સીકર: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી રાજસ્થાનના (Rajasthan) પ્રવાસે છે. તેઓ સીકરમાં 9 કરોડ ખેડૂતોનાં (Farmer) ખાતામાં કિસાન સમ્માન નિધિની સ્કીમના આધારિત 17 હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે જ તેમજ પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધ કેન્દ્રનું પણ ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીએ 5 મેડિકલ કોલેજનું ઉદ્ધાટન જ્યારે 7નો શિલાન્યાસ કર્યો હતો.
આઝાદી પછી પહેલીવાર એવી સરકાર આવી છે, જે ખેડૂતોની સાથે ઉભી છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વર્ષ બાદ આજે રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં સભાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંબોઘન તેમણે શ્યામ બાબાની જય જયકાર સાથે કર્યું હતું. લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સીકરનો શેખાવતીનો આ વિસ્તાર ખેડૂતોનો ગઢ છે. અહીંનો ખેડૂત પાણીની અછત બાદ પણ પાકનું ઉત્પાદન કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર આવી સરકાર આવી છે, જે ખેડૂતોની સાથે ઉભી છે.
PMએ કહ્યું- ભારતનો વિકાસ ત્યારે જ થશે જ્યારે ગામનો વિકાસ થશે. અમારી સરકાર ભારતના ગામડાઓમાં દરેક સુવિધા આપવા માટે કામ કરી રહી છે, જે શહેરોમાં ઉપલબ્ધ છે. યુરિયા ગોલ્ડ લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને જે યુરિયાની ગુણી ભારતમાં 266 રૂપિયામાં મળી રહી છે, તે જ પાકિસ્તાનમાં 800 રૂપિયામાં જ્યારે પડોશી દેશ ચીનમાં રૂ.2100માં અને અમેરિકામાં રૂ.3000માં મળી રહી છે.
ટ્વિટર વોરનો અંત આવ્યો
પીએમ મોદીના રાજસ્થાન પ્રવાસને લઈને સીએમ અશોક ગેહલોત અને પીએમઓ ઓફિસ વચ્ચે ટ્વિટર પર વોર ચાલી રહ્યું હતું. અશોક ગેહલોતે આક્ષેપ લગાવ્યો હતો કે તેઓનાં 3 મીનિટનું પૂર્વ નિર્ધારિત ભાષણ પીએમઓ ઓફિસ દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું જેનાં કારણે તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં અને પીએમ મોદીનું સ્વાગત કરશે નહિં. તેમણે ટ્વિટર પર જ પોતાની માંગણીઓ પણ લખી હતી. આ પછી પીએમઓ ઓફિસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સીએમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ તેઓનું ભાષણ પણ હટાવવામાં આવ્યું ન હતું. પણ સીએમ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહિં તે અંગે તેમની ઓફિસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી.
ત્યારે હવે પીએમ મોદીએ આ વોરનો અંત લાવ્યા હતા તેમણે કહ્યું કે સીએમ અશોક ગેહલોતને પગમાં ઈજા થઈ છે જેના કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા ન હતા.
જો લાલ ડાયરી ખુલશે તો કોંગ્રેસના ડબ્બા ગુલ થઈ જશે: પીએમ મોદી
પીએમ મોદીએ આ સભામાં કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસે સરકાર ચલાવાના નામ પર લૂટની દુકાન ચલાવી છે. લૂટની આ દુકાનનું ઉદાહરણ છે રાજસ્થાનની લાલ ડાયરી. લાલ ડાયરીમાં કોંગ્રેસના તમામ કાળા કારનામાઓ બંધ છે. જો આ ડાયરી ખુલશે તો કોંગ્રેસના ડબ્બા ગુલ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું લાલ ડાયરીનું નામ સાંભળીને જ કોંગ્રેસના મોટા મોટા નેતાઓની હાલત ખરાબ થઈ જાય છે. આ ડાયરીના જો પાના ખુલશે તો બધા લપેટાઈ જશે. તેમણે કહ્યું જે સરકાર ચાર વર્ષ સૂતેલી હોય તે કેવી રીતે હિસાબ આપી શકશે.