મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની ખેતી અને વ્યાપારને પણ આ જાતિવાદના ખટરાગ સાથે સીધો સંબંધ છે. નાગા, કુકી અને મૈતેઈ જાતિના લોકો વચ્ચેનો હિંસક સંઘર્ષ આજકાલની વાત નથી. ભારતના કેટલાક પુરાણા અલગાવવાદી આંદોલનો મણિપુરમાં થતી હિંસાના મૂળમાં છે અને છેલ્લા 2 દાયકાથી ઉત્તરપૂર્વમાં આ સંઘર્ષ ઘટ્યો પણ છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે રીતે સંજોગો વણસ્યા છે તેણે મણિપુરને ભરડામાં લીધું છે. આ વર્ષના પ્રારંભથી જ સતત હિંસક અથડામણો મણિપુરમાં શરૂ થઇ અને મે મહિનામાં મામલો એવો બીચક્યો કે સરકારે ત્યાં 5 દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવી પડી.
ભૌગોલિક રીતે જોઈએ તો મણિપુરના 2 હિસ્સા થાય, ઇમ્ફાલ વેલી અને ડુંગરાળ પ્રદેશો અને ત્યાં જે 60 વિધાનસભા મતવિસ્તારો છે તેમાંથી 40 ઇમ્ફાલ વેલીમાં છે અને બાકીના 20 મતવિસ્તારો 10 અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલા છે. ઇમ્ફાલ વેલીમાં મૈતેઈ જાતિનો ઇજારો છે જે મોટેભાગે હિંદુઓ છે અને ડુંગરાળ જિલ્લાઓમાં નાગા અને કુકી (ચિન, મિઝો અને ઝોમી પ્રજાતિઓ પણ ડુંગરાળ પ્રજાતિઓ છે જે મૈતેઈ સામેના સંઘર્ષનો હિસ્સો છે) આદિવાસી જાતિઓ છે જેમાં મોટા ભાગના ખ્રિસ્તી ધર્મ અનુસરે છે.
કુકી, નાગા અને મૈતેઈ જાતિઓ વચ્ચેના સંઘર્ષના મૂળિયામાં કંઇક આવી વાત છે – ડુંગરાળ પ્રદેશના આદિવાસીઓનો દાવો છે કે ઇમ્ફાલ વેલીમાં રહેતા લોકોએ પોતાની રાજકીય ઇજારાશાહી હોવાથી વિકાસલક્ષી કાર્યો રૂંધ્યા છે તો મૈતેઈ લોકોનો દાવો છે કે તેઓ તેમની પોતાની જ વારસાગત જમીન પર – પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તેમની સંખ્યા ઘટી રહી છે. તેમને એ વાંધો છે કે તેઓ મણિપુરના ડુંગરાળ વિસ્તારોમાં જમીન નથી ખરીદી શકતા કારણ કે ત્યાં આદિવાસી જાતિઓને વિશેષાધિકાર મળેલો છે અને આ કારણે તેમણે જબરદસ્તીથી માત્ર ને માત્ર ઇમ્ફાલ વેલીમાં જ રહેવું પડે છે, તેઓ ત્યાં બંધાઈ ચૂક્યા છે.
મૈતેઈ જાતિને આદિવાસી જાતિ – ખાસ કરીને અનુસૂચિત જનજાતિ હોવાનું સ્ટેટસ મળે એ માટે કેટલીક સંસ્થાઓ સતત માગ કરી રહી છે અને તાજેતરમાં ત્યાં હાઈકોર્ટમાં પણ એવી દલીલ કરાઈ કે રજવાડાઓ રાષ્ટ્રમાં ભળ્યા તે પહેલાં મૈતેઈ લોકો આદિવાસી જાતિમાં ગણાતા પણ હવે એ દરજ્જો તેમની પાસે ન હોવાથી તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જમીનો, ભાષાને સાચવવામાં તકલીફ પડે છે અને માટે તેમને આદિવાસી પ્રજાતિ હોવાનો દરજ્જો પાછો જોઈએ છે. કુકી અને નાગા આદિવાસી જાતિઓને લાગે છે કે આ માંગથી મૈતેઈ પ્રજાતિને વિધાનસભામાં અને તેના થકી આખા રાજ્ય પર કાબૂ કરવો છે વળી તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો તો ધરાવે જ છે.
