સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ના ભાગરૂપે દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટને (Water crisis) દૂર કરવાના ઉદેશથી દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરો નિર્માણ કરવાનું આહ્વાન કર્યું હતું. જેને રાજ્ય સરકારે ઝીલી લીધું અને ગુજરાતની (Gujarat) ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાના ઉદ્દેશથી તેમજ ખેડૂતોને સમૃદ્ધ કરવાની દિશામાં સરકારે આદરેલા જળસંચય અભિયાનની સાથોસાથ રાજ્યના દરેક જિલ્લામાં જનભાગીદારી સાથે અમૃત્ત સરોવર નિર્માણ કરવામાં આવ્યું છે.
ગામોની જળસમૃદ્ધિ માટે આ દૂરંદેશીભર્યું પગલું સાબિત થયું છે. જેનું ઉત્તમ ઉદાહરણ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું દામકા ગામ છે. અહીં નિર્માણ પામેલા અમૃત્ત સરોવરથી ખેડૂતો અને ગ્રામજનોનું જીવનધોરણ ઊચું લાવવામાં સહાયક બન્યું છે. 500 મીટર લંબાઈ, 120 મીટર પહોંળાઈ અને અઢી મીટર ઊંડા અમૃત્ત સરોવરમાં 15 કરોડ લીટર પાણીનો સંગ્રહ થતા આ સરોવરનું પાણી ખેડૂતો-ગ્રામજનો માટે અમૃત્ત સમાન બન્યું છે.
ગામના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૃત્ત સરોવર મિશન થકી દામકા ગામના અનેક ખેડૂતોને લાભ થયો છે, જેમાંથી હું પણ એક છું. હું છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છું. અમારૂં ગામ દરિયાકાંઠે આવ્યું હોવાથી સ્વાભાવિક છે કે કુવા કે બોરવેલનું પાણી સિંચાઈ માટે ઓછું ઉપયોગી નીવડે છે, ત્યારે સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત દામકા ગામમાં અમૃત્ત સરોવર બનાવતા બારે માસ અમૃત્ત જેવા પાણીનો સંગ્રહ થઇ રહ્યો છે. ખેતીમાં સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરીને દામકા ગામના ખેડૂતો બારમાસી ખેતી કરતા થયા છે. પાણીની અછતના કારણે ખેડૂતો ચોમાસાની ઋતુ સિવાય બીજો પાક લઈ શક્તા ન હતા, પણ હવે અમૃત્ત સરોવર બનવાથી શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ પાક લઈ શકીએ છીએ. ખેતીમાં ડાંગર, શાકભાજી અને પશુપાલન માટે માયુ બનાવી પરિવારની આજીવિકા સારી રીતે ચાલી રહી છે. સુરતની મોરા ભાગળ સ્થિત સહકારી મંડળીમાં રેકોર્ડ બ્રેક ડાંગરનો પાક જમા થયો છે એનું આ જીવંત ઉદાહરણ છે એમ દિનેશભાઈએ જણાવ્યું હતું.
દામકા ગામના યુવા ખેડુત મયુર પટેલે ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાપ-દાદાની આઠ વિઘા જમીન વારસામાં મળી છે. દરિયાઈ વિસ્તારમાં ખેતી કરવી ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. અમૃત્ત સરોવરના પાણીથી દામકા ગામની બંજર જમીન પણ ફળદ્રુપ બની છે. ખાનગી કંપનીના સહયોગથી અમૃત્ત સરોવરના કાંઠે સિંચાઈ માટે સોલાર સંચાલિત સિંચાઈ પરિયોજના હેઠળ સોલાર પમ્પ મુકવામાં આવ્યા છે. તેની સાથે સરકારે પાણીની પાઈપલાઈન માટે સબસિડી આપી એક સાથે બે લાભ થયા છે, એટલે અમારા જેવા નાના ખેડૂતોના બંન્ને હાથમાં લાડુ મળ્યા હોય તેમ લાગી રહ્યું છે.
તેમણે કહ્યું કે, પહેલા સિંચાઈ માટે ડિઝલ પમ્પના ઉપયોગથી ખેતી ખર્ચાળ બનતી અને ઉપજ પણ મોંઘી થતી સોલાર પમ્પના ઉપયોગથી અમૃત્ત સરોવરનું મીઠું પાણી ખેતરના શેઢે નિ:શુલ્ક મળવાથી ગામના અનેક ખેડૂતો બારે મહિના ખેતી કરતા થયા છે. સરકારે ખેડૂતોના હિતમાં આવી અનેક યોજનાઓ બનાવી જેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી ઋણી રહીશું.
ઉપસરપંચ તુલસીભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા દામકા ગામમાં 17 વિઘામાં નિર્મિત અમૃત્ત સરોવરમાં બારે માસ પાણી સંગ્રહિત થતા ગામના 400થી 500 ખેડૂતો સિંચાઈ અને પશુપાલન માટે પાણીનો લાભ લઈ રહ્યા છે. અમૃત્ત સમું મીઠું જળ ઉપલબ્ધ બનતા કૂવા-બોરવેલમાં જલસ્તર પણ ઉંચા આવ્યા છે. કહેવત છે કે, ‘ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ આ વાતને વર્તમાન સરકારે વાસ્તવમાં ધરાતલ પર ઉતારી છે એમ તેમણે ગૌરવથી ઉમેર્યું હતું. આમ, ચોર્યાસી તાલુકાના દામકા ગામમાં અમૃત્ત સરોવર નિર્માણ પામતા ગામ જળસમૃદ્ધિની નવી ગાથા લખી રહ્યું છે.