દરરોજ વર્તમાનપત્રોમાં એક બે મોટા અકસ્માતો અને નાના અકસ્માતો વિષે સમાચારો હોય જ છે. વિદેશોમાં આવા નાના મોટા અકસ્માતો ખૂબ જ ઓછા થાય છે. કારણ ત્યાં રસ્તે ચાલવામાં અને વાહનોના ડ્રાઇવીંગમાં ખૂબ જ શિસ્ત પાળવામાં આવે છે. ત્યાં એવું કહેવાય છે કે અકસ્માત થયો એટલે વાહન ગયા બરાબર છે. વાહન પાછું મેળવવા એટલી બધી સરકારી કડાકૂટ હોય છે કે એમ થાય છે કે જવા દો વાહન લેવા જવું જ નથી. જયાં જયાં સ્પીડનાં બોર્ડ લાગ્યાં હોય છે ત્યાં તેટલી જ સ્પીડમાં વાહન ચલાવે છે. ભારતનાં યુવાનો તો કોઇ પણ જાતની શિસ્તમાં માનતા જ નથી. જયાં 40ની સ્પીડે ચલાવો બોર્ડ હોય છે ત્યાં એજ 80, 100ની સ્પીડે વાહન ચલાવે છે.
જયાં જવાનું હોય ત્યાં કોઇ અગત્યના ન હોય તો પણ સ્પીડમાં વાહન ચલાવવાનું છોડતા નથી. પછી તે દ્વિચક્રી હોય કે ચાર ચક્રી હોય! હાઇ વે પર તો ટ્રકો પણ હદ વટાવી જાય છે. આ અકસ્માતોમાં સરકાર કરતાં પ્રજાનો વાંક મોટો છે. ટ્રાફિક પોલીસો કે ઇન્સ્પેકટરો જેટલા છે તેટલા પ્રમાણમાં ફરતા હોય છે. હાઇ વે માટે સ્ટાફ ઓછો હોવાનું સરકારનું કહેવું છે. હાલમાં નજીકના ભૂતકાળમાં વર્તમાન પત્રોમાં પોલીસની ભરતી કર્યાના સમાચાર હતા પરંતુ એ તો ઘણી ઓછી સંખ્યા કહેવાય. દરેક રાજયમાં પોલીસ વડાઓની ફરિયાદ હોય છે કે સ્ટાફ ઓછો છે અને એ વાત ઘણી સાચી છે. એના અવેજમાં પોલીસ વડાઓએ ખાસ કરીને ટ્રાફિક પોલીસના વડાઓએ સ્પીડને કાબૂમાં રાખવા બીજા ઉપાયો વિચારવા જોઇએ.
હાઇ વે તેમજ શહેરોમાં સ્પીડ ઓછી કરાવવા રૂકાવટવાળાં સાધનો મૂકવાં જોઇએ. કારણ પોલીસનો સ્ટાફ તો ઓછો જ પડે છે. દક્ષિણ ભારત સિવાય ભારતના અન્ય ભાગોમાં તો હાઇ વે પર લાઇટ પણ ઓછી હોય છે. દક્ષિણ ભારતમાં ઠેર ઠેર ચળકતા લાલ રંગના અને લીલા રંગના પટ્ટાઓ લગાડવામાં આવ્યા હોય છે. દક્ષિણ ભારત જેવું બીજાં રાજયોના હાઇ વે પર પણ એવું કરી શકાય છે. પરંતુ રાજયના પોલીસ વડાઓનું આળસ કે બેફિકરાઇ જોવામાં આવે છે. જો કે બીજાં રાજયોમાં હાઇ વે પર જયાં ટ્રાફિક પોલીસ મથક હોય ત્યાં અવરોધો મૂકેલા જોવામાં આવે છે. પરંતુ હાઇ વે ખાલી હોય છે.
પોંડીચેરી – ડો. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભૌતિક સંપત્તિ એ સુખનો પર્યાય નથી
યાંત્રિકીકરણ પછી શ્રમનો મહિમા ધોવાઈ ગયો છે. વાહનોની ભરમાર સાથે પ્રદૂષણ આરોગ્યને ખતરારૂપ સાબિત થયું છે. પ્રાથમિક શાળામાં આવતાં જ ટુ વ્હિલરની ડિમાન્ડ વધતી ગઈ. નાકા પર જવું હોય તો પણ ટુ વ્હીલર. આજનો યુવાન એક કિલોમીટર એક કીલો વજન સાથે ચાલી શકતો નથી. જંક ફુડની ભરમાર આબાલવૃદ્ધો પણ અડફટે ચઢી ગયા છે. યુવાન વયે હાર્ટ એટેકના બનાવો નિરંકુશ વધતા જાય છે તેમાં જંક ફુડ અને શારીરિક અને માનસિક શ્રમનો સદંતર અભાવ વર્તાય છે. સતત મોબાઈલમાં ખોવાઈ જતા આબાલવૃધ્ધની પાચનશક્તિ પણ મંદ પડી ગઈ છે. દવાખાનાં ઉભરાઈ રહ્યાં છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.