માંડવી: હાલમાં દીપડાઓ (Leopard) માનવ વસાહત સુધી પહોંચ્યા હોય એવી અનેક ઘટનાઓ બની રહી છે. માંડવી (Mandvi) તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે બૌધાન ગામે (Baudhan Village) કબ્રસ્તાનની દીવાલ પર રાત્રિ દરમિયાન દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી તાલુકામાં જંગલ વિસ્તારમાં ઘટાડો થતાં વન્યપ્રાણીઓ માનવ વસાહતમાં ભણી આવી રહ્યાં છે. માંડવીના વરેલી કમલાપોર, પીપળિયા, ખંજરોલીમાં પણ દીપડા દેખાવાની અને પાંજરે પુરાવાની ઘટનાઓ કંઈ નવી નથી. ઘણીવાર તો મોડી રાતે બચ્ચાં સાથે જ દીપડો લટાર મારતો જોવા મળે છે. ત્યારે દીપડાને પકડવા માટે વનવિભાગ પણ સક્રિય છે. વનવિભાગ દ્વારા હિંસક પ્રાણીઓથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેને કારણે લોકો અને વન્યપ્રાણીઓ વચ્ચે સંઘર્ષમાં ઘટાડો થયો છે.
દીપડા ખેતરોમાંથી રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવી રહ્યા છે. દરમિયાન બૌધાન ગામે રાત્રિ દરમિયાન દીપડો કબ્રસ્તાનની દીવાલ પર ઊભેલો નજરે ચઢ્યો હતો. જેને ત્યાંથી પસાર થતાં એક કારચાલકે કેમેરામાં કેદ કરી લીધો હતો. કારની લાઇટ સામે પડતાં જ દીપડો કબ્રસ્તાનની દીવાલની નીચેની તરફ ધસી પલાયન થઈ ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત જિલ્લાની સાથે જ સુરત શહેરમાં પણ દીપડાની લટાર
સુરત જિલ્લામાં તો અવારનવાર દીપડાનો આતંક જોવા મળે જ છે. પરંતુ હવે તો આ દીપડા શહેરમાં પણ ઘુસી રહ્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે બે દિવસ પહેલા જ દીપડો દેખાતા સ્થાનિકોમાં દહેશત અને ભય ફેલાયો હતો. લોકોએ દીપડાનો વીડિયો બનાવી ફોરેસ્ટ વિભાગને મોકલી આ બાબતની જાણ કરી હતી.
શહેરની અંદર દીપડાએ પ્રવેશ કરતા ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા દીપડાનો વીડિયો અને ફોટો ફોરેસ્ટ વિભાગને મોકલી આપતાં ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ દીપડો દેખાયો તેની આસપાસ તપાસ કરવામાં આવી હતી. ત્યારે દીપડો એકવાર દેખાયા બાદ ફરી જોવા મળ્યો નહોતો. જેને લઈ નજીકમાં રહેલા શેરડીના ખેતરમાં દીપડો જતો રહ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ શેરડીના ખેતરમાંથી જ દીપડો શહેરી વિસ્તારમાં આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.