નવસારી: સોશિયલ મીડિયા (Social Media) પર અવર-નવર રસ્તા પર ચાલુ ગાડીએ સ્ટન્ટ કરતાં અથવા સ્પીડમાં કાર હંકારતા લોકોનાં વીડિયો વાયરલ થતાં જ રહે છે. તેમાંથી અનેક સ્ટન્ટબાજોને પોલીસ પકડીને મેથીપાક ચખાડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર નવસારીની (Navsari) એક યુવતીનો મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ કરતો વીડિયો વાઈરલ (Viral Video) થયો છે. વાઈરલ વીડિયોમાં એક યુવતી મોપેડ પર સવાર થઈ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો નવસારીના ઈંટાળવા-છાપરા રોડ પરનો છે. વીડિયોમાં યુવતી હાથ છુટા મૂકીને મોપેડ ચલાવતી અને ડાન્સના એક્શન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા પછી અનેક લોકો કહી રહ્યા છે કે, મોપેડ ચલાવીને સ્ટન્ટ કરતી યુવતીએ પોતાની સાથે રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.
મોપેડ સવાર યુવતી મસ્ત મોજમાં સ્ટન્ટ કરી રહી હતી. ત્યારે આ જોખમી સ્ટન્ટનો વીડિયો પાછળથી આવી રહેલા એક કારચાલકે બનાવી વાઈરલ ર્ક્યો હતો. રસ્તા પર મોપેડ ચલાવતી યુવતીના સ્ટન્ટ જોઈને અન્ય વાહનચાલકો પણ આશ્ચર્યમાં મૂકાતા જોવા મળ્યા હતા.
પોલીસે શોધખોળ શરૂ કરી
નવસારી ટ્રાફિક પી.એસ.આઈ જાગૃત જોશીએ જણાવ્યું હતું કે, ‘તેમની પાસે મોપેડ પર સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો આવ્યો છે અને પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’ પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વીડિયો શૂટ કરનાર કાર ચાલક મળી આવે તો તારીખની જાણ થશે અને તેના આધારે સીસીટીવી ચકાસવામાં આવશે. આ વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા નથી પરંતુ યુવતી આગળ અન્ય રોડ પરથી પસાર થતી નજરે પડે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
સુરતનો ધુમ સ્ટાઈલમાં બાઈક ચાલવતાં યુવકનો વીડિયો વાઈરલ
સુરત શહેરમાં પણ રાત્રીના સમયે ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં થોડા સમય અગાઉ જ વાઈરલ થયેલા વીડિયોમાં યુવક બાઈક પર બંને હાથ છોડી ઉભો રહી વાહન ચલાવતાં જોવા મળ્યો હતો. હાલમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં જોખમી સ્ટન્ટ કરી આવા નબીરાઓ પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે.