સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં (Khanvel) ભારે વરસાદને (Heavy Rain) લઈ ગુરૂવારથી જ મેઘતાંડવનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે પુરના પાણી ખાનવેલના વિવિધ ગામોની સાથે કરચોડ ગામની નદી અને ગામમાં પણ ફરી વળ્યા હતા. સાથે જ મધુબન ડેમમાં (Madhuban Dam)પણ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં પ્રશાસન દ્વારા 1.95 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર રીતે છોડતા ખાનવેલ, દૂધની, કરચોન્ડ ગામેથી પસાર થતી સાકર તોડ નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. તે દરમિયાન કરચોડ ગામથી એક ખેડૂત દંપતી તણાઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કરચોડ ગામમાં રહેતા 55 વર્ષીય ખેડૂત ચતુર બારકુ ઘાંટાળ અને તેની 52 વર્ષીય પત્નિ પોવની ચતુર ઘાંટાળ તેમના નદી કિનારે આવેલા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા હતા અને જોતા-જોતામાં તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. NDRFની ટીમને આ વાતની જાણ થતાં ટીમ તેમને વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી નદીના કિનારા સ્થાને શોધવાની કામગીરી કરી રહી છે.
લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા
ટીનોડા ગામના રસ્તા પર નદીના પાણી ફરી વળતાં બે બાઈક સવાર તણાતા બચ્યા હતા. જ્યારે પારસીપાડા અને પારસપાડા ગામમાં પાણી ઘુસતા લોકો મુસીબતમાં મુકાયા હતા. પૂરના પાણીના કારણે ખાનવેલની એક હોટલની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ હતી. બિન્દ્રા બિન મંદિર પાસે પણ પાણી ભરાયા હતા. આ તરફ પુરના પાણી ખાનવેલના ભગતપાડા, પાટલીપાડા અને તલાવલી ગામોમાં ઘૂસતાં ગામના લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા. આ અંગેની જાણ પ્રશાસનને થતાં ગ્રામજનોને બચાવવ એનડીઆરએફની 6 ટીમને જાણ કરાતા કોસ્ટગાર્ડ દમણની ટીમની પણ મદદ લઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 12 મહિલા, 6 પુરુષ અને 3 નાના બાળક મળી કુલ 21 લોકોને રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં ખસેડાયા હતા.
શુક્રવારે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતા પ્રદેશના કલેક્ટરે દાનહની તમામ સરકારી, ખાનગી સ્કૂલ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોને બંધ રાખવા એક આદેશ જારી કર્યો હતો. આ તરફ શુક્રવારે કલેક્ટર ભાનુપ્રભા તથા તંત્રએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો. અસરગ્રસ્ત ગામના ઘરોમાં કાદવ કિચડ પથરાયેલો જોવા મળ્યો હતો. ઘરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળ્યું હતું. ગામના મોટાભાગના રસ્તાઓ પણ તૂટી ગયા હતા.