કપડવંજ : નડીઆદ – કપડવંજ – મોડાસા વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયના અગાઉથી પેસેન્જર ટ્રેન દોડતી હતી અને તે સમયે વિવિધ સ્ટેશનના સ્ટોપેજ પરથી મોટી સંખ્યામાં મુસાફરો રેલવે ટ્રેનનો લાભ લેતા હતા. પરંતુ માર્ચ-2019થી કોરોનાના રોગચાળાને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે અન્ય મેમુ ટ્રેનો શરૂ થઈ છે તેમ નડીઆદ-કપડવંજ-મોડાસા રેલ માર્ગ પર પુનઃ રેલ સેવા શરૂ કરવા માટેની મુસાફરોની માંગણી ઉગ્ર બની છે.
કોરોના મહામારી વીતી ગયા બાદ ગુજરાત રાજયમાં ઘણી મેમુ ટ્રેનો શરૂ થઈ છે. જેમાં ખંભાત-આણંદ, આણંદ- ગોધરા, અમદાવાદ – હિંમતનગરનો સમાવેશ થાય છે.છતા પણ હવે નડીઆદ- કપડવંજ- મોડાસા ટ્રેન પુનઃ શરૂ કરવામાં ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ મુસાફરોમા વ્યાપ્યો છે. વડોદરા ડિવિઝનમાં નડીઆદ બ્રાંચ લાઈનમાં ગુડઝની સૌથી વધુ આવક કરતી લાઈન છે.તેથી વહેલી તકે આ લાઈન પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી છે.
નડિયાદ મોડાસા ટ્રેક ઉપર ઈલેકટ્રીક લાઈન નાંખવાનું કામ પુરૂ થઈ ગયું છે.
ટ્રાયલ પણ લેવાઈ ગયો છે છતાં મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં ઠાગા ઠૈયા કરવામાં આવી રહેલ છે. નડીઆદ-કપડવંજ-મોડાસા 104 કિલોમીટરની રેલ્વે લાઈન ઉપર આવનાર દિવસોમાં આ લાઈન ઉપર ઈલેકટ્રીક એન્જીન દોડવાથી મુસાફરોનો સમય પણ બચશે. પરંતુ મુસાફર હિતમાં ટ્રેન ક્યારે શરૂ થશે તે એક વિકટ પ્રશ્ન છે. મુસાફર ટ્રેન કાર્યરત થાય તો જ મુસાફરોને ફાયદો થાય તેમ છે. જેથી સ્થાનિક નેતાગીરી ઉપરાંત ખેડા સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ બાબતે દરમિયાનગીરી કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેમ મુસાફરો જણાવી રહ્યા છે. અગાઉના સમયમાં દરરોજ વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારના મુસાફરો મોટા પ્રમાણમાં લઈ રહ્યા હતા.
આ અંગે રેલ્વે બુકીંગ એજન્ટ અમીત કે. શાહના જણાવ્યાનુસાર, ત્રણ વર્ષ અગાઉ જ્યારે ટ્રેન દોડતી હતી ત્યારે કપડવંજ સ્ટેશનથી મુસાફરોની સંખ્યા વધારે રહેતી હતી. કુલ-4 ફ્રીકવન્સી ધરાવતી આ ટ્રેનમાં દરરોજ ઘણા બધા મુસાફરો લાભ લઈ રહ્યા હતા. જેમાં સુરત, વડોદરા, નડીઆદના રોજીંદા મુસાફરો આવતા જતા હતા. હવે મુસાફરોના હિતમાં સદર રેલ્વે સેવા પુનઃ શરુ કરવા લોકોની માંગ વધી રહી છે.
નડિયાદ – કપડવંજ – મોડાસા વચ્ચે 104 કિલોમીટરમાં આઠ જેટલા સ્ટોપેજ
નડીઆદ – કપડવંજ – મોડાસા બ્રોડગેજ રેલ્વે લાઈન સન-2002માં નેરોગેજમાંથી પરિવર્તિત કરી શરુ કરવામાં આવી હતી. 104.84 કિલોમીટર લાંબી આ રેલ્વે લાઈન પર નડીઆદ – કપડવંજ – મોડાસા રેલ્વે લાઈન વચ્ચે આઠેક જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે. આ રેલ્વે ટ્રેક ઉપર કુલ-82 જેટલા ફાટકો આવેલા છે અને કુલ્લે-8 રેલ્વે સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવામાં આવેલા છે. જેમાં નડિયાદ, મહુધા, મીનાવાડા રોડ, ભાનેર, કઠલાલ, કપડવંજ, વડાલી, કાશીપુરા, બાયડ અને મોડાસાનો સમાવેશ થાય છે.
બસની તુલનામાં રેલ સેવા ઘણી સસ્તી છે
નડિયાદથી મોડાસા રેલ્વે માર્ગ પર અગાઉ મુસાફરી કરતા પાસ હોલ્ડરોના જણાવ્યાનુસાર કપડવંજથી નડીઆદનું રેલ્વેમાં ભાડુ દશ રૂપિયા થાય છે. જ્યારે એસ.ટી.બસમાં રૂ.29 થાય છે. એવી રીતે વડોદરાનું રેલ ભાડુ રૂ.25 જ્યારે એસ.ટી બસોમાં ભાડું રૂ.60 થાય છે. આમ બસ સેવા કરતા રેલ સેવા પ્રમાણમાં ઘણી સસ્તી છે.