજરાતને બદનામ કરવા સમગ્ર વ્યવસ્થાને પ્રભાવિત કરવાના પ્રયાસો વિદેશી અને દેશી એનજીઓ પાસેથી પૈસા લઇ કર્યા હતા. વિવાદનો ચરુ કોઇ પણ રીતે કાયમ ઉકળતો રહે તે માટે તેણે અદાલતનો દુરુપયોગ કર્યો હતો. ન્યાયતંત્ર પોતાનો દુરુપયોગ થઇ રહ્યો છે તેમ જાણતા હોવા છતાં થવા દીધો તે દુ:ખદ છે. મુદ્દો એક વ્યકિતને જામીન આપવાનો નથી. પણ ન્યાયતંત્રમાં જે ઝડપ, સવલત અને સોફટ કોર્નર હજારો આરોપીઓને નથી મળતી તે તીસ્તા સેતલવડ, યાકુબ મેમણ, અફઝલગુરૂ, અજમલ કસાબ વગેરેને મળે ત્યારે અદાલતના વલણ પ્રત્યે લોકોને શંકા જાગે છે.
બારડોલી – ચેતના દરજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.