આમતો એક મોટો નિબંધ લખી શકાય એટલી વિગતો છેલ્લા છ દાયકાથી મનપાનાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતી નાટય સ્પર્ધા અંગે છે.આમાં સારાં અને નબળાં બંને પાસાં છે.પરંતુ અહીં એક અદના પ્રેક્ષક તરીકે નાટ્ય સ્પર્ધા બાદ સાંભળેલા ગણગણાટને જ ઉજાગર કરેલ છે.. સૌ પ્રથમ તો આટલા પ્રલંબ સમય પટ સુધી સ્પર્ધા ,કેટલાક અપવાદો સિવાય, ટકાવી રાખવાનું શ્રેય આખા દેશ ભરમા સુરત મનપાને ફાળે જાય છે .એને માટે સુરત ગૌરવ લઈ શકે છે.એટલું જ નહિ પણ કલા જગતમા આ પ્રકારની દેશ ભરમાં એક વિરલ સિધ્ધિ પ્રાપ્ત કરી છે એમ કહું તો જરાય ખોટું નથી. કેટલાક સૂચનો, ટૂંકાણમા. (1) સ્પર્ધાનું ધોરણ કેટલાંક વરસોથી નીચું ને નીચું જઇ રહ્યું છે, તેને ઊંચુ લાવવા સંન્નિષ્ઠ પ્રયાસો કરવા.
(2) અગાઉ ભલે બીજા શહેરમાં રજૂઆત થઈ હોય,પણ સ્પર્ધામા નવાં જ નાટકો હોવાં જોઇએ જેથી લેખકો,દિગ્દર્શકો અને કલાકારોની કસોટી થાય અને પ્રેક્ષકોને સારૂં નાટક જોયાનો આનંદ થાય. (3) બને ત્યાં સુધી નવા વિષય વસ્તુ વાળા મૌલિક નાટકોનો આગ્રહ રાખવો.અનુવાદ અને રૂપાંતરનો ક્રમ પછી રાખવો. (4) પાસ વહેંચણીની પ્રથા ધરમૂળથી બદલાવવી જરૂરી છે.મેં મારા એક પ્રેક્ષક મિત્રને એવી ટીપ્પણી કરતા સાંભળ્યા કે આ સ્પર્ધા પ્રજા માટે છે કે મનપાનાં કર્મચારીઓ માટે ? (5) અગાઉ એવી પ્રથા હતી કે આ ક્ષેત્રમા કામ કરી ચૂકેલા કલાકારો, કસબીઓ અને ખરા અર્થમા ચાહકોને બે પાસ પોષ્ટ કે કુરિયર દ્વારા ઘેર બેઠાં મોકલવામાં આવતાં અને એક રજિસ્ટર સાંસ્કૃતિક વિભાગ રાખતું.આમા મનપાને વર્ષ દરમ્યાન યોજાતા અન્ય જાહેર પ્રોગ્રામ માટે પણ પ્રેક્ષકો થશે કે કેમ તેની ચિંતા નહોતી. આ વર્ગ બહુ મોટો પણ નથી .આ પ્રથા ફરી શરૂ ન થઈ શકે ?
સુરત – પ્રભાકર ધોળકિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વશીકરણનું હથિયાર
માનવને વશ કરીને પોતાનું ધાર્યું કરાવવા કેટલાક સાધકો જે ઉપાય અજમાવે છે તે વશીકરણ તરીકે ઓળખાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી સતત જે નવું સંશોધન કરે છે તેમાં યુદ્ધ વિષયક અનેક શોધો શસ્ત્રો અંગે થતી રહી છે. યુદ્ધમાં પરંપરાગત અને બિનપરંપરાગત રીતો પ્રયોજાય છે. દુનિયામાં અમુક દેશો શાંતિપ્રિય છે તો અમુક વિસ્તારવાદી, આક્રમણખોર હિંસક વૃત્તિ ધરાવે છે. ચીન તે માટે નામચીન છે, ત્યાં સામ્યવાદી તાનાશાહી હોવાથી સૈનિકોની કમી નથી, છતાં બિનપરંપરાગત ક્ષમતા વધારવા તેણે માનવીના મસ્તિષ્ક પર પ્રહાર કરતું હથિયાર વિકસાવ્યું છે, જે નવા પ્રકારનું જૈવિક હથિયાર છે. ચીની સૈન્ય માટે ન્યૂરોસ્ટ્રાઈક વેપન્સ તૈયાર કર્યાં છે.
જે માનવીના મગજ પર સીધો હુમલો કરે છે અને તેની સાથે મગજને નિયંત્રિત કરી શકે છે. ન્યૂરો સ્ટ્રાઈક વેપન્સ માઈક્રોવેવ અથવા ઊર્જા મારફત મગજ પર પ્રહાર કરે છે. સીધો જ માનવીના ન્યૂરો તંત્ર પર હુમલો થાય છે, તે સીધી રીતે કોઈ વસ્તુ દ્વારા હુમલો થતો નથી. પણ ઊર્જાનો હુમલો હોય છે. લોકોનાં મગજને માઈક્રોવેવ્સ અથવા ઊર્જાના આંચકા મારફત નુકસાન પહોંચાડનાર અને મગજને નિયંત્રિત કરનાર હથિયાર છે, જેને વશીકરણનું હથિયાર કહી શકાય અને તેનાથી જીવંત માનવ પણ જીવંત રોબોટ સમાન બની જાય.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.