વડોદરા: સરકાર દ્વારા ઘરવિહોણાને મકાન તો આપવામાં આવે છે પરંતુ કેટલાક ભેજાબાજ આ મકાનો મેળવી તેમાંથી કમાણી કરવાનો પેંતરો રચી નાખે છે. મકાન માલિકો ગેરકાયદેસર રીતે મકાનો ભાડે આપી રોકડી કરી લેતા હોય છે. જેવી ફરિયાદોના આધારે શહેરના વેમાલી ખાતે આવેલા શ્યામાપ્રસાદ- 2 એલ આઇ જીના આવાસો ખાતે વહેલી સવારે શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા)ના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ભાડુઆત અંગેની ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી
ગરીબોને ખાસ કરીને જેઓ પાસે પોતાના આવાસો નથી તેવા લોકોને સરકારની સૂચના અનુસાર શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા)ના એલ આઇ જી આવાસોની ફાળવણી કરવામાં આવી છે પરંતુ કેટલાક મકાન માલિકો દ્વારા આ આવાસોને ગેરકાયદેસર રીતે ભાડે આપી દેવામાં આવ્યા છે.
જેમાં કેટલાય લોકો ભાડા કરાર વિના કે કોઇપણ પ્રકારની નોંધણી વિના ભાડુઆતો રહી રહ્યાં છે આવા જ એલ આઇ જી ના આવાસો વેમાલી ખાતે આવેલા છે જ્યાં એ,બી,સી એમ ત્રણ ટાવરોમા 192 જેટલા આવાસો છે અહીં શ્યામાપ્રસાદ -2માં જે તે સમયે આ આવાસોની ફાળવણી સમયે નિયમોમાં જણાવવામાં આવ્યું હતું કે સાત વર્ષ સુધી કોઈપણ મકાન માલિક દ્વારા મકાન વેચાણ કરી શકાશે નહીં અને ભાડે પણ આપી શકાશે નહીં પરંતુ કેટલાક મકાન માલિકો દ્વારા થોડા સમય બાદ ચાલીસ જેટલા મકાનો ગેરકાયદેસર રીતે ભાડા કરાર વિના ભાડેથી આપી દેવામાં આવ્યા હતા જે અંગે સ્થાનિકો દ્વારા કેટલાક ગેરકાયદેસર રીતે રહેતા માથાભારે તત્વો અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં તથા શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી, કારેલીબાગ કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી ત્યારે મે મહિનામાં અહીં મંજુસર પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા રુબરુ જઇ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓએ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પણ આ બાબતે જાણ કરી હતી.
વુડાની સરપ્રાઈઝ ચેકિંગની જાણ અગાઉથી જ માલિકોને થઇ ગઈ? વિભીષણ કોણ?
વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) ના અધિકારીઓ શ્યામાપ્રસાદ-2 મા ચેકિંગ માટે પહોંચ્યા હતા સાથે જ આ સરપ્રાઇઝ ચેકીંગ ની જાણ કરવાની હોતી નથી છતાં જે મકાનો ભાડેથી આપેલા હતા તેના મકાન માલિકોને અગાઉથી જાણ થઇ ગઇ હતી અને તેઓ તમામ પૂરાવા સાથે અગાઉથી જ પહોંચી ગયા હતા જે અંગે ત્યાં રહેતા આગેવાનોએ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી કારેલીબાગ ખાતે રજૂઆત કરી હતી. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે તંત્રની સરપ્રાઈઝ ચેકિંગની વાર માલિકો સુધી કેવી રીતે ગઈ. વિભાગ માં જ કોઈ વિભીષણ નથી ને?
ગેરકાયદે રીતે ભાડે અપાયેલ મકાનોની જપ્તી કરાશે
આ આવાસોના રહીશો તથા આગેવાનો દ્વારા ફરિયાદ મળી હતી સાથે જ રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અગાઉ ખટંબા ખાતેના આવાસોમા પણ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કોઇપણ મકાન માલિકો દ્વારા નિયમ વિરુદ્ધ જઇ આવાસો ભાડે આપ્યા હશે તેઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શ્યામાપ્રસાદ ખાતેના 192 આવાસોમા રહેતા મકાનમાલિકો ત્યાં રહેતા લોકો પાસેથી જરૂરી દસ્તાવેજો, પૂરાવા મંગાવ્યા છે સાથે સાત દિવસમાં અહીં જરૂરી પૂરાવા રજૂ કરવાના રહેશે જેની ખરાઇ સાથે તપાસ કરાશે અને જે પણ ગેરકાયદેસર રીતે ભાડેથી મકાન આપેલ હશે તે મકાનની જપ્તી કરાશે. – કે.એન.પટેલ, એક્ઝિક્યુટિવ એંજીનિયર, વુડા