અમેરિકામાં કોરોના વાયરસના રોગચાળા પછી અર્થતંત્ર હજી પણ સંપૂર્ણપણે પાટે ચડી શકતું નથી અને ત્યાં અનેક ધંધાઓ હજી પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એમ ત્યાંના ઘટનાક્રમો પરથી જણાય છે. ત્યાં કોરોનાવાયસરજન્ય કોવિડ-૧૯ના રોગચાળા પછી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ હતી અને અનેક કંપનીઓ અને જૂની પેઢીઓને તાળા દેવાઇ ગયા હતા. હાલ કેટલાક સમય પહેલા ત્યાંની કેટલીક બેન્કો પડી ભાંગી અને તેના પછી હવે હાલમાં એક મોટી અને ખૂબ જૂની એવી એક ટ્રાન્સપોર્ટ કે ટ્રેકિંગ કંપની બંધ થઇ ગઇ છે. અમેરિકાની યલો નામની મહાકાય ટુકિંગ કંપનીએ અચાનક તેનું કામકાજ બંધ કરી દીધું છે અને પરિણામે ત્રીસ હજાર જેટલા તેના કામદારો નોકરી ગુમાવી બેઠા છે.
નેશવિલે સ્થિત આ કંપની દેવા સામે ઝઝૂમી રહી હતી અને કામદાર મંડળો સાથેના વિવાદો પણ તેને સર્જાયા હતા એમ જાણવા મળે છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં આવક અને નોકરીઓની રીતે જોવા જઇએ તો આ કોઇ ધંધાનું સૌથી મોટું પતન છે. યલો ટ્રકિંગ કંપની એ અમેરિકાની લગભગ ૧૦૦ વર્ષ જૂની કંપની હતી અને અમેરિકાભરમાં માલસામાનની હેરફેર કરતી હતી. વોલમાર્ટ અને હોમ ડેપો જેવી મોટી કંપનીઓના માલસામાનની પણ તે હેરાફેરી કરતી હતી અને તેની પાસે ૧૨૦૦૦ જેટલી ટ્રકો હતી.
આ કંપનીને કોવિડના રોગચાળામાં મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એમ કહેવાય છે અને તેને વર્ષ ૨૦૨૦માં અમેરિકા સરકારનું ૭૦૦ મિલિયન ડોલરનું ફેડરલ કોવિડ રાહત ફંડ પણ મળ્યું હતું. જો કે તાજેતરના વર્ષોમાં તે દેવાના ભાર હેઠળ દબાઇ ગઇ હતી અને ટીમસ્ટર્સ યુનિયન નામના કામદાર મંડળ સાથે તેને ઘણો સંઘર્ષ સર્જાયો હતો. યલો કંપનીના કામદારો આ યુનિયનના સભ્યો છે. રવિવારે સવારે આ કંપનીએ પોતાના ગ્રાહકો અને કર્મચારીઓને નોટિસો મોકલી હતી અને જણાવ્યું હતું કે તે બપોરથી પોતાની તમામ કામગીરી બંધ કરી રહી છે.
આ કંપનીના નોન યુનિયન એવા સેંકડો કામદારોને શુક્રવારે જ છૂટા કરી દેવાયા હતા અને ટીમસ્ટર્સના સભ્ય એવા ૨૨૦૦૦ કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ લટકી રહ્યું છે. યલો એ અમેરિકાની ત્રીજી સૌથી મોટી પરિવહન કંપની છે. ગયા વર્ષે તેને ૫.૨ અબજ ડોલરની આવક થઇ હતી. જો કે તે ૫૦ મિલિયન ડોલરના કર્મચારી લાભો આપવામાં નિષ્ફળ જતા ટીમસ્ટર યુનિયનના સભ્ય એવા તેના ડ્રાઇવરો ગયા સપ્તાહે હડતાળ પાડવા પર ઉતરી આવ્યા હતા. જો કે સહેજમાં હડતાળ પડતા રહી ગઇ હતી. કંપની બંધ થવા માટે યલો કામદાર યુનિયન પર આક્ષેપ કરી રહી છે જ્યારે યુનિયન કહે છે કે યોગ્ય વ્યવસ્થાપનના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે.
યલો કંપનીના બંધ થવાની આ ઘટના સાથે અમેરિકામાં ઘણી મોટી મોટી કંપનીઓ અચાનક જ બંધ થઇ જાય અને નાદારી નોંધાવે તેવી ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે. ત્યાં મોટી અને જાણીતી કંપનીઓ પણ અચાનક પરપોટો ફૂટતો હોય તેમ બંધ થઇ જાય તેવી ઘટનાઓ તાજેતરના સમયમાં નોંધપાત્ર પ્રમાણમાં બની છે. આ જ વર્ષ દરમ્યાન સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેંક પણ અચાનક બંધ થઇ ગઇ હતી. અને આપણે અગાઉ જ જોયું તેમ અમેરિકામાં ઘણી કંપનીઓમાં લોકોની નોકરીઓ ખૂબ અસલામત જણાય છે. અચાનક કર્મચારીઓને ટૂંકી નોટિસે છૂટા કરી દેવાય છે. તાજેતરના સમયમાં અનેક ટેક કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે અને તેમાં ઘણા ભારતીયોએ પણ નોકરી ગુમાવી છે. વિશ્વના અગ્રણી અર્થતંત્રની આ પણ એક બલિહારી છે.