મૈતેઈ જાતિ એક સમયે રાજાઓ ગણાતા, તેમના પ્રદેશો પર નાગા જાતિના લોકો લૂંટફાટ કરતા રહેતા અને અંગ્રેજોએ મૈતેઈઓના રાજાઓ સાથે કરાર કરેલા પણ અંગ્રેજો સાથે આ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થયું. અંગ્રેજોએ મ્યાનમારના કુકીઓને પણ અહીં વસાવ્યા અને તે વખતથી આ 3 જાતિઓ વચ્ચે ચાલતી આવતી ઈજારાશાહી લડાઈ આજે પણ ચાલી રહી છે. મૈતેઈની વસ્તી વધુ હોવા છતાં તે હાંસિયામાં છે તો કુકી વહીવટી તંત્રમાં છવાયેલા છે. જમીન પરનો કબ્જો તેમને આ સંઘર્ષનું બળતણ છે. વળી સ્થળાંતર કરીને આવતા વસાહતીઓને કારણે જંગલની અનામત જમીનો પર ઘુસી રહ્યા છે. આમાં પાછા જે મૂળ મણિપુરના છે તેમને જ હાંસિયામાં ધકેલાવું પડે છે, વળી આને લીધે અફીણની ખેતીના પ્રદેશો બદલાય છે અને વિસ્તરે પણ છે.
મણિપુરની આ હિંસામાં જમીન પરના અધિકારોનો પ્રશ્ન તો છે જ પણ ભારત-મ્યાનમાર સરહદે થતો હેરોઈનનો ગેરકાયદે વ્યાપાર આ સંઘર્ષને તીવ્ર બનાવે છે. મણિપુરના ડુંગરાળ પ્રદેશમાં પૉપીની મોટા પાયે ખેતી થાય છે. ખસખસના આ છોડમાંથી અફીણ બને છે અને મણિપુરની સરહદેથી તેનો બેફામ ગેરકાયદે વેપાર ચાલે છે. મણિપુરની હિંસામાં નાર્કોટિક્સ એક ન ટાળી શકાય એવો ભાગ ભજવે છે. જમીનના હકનો ટંટો મોટો થાય છે કારણ કે આદિવાસી પ્રજાતિઓ અફીણની ખેતીમાં સંડોવાયેલી છે, તેમનું આર્થિક ગાડું આ નશાના જોર પર ચાલે છે.
આ પરિસ્થિતિ વધારે જટિલ બને કારણ કે મ્યાનમાર સશસ્ત્ર શરણાર્થીઓને આ તરફ ધકેલે છે. આતંકી જૂથોને નાર્કોટિક્સના વ્યાપારથી ફાયદો થાય છે અને મૈતેઈ જાતિના લોકો કુકી જાતિના લોકોને આ તમામ માટે જવાબદાર ઠેરવે છે. સ્વાભાવિક છે કે કુકી જાતિના જે લોકો આમાં હિસ્સેદાર નથી તેમને આ ‘લેબલ’ સામે વાંધો હોય જ. ત્યાં શાસક વર્ગ અને વિરોધ પક્ષ વચ્ચેનું રાજકારણ પણ હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં પણ એ મુદ્દો ઊઠ્યો કે મણિપુરના મુખ્ય મંત્રીએ ‘ડ્રગ્ઝ સામેનું યુદ્ધ’ જાહેર કર્યું એમાં સંજોગો ધાર્યા કરતાં વધારે વણસ્યા. વળી અફીણના વ્યાપારના ઇતિહાસ વિશે વિગતવાર લખનારા પ્રસિદ્ધ લેખક અમિતવ ઘોષે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એમ વાત કરી હતી કે હિંસાનું વિશ્લેષણ થાય ત્યારે અફીણના વ્યાપારને ગણતરીમાં લેવો જ પડે.
મણિપુરમાં નાર્કો-પૉલિટિક્સ જટિલ પ્રશ્ન છે. કુકી આતંકીઓ પાસે મોંઘાદાટ શસ્ત્રો છે (કઈ રીતે લાખોની કિંમતનાં AK-56 કે AK– 46 જેવાં શસ્ત્રો આ પ્રજાતિઓ પાસે આવે છે જે આર્થિક રીતે સદ્ધર નથી) અને તે મ્યાનમાર, મિઝોરમ અને બાંગ્લાદેશના ગેરકાયદે વસાહતીઓ અને ડ્રગ્ઝના વ્યાપારના પૈસાને કારણે આવ્યા હોવાનું મૈતેઈ રિસર્જન્સ ફોરમનો આક્ષેપ છે. રાજ્ય સરકાર તેના કહેવાતા અભિયાનમાં ડ્રગ્ઝના વ્યાપારમાં સંડોવાયેલાઓની ધરપકડ કરે છે પણ છતાં ય એમ થાય છે કે મોટી માછલીઓ છટકી જાય છે અને સામાન્ય લોકોને આ પણ કઠે છે.
મણિપુર અગેન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સામાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે, તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ અંગુલિનિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું. બિરેન સિંઘના આવા વલણને કારણે તેમનું અફીણની ખેતી અંગેનું કોઇ પણ વિધાન કોમવાદ ભડકાવે છે. ‘‘મ્યાનમારના વસાહતીઓ જંગલોના નાશ માટે, અફીણની ખેતી અને નાર્કોટિક્સના વ્યાપાર માટે જવાબદાર છે’’ એવું પણ બિરેન સિંઘે કહ્યું છે.
મણિપુર સરકારના સૂત્રો અનુસાર 2017-18 દરમિયાન 18,664 એકરમાં ફેલાયેલા અફીણના ખેતરોનો નાશ કરાયો હતો, જે મોટેભાગે ડુંગરાળ પ્રદેશોમાં હતા. રાજ્ય સરકારની આ કામગીરીને કારણે કુકી, ઝો, ચિન પ્રજાતિઓ ફુંગરાઈ કારણ કે તેઓ પૉપી સિડ્ઝની ખેતી કરીને જ કમાણી કરતા હતા. મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ –ગોલ્ડન ટ્રાયંગલ દેશોમાંથી આવનાર નાર્કોટિક્સ આજકાલ બને છે મણિપુરમાં. મ્યાનમાર અને ચીનની વચ્ચે થતા ડ્રગ ટ્રાફિકિંગમાં તેની આસપાસના વિસ્તારો સંડોવાય અને ત્યાં જ મણિપુર અને બાકીના ઉત્તર-પૂર્વીય ભારતની વાત આવે છે. આ સાબિતી છે કે વાત માત્ર મણિપુર પૂરતી નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલમાં મણિપુરની સંડોવણીની છે. મણિપુરમાં વંશવાદી હિંસા, નાર્કોટિક્સનું અર્થતંત્ર, રાષ્ટ્રીય સલામતી અને આંતરરાષ્ટ્રીય આતંકી વ્યૂહરચના આ ચારેય મુદ્દાનું કોકડું એક સાથે ગુંચવાયેલું છે. તેનો ઉકેલ એક દિશામાં વિચાર કરવાથી લાવવો મુશ્કેલ છે.
બાય ધ વે
કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે કે મણિપુરના સરહદી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે. સરકારે ભારત-મ્યાનમાર પ્રદેશની વ્યૂહાત્મક ગણતરીઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે તેની સાથે એ પણ યાદ રાખવું પડે કે સરહદી ખેલમાં આદિવાસી સપાટામાં ન લેવાય કારણ કે તેમની આર્થિક સ્થિતિ તો બદતર છે જ અને એવામાં બેની લડાઈમાં તેમનો ભોગ લેવાશે તો તેઓ સ્વ-બચાવમાં બમણા જોરથી સામા થશે. સત્તાધીશો જો મણિપુર, નાગાલેન્ડ અથવા મિઝોરમ જેવાં રાજ્યોમાં ચાલતા આંતરિક વિક્ષેપો કે સંઘર્ષનો બહાના તરીકે ઉપયોગ કરીને વંશીય વિભાજન લંબાવશે તો તેની અસરો સારી નહીં હોય. જો પરિસ્થિતિને સમજદારીથી સંભાળવામાં નહીં આવે તો ભારત આ સંવેદનશીલ ક્ષેત્રમાં મોટી ભૂલ કરી બેસશે.