આણંદ : દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથને રિઝવવા માટે શિવભક્તોને વર્તમાન વર્ષે બબ્બે શ્રાવણ માસનો અનેરો લ્હાવો મળ્યો છે. ત્યારે આણંદ જીલ્લાના મોગરી ગામના શિવભક્તો ભગવાનની ભક્તિ માટે ઉપાસનામાં ભાવવિભોર બનેલ છે. મોગરી ગામના રામકૃષ્ણ જનસેવા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણી સોમવારે શિવ આરાધના અંતર્ગત કાવડ યાત્રા આયોજિત કરવામાં આવી હતી. કાવડ યાત્રામાં જોડાયેલા શિવભક્તો દ્વારા મહી નદીના કિનારે આવેલ અને આસ્થા સ્થાન ગણાતા વેરાખાડી ખાતેથી પવિત્ર જળ કાવડમાં લઈ જઈને મહાદેવ મંદિરે જળાભિષેક કરવાનું આયોજન કરાયું હતું. કાવડ યાત્રામાં મોગરી ગામના શિવભક્તો વહેલી સવારે પાંચેક વાગ્યે વેરાખાડી પહોંચી સ્નાન કરીને મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે કાવડમાં જળ ભરીને પગપાળા મોગરી આવવા માટે પ્રસ્થાન કર્યું હતું. 21 કિલોમીટર પગપાળા યાત્રા કરીને કાવડ યાત્રિકો મોગરી ગામના વૈધનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ગ્રામજનો અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા યાત્રિકોનુ અભિવાદન કરાયું હતું.
કાવડ યાત્રિકોએ મોગરી ગામના પ્રસિદ્ધ વૈજનાથ મહાદેવ મંદિરે પહોંચીને પવિત્ર જળથી મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા પૂર્વક જળાભિષેક કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી. ઉત્તર ભારતની પરંપરા મુજબ પ્રસિદ્ધ કાવડ યાત્રા અંતર્ગત આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વખત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાવડ યાત્રા આયોજક સમિતિએ શ્રાવણ માસના આગામી દરેક સોમવારે કાવડમાં જળ લાવીને મહાદેવ મંદિરે શિવભક્તો જળાભિષેક કરવા માટે આ કાવડ યાત્રામાં જોડાવવા માટે અનુરોધ કર્યો છે.