કહેવતને યથાર્થ ઠેરવતી ઘટના તાજેતરમાં જ સુરત એરપોર્ટ પરથી અધધ..કિંમતના બિનવારસી આયાતી સોનાના જથ્થાની જપ્તી થયાના સમાચારો વાંચવા મળતાંની સાથે જ મોટા ભાગના વાચકોને સાહજિક રીતે ખ્યાલ આવી જાય છે કે, આમાં કોઈનું કોઈ ઉખાડી ફેંકવાનું નથી. ચાર પાંચ વખત આને એક બે અઠવાડિયા સુધી આવા સમાચારોના સંદર્ભમાં અખબારોમાં છપાયા કરશે, પછી ઘી ના ઠામ માં ઘી ઢોળી દેવાશે. જો કે ખરી હકીકત તો એ જ છે કે, દેશભરમાં વર્ષોથી ફેલાયેલી, સડેલી, બગડેલી, અધકચરી સિસ્ટમ અને સરકારી વહીવટી તંત્રોની સાથે , જે તે પક્ષના શાસકોની પણ રીતસરની મિલીભગતથી જ આવા ખેલ ખેલાતા આવ્યા છે અને આવનારા સમયમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી થકી કાગળિયાની સિસ્ટમ પર ચોપડે લખાવીને, અખબારોમાં થોડા દિવસ સુધી જરાતરા સમાચારો ચમકાવીને પ્રજાની આંખમાં ધૂળ ઝીંકવામાં આવે છે.
બિચારી બાપડી પ્રજા મોંઘવારી અને બેકારીના ખપ્પરના ખોફમાં ક્યાંય નવરી પડતી નથી કે નથી કોઈ ને સરકારની સામે બાંયો ચડાવીને એવા બેનામી સોનાના જથ્થાની આગળની કાર્યવાહીમાં,કોને શું થયું? કોણ કોણ પકડાયા? કોનું કેટલું કાળું નાણું સફેદ થયું ? બધા જ આવા પ્રકારના કિસ્સામાં દર વખતની જેમ ઢાંકપિછોડા હવે , સત્તાપર કબજો જમાવ્યો છે,એવા બાહુબલીઓ દ્વારા નમાલી કરી દેવાયેલી લોકશાહીને કોઠે પડી ગયાનું દુઃખ આજની તારીખે પણ, આઝાદીના અમૃત મહોત્સવના પર્વ ઉપર સ્વર્ગમાં સિધાયેલા કંઈક કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓને થયા વિના રહેશે?
સુરત- પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ધૂમકેતુની હેરિટેજ પોષ્ટ ઓફિસનો થયો જીર્ણોધ્ધાર
મહાન વાર્તાકાર ધૂમકેતુની સુપ્રસિધ્ધ વાર્તામાં આવતી ગોંડલની હેરિટેજ પોષ્ટ ઓફિસ જર્જીરિત અવસ્થામાં હોઇ તેનો જીર્ણોધ્ધાર કરી નિભાવણી કરી વિશ્વના નકશા પર મૂકવાનો સ્તુત્ય નિર્ણય કલેકટર પ્રભવ જોષી અને ગોંડલ નગરપાલિકાના કમિશનર ધીમંત વ્યાસ અભિનંદનના અધિકારી છે. ધૂમકેતુની વાર્તાના નાયક અલી ડોસો કોચમેનની યાદને જીવંત રાખવાના વહીવટી તંત્ર દ્વારા સુંદર પ્રયાસ થયો છે. એમની વિશ્વપ્રસિધ્ધ વાર્તા પોષ્ટ ઓફિસના નાટય રૂપાંતરો પણ અનેક ભાષાઓમાં થયાં છે. અલી ડોસા મરિયમના સ્નેહની આ પ્રેરક કથા છે.
એની પુત્રી મરિયમના લગ્ન પંજાબ થાય છે ને લગ્ન પછી પિતાને છોડી મરીયમ પતિ સાથે ચાલી જાય છે. પુત્રીના પત્રની રાહ જોતો અલી કોચમેન પ્રાત:કાળે વર્ષો સુધી પોષ્ટ ઓફિસ જઇ પ્રતીક્ષા કરે છે. એને થાય છે હવે મારું મૃત્યુ નજીક છે એમ જાણી ગોંડલ પોષ્ટ ઓફિસના માનવતાવાદી નિષ્ઠાવાન, પ્રામાણિક પોસ્ટલ કલાર્ક લક્ષ્મીદાસને સોનાના પાંચ સિક્કા આપી પત્ર આપે ત્યારે તેની કબર પર મારા મૃત્યુ પછી મૂકવા જણાવે છે ને લક્ષ્મીદાસ પહોંચાડે છે. ગોંડલ વહીવટી તંત્ર રીનોવેશન, જાળવણી, હેરિટેજ બદલ અભિનંદનને પાત્ર છે. પિતા પુત્રીના દિવ્ય આત્મીય પ્રેમની પોષ્ટ ઓફિસ વાર્તા આજે પણ એટલી જ પ્રેરક છે.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.