મહુવા: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) શુક્રવારે પડેલા મૂશળધાર વરસાદને કારણે મહુવા (Mahuva) અને કપરાડાના અનેક વિસ્તારોમાં જમીનનું ધોવાણ થયું હતું. શુક્રવારે મહુવામાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના પરિણામે મહુવા તાલુકાના ઓંડચ ગામે 6 ખેડૂતોની 15 વીઘા જમીનનું ધોવાણ થયું છે. જ્યારે ઓંડચ ગામે નદી કિનારે આવેલા ફાર્મ હાઉસ (Farm House) સંપૂર્ણ રીતે નદીમાં ડૂબી ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકાના ઓંડચ ગામે ખેડૂતોને ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યાના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય આયોજન વગર કામગીરી કરવામાં આવતા સમયસર કામગીરી પૂર્ણ ન થતાં અને ચેકડેમ બન્યા બાદ સમય રહેતા પ્રોટેક્શન વોલની કામગીરી પૂ્ર્ણ ન થતાં 6 ખેડૂતોની 15 વીઘા જમીનનું ધોવાણ થયું છે. સાથે જ પૂર્ણા નદી કિનારે ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ ફાર્મ હાઉસનું ધોવાણ થયા બાદ આજે સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું હતું.
નદીના પૂરના કારણે જમીનનું ધોવાણ થવાની સાથે જ તેમાં ઉભા કલમ અને તૈયાર પાક પણ ધોવાઈ જતાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત આવી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પૂરના પરિણામે નદીનું વહેણ બદલાઈ ગામ તરફ થઈ જતાં આ પરિસ્થિતી નિર્માણ થઈ હતી. આ ઘટના બાદ ખેડૂતોએ ભેગા મળી ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે. ફાર્મ હાઉસની ગમે ત્યારે નદીમાં પડી જવાની શક્યતાને જોતાં તંત્ર દ્વારા ફાર્મ હાઉસ તરફ જતાં રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકામાં આભ ફાટ્યું
દક્ષિણ ગુજરાતની પુર્ણા, અંબિકા, કાવેરી અને મીંઢોળા નદીઓ ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ભયજનક સપાટી નજીક પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહુવા અને નવસારીમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહુવા તાલુકામાં 12 ઈંચ, નવસારીમાં 11 ઈંચ અને બારડોલી તાલુકામાં 8 ઈંચ, પલસાણા તાલુકામાં 6 ઈંચ, માંડવીમાં 4 ઈંચ, ઉમરપાડા 2.60 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો નોંધાયો હતો. જેના કારણે જિલ્લાના 45 થી વધુ માર્ગો અવર-જવર માટે બંધ કરાયા હતા. તો બીજી બાજુ સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